Gujarati News

Gujarati News

News of Friday, 13th September 2019

વન-વે, નો પાર્કીગ, સ્પીડ બ્રેકરની સાઇનના ઠેકાણા નથીઃ પ્રજા-પોલીસ વચ્ચે ઘર્ષણ ન થાય તે જોજો

પોલીસ કમિશ્નર શ્રી ૧૬મીથી ટ્રાફીક નિયમનનો કડક અમલ કરાવતા પહેલા પ્રજાના માનસમાં રહેલી દ્વિધા જાહેર માધ્યમો દ્વારા દુર કરો : ટ્રાફીક નિયમન ભંગ બદલ પગલા લેતા પહેલા પોલીસ અને પ્રજાના હિતમાં મહત્વના સુચનો આપતા જનજાગૃતી અભિયાન મંચના પ્રમુખ તખુભા રાઠોડ

રાજકોટ, તા., ૧૩: ૩ દિવસ પછી તા.૧૬મીથી ટ્રાફીક નિયમ ભંગના નવી જોગવાઇઓના કડક અમલની તૈયારી આરટીઓ અને પોલીસ તંત્ર કરીને બેઠું છે ત્યારે કડક અમલવારી પહેલા ટ્રાફીક નિયમો સુચવતા માળખાકીય ઢાંચાને સુવ્યવસ્થિત બનાવ્યા બાદ દંડ વસુલવા પોલીસ આગળ આવે તે જરૂરી હોવાનું જનજાગૃતી અભિયાન મંચના પ્રમુખ તખુભા રાઠોડે પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલને પત્ર પાઠવી જણાવ્યું છે. તેમણે પ્રજા અને પોલીસ હિતના કેટલાક મહત્વના સુચનો પણ કર્યા છે. તા.૧૬મીથી પોલીસ ટ્રાફીક નિયમન ભંગ બદલની કાર્યવાહી શું ઝુંબેશનું સ્વરૂપ લેશે (?) તેવો  વેધક પ્રશ્ન ઉઠાવી પોલીસ અને પ્રજા વચ્ચે ઘર્ષણ ન થાય તેની તકેદારી લેવા સુચન કર્યુ છે.

પોતાની લેખીત રજુઆતમાં તખુભાએ જણાવ્યું છે કે નવા નિયમો અને કાયદાના અમલ માટે પોલીસ ખાતાનો અભિગમ શું રહેશે તે વિષે તાત્કાલીક પ્રેસ કોન્ફરન્સ બોલાવી જનતા જોગ માહીતી પુરી પાડવામાં આવે તે જરૂરી છે. નિયમનો કડક અમલ કરાવતા પુર્વે રસ્તા ઉપર વન-વે, નો પાર્કીગ, સ્પીડ બ્રેકરની સાઇન અને આંધળા સ્પીડ બ્રેકરોના રીફલેકટર ઉડીને આંખે વળગે તેવા બનાવવા  મહાનગર પાલીકાને સાથે રાખી કાર્યવાહી જરૂરી બની ગઇ છે. અનેક વન-વે અને માર્ગો-પેટામાર્ગો ઉપર સાઇલેન્સ ઝોન, વન-વે વિગેરેના બોર્ડ દુરથી વાંચી શકાતા નથી, તો કેટલાક બોર્ડ ઉપર જાહેરાતો કે અન્ય પત્રીકાઓ ચીપકેલી જોવા મળે છે. આમ ટ્રાફીક નિયમનને લગતું  બેઇઝીક માળખુ પહેલા સુવ્યવસ્થિત કરી પોલીસ સંયમથી પ્રજા સાથે વર્તે તો સારૂ રહેશે.

રાજય સરકારે માધ્યમો દ્વારા કુલ ૧૮ નિયમના દંડની રકમની જાહેરાત કરી છે. જેમાં ૧ થી ૧૪ નિયમમાં દંડ વસુલ કરવાની સત્તા પોલીસ હેડ કોન્સ્ર્ટેબલને આપી છે. તો શું આ હોદાની નીચેના કર્મચારીઓ દંડ વસુલવા કાર્યવાહી કરશે નહિ? શહેરમાં કુલ કેટલા હેડ કોન્સ્ટેબલ ફરજ બજાવે છે? તે સંખ્યા પ્રેસના માધ્યમથી જાહેર કરવી જરૂરી છે. દંડની રકમ સ્થળ પર વસુલાશે?, નિયમ ભંગ બદલ એક જ દિવસે દંડનીય વ્યકિત પાસેથી કેટલી વખત એ જ ગુન્હા સબબ દંડ વસુલાશે?, વન-વે રોડ ભંગ અંગે દંડ વન-વે રોડની વચ્ચે વસુલાશે કે વન-વે પુરો થાય ત્યાં વસુલાશે?.

કેટલાક કાયદાના જાણકારો એવું સ્પષ્ટપણે જણાવે છે કે વાહન ચલાવતી વખતે વાહનના રજીસ્ટ્રેશન પેપર સાથે ન હોય તો આ પેપર ૧પ દિવસની મુદતમાં રજુ કરી દંડમાંથી બચી શકાય છે  શું આ વાત  સાચી છે?   ટ્રાફીક સિગ્નલનું અસ્તિત્વ ન હોય કે બંધ હાલતમાં પડયા હોય તેવા ટ્રાફીકથી ધમધમતા  ચોક ઉપર સાઇડ ચાલુ-બંધ કરવા ટ્રાફીક પોલીસ કે બ્રિગેડના ૪-પ જવાનો દ્વારા અપનાવાતી પધ્ધતીનો અભ્યાસ કરવો જરૂરી છે. ઘણી વાર આવા સ્થળો ઉપર વિચિત્ર અને વિકટ પરિસ્થિતી ઉભી થાય છે જેને લઇને જનતા અને ટ્રાફીક બ્રિગેડ વચ્ચે બીન જરૂરી ઘર્ષણ થતું અવાર-નવાર નજરે પડે છે તે નિવારવા ઉચ્ચ પોલીસ અધિકારીઓએ આગળ આવવું જોઇએ. આવતા દિવસોમાં દંડ વસુલાતના મામલે પ્રજા અને પોલીસ વચ્ચે મારામારી કે ઘર્ષણ ન થાય તે માટે પોલીસને સંયમ રાખવા ઉચ્ચ અધિકારીઓએ તાકીદ કરવી જોઇએ. સાથોસાથ પ્રજાએ પણ સંયમ રાખવો જોઇએ. ઉપરોકત મહત્વના મુદાઓ ઉપર તાકીદે મ્યુનીસીપલ કોર્પોરેશન તંત્રને સાથે રાખી પ્રજાલક્ષી, પ્રજાહિતમાં પગલા લેવાય તે જરૂરી છે તેવું અંતમાં રાઠોડે પોતાની રજુઆતમાં જણાવ્યું છે.

તખુભા રાઠોડ

મો.નં. ૯૮ર૪ર ૧૬૧૩૦

(3:59 pm IST)