Gujarati News

Gujarati News

News of Saturday, 13th October 2018

રાજકોટમાં જામનગરના વૃધ્ધાનું સ્વાઇન ફલૂથી મોતઃ કુલ મૃત્યુઆંક ૨૦: કુલ ૨૬ દર્દીઓ સારવાર હેઠળ

સિવિલ હોસ્પિટલમાં ૭ દર્દીના રિપોર્ટ પોઝિટીવઃ બે નવા દર્દીના રિપોર્ટ આવવાના બાકી

રાજકોટ તા. ૧૩: સ્વાઇન ફલૂએ વધુ એક દર્દીનો ભોગ લીધો છે. તે સાથે રાજકોટમાં સ્વાઇન ફલૂથી મોતની સંખ્યા ૨૦ થઇ ગઇ છે. જામનગરના ૬૧ વર્ષના વૃધ્ધા રાજકોટની સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ હતાં. તેનું ગઇકાલે મોત નિપજ્યું છે. શહેરની સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં તા. ૧-૯-૧૮ થી ૧૨-૧૦-૧૮ સુધીમાં સ્વાઇન ફલૂના કુલ ૯૯ દર્દી નોંધાયા છે. જેમાંથી કુલ ૨૦નો ભોગ લેવાઇ ચુકયો છે. આજે સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં ૨૬ દર્દીઓ સારવાર હેઠળ છે. સિવિલ હોસ્પિટલમાં આજે કુલ ૯ દર્દી સારવારમાં છે. જેમાંથી સાત દર્દી પોઝિટીવ રિપોર્ટવાળા છે અને બે દર્દીના રિપોર્ટ આવવાના બાકી છે. આરોગ્ય તંત્રના અહેવાલ મુજબ જે ૨૦ મૃત્યુ થયા છે તેમાં ૩ દર્દી રાજકોટ ગ્રામ્ય પંથકના, ચાર દર્દી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોંધાયેલા અને ૧૩ દર્દી અન્ય જીલ્લાના સામેલ છે. જે દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાં ગોંડલ, વિછીયા, ઉપલેટા, અમરેલી, જામનગર, જુનાગઢ, મોરબી, પોરબંદર, ગીર સોમનાથના દર્દીઓનો સમાવેશ થાય છે.  (૧૪.૬)

(11:59 am IST)