Gujarati News

Gujarati News

News of Friday, 13th September 2019

હેલ્મેટના તઘલખી કાયદાને શહેરોમાંથી મુકિત આપો : એનએસયુઆઈ

મજૂર વર્ગ વિદ્યાર્થીઓ મધ્યમ વર્ગ મંદીના ભરડામાં સપડાયેલા છે ત્યારે હેલ્મેટનો મોટો દંડ આકરો ડોઝ સાબિત થશે

રાજકોટ, તા. ૧૩ : હેલ્મેટ સહિતના ટ્રાફીક નિયમન અંગે આવતા દિવસોમાં તંત્ર સ્ટ્રીક બનવાની તૈયારી કરી રહ્યુ છે ત્યારે હેલ્મેટના કાયદાને શહેરોમાં મુકિત આપવાની પ્રચંડ માંગ નેશનલ સ્ટુડન્ટ યુનિયન દ્વારા પોલીસ કમિશ્નર કચેરી ખાતે કરવામાં આવી હતી.

એનએસયુઆઈ દ્વારા એડીશ્નલ પોલીસ કમિશ્નર અજયકુમાર ચૌધરીને પાઠવવામાં આવેલા લેખિત આવેદનપત્રમાં જણાવાયુ છે કે, કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા હેલ્મેટ કાયદાને શહેરોમાંથી મુકિત આપો, રાજકોટમાં મજૂર વર્ગ વિદ્યાર્થીઓ, મધ્યમ વર્ગ મંદીના ભરડામાં સપડાયેલો છે ત્યારે તેમની ચિંતા કર્યા વગર હેલ્મેટનો મોટો દંડ પડ્યા પર પાટુ જેવો સાબિત થશે. રાજય સરકાર પહેલા કોલેજો, સરકારી કચેરીઓમાં હેલ્મેટ રાખવાની વ્યવસ્થા ઉભી કરે પછી નિયમની અમલવારી કરાવવાની તસ્દી લે. અમારી તો સ્પષ્ટ માંગણી છે કે, હેલ્મેટ મુકત રાજકોટ અને શહેરો હોવા જોઈએ. જો આમ નહિં થાય તો ઉગ્ર આંદોલન કરીશુ. બીજી મહત્વની બાબત એ છે કે હેલ્મેટના ઉપયોગથી ગુનેહગારો ગુન્હા આચરવામાં વધુ સલામત બની જશે. તેઓ પોલીસની પકડથી આસાનીથી બચી જશે.

વિદ્યાર્થીઓ જાગે અને આ કાયદાને વખોડે તે માટે અમે જાગૃત બનવા અપીલ કરીએ છીએ. આંખોની સમસ્યા અને વધુ નંબર ધરાવતા વડીલો અને અશકત લોકો માટે પણ આ કાયદો અડચણરૂપ બની જશે. આવતા દિવસોમાં મુખ્યમંત્રી રાજકોટ આવે ત્યારે આ મુદ્દે એનએસયુઆઈ ઉગ્ર આંદોલન કરી પ્રજાને સાથે રાખશે.

આજની રજૂઆતમાં ઓલ ઈન્ડિયા એનએસયુઆઈના ડેલીગેટ આદિત્યસિંહ ગોહિલ, રાજકોટ જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ મુકુંદ ટાંક, શહેર એનએસયુઆઈ પ્રમુખ નરેન્દ્ર સોલંકી, જીલ્લા એનએસયુઆઈ રોહિત રાજપૂત, અફઝલ જુણેજા, આમીર લાટીયા, મીત પટેલ, પુષ્પરાજસિંહ જાડેજા, મયુર, કાનો ભરવાડ, હરવિજયસિંહ, દિગપાલસિંહ, માધવ મિયાત્રા, માનવ સોલંકી, દેવાંગ પરમાર, પાર્થ કાલરીયા, નિલેશ વાજા, રાજેશ વરણ સહિતના કાર્યકરો જોડાયા હતા.

(3:39 pm IST)