Gujarati News

Gujarati News

News of Friday, 13th September 2019

મહિલા પી.એસ.આઇની ફરજમાં રૂકાવટ કરવાના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો

રાજકોટ તા.૧૩: પી.એસ.આઇ.ની  ફરજમાં રૂકાવટ કરી ગાળો અને જાનથી મારી નાખવાની ધમકીના કેસમાં ચેતન ગોંડલીયાનો નિર્દોષ છુટકારો અદાલતે ફરમાવેલ હતો.

રાજકોટમાં તા. ૧/૧/૨૦૧૬ ના રોજ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં મહીલા પી.એસ.આઈ. એસ.એમ.ચૌધરીએ ફરીયાદ લખાવેલી કે તેઓ પી.સી.ઓ.૨, વાનમાં હતા અને માઈક બંધ કરાવવા ગયા ત્યારે આરોપી ચેતન ગોંડલીયાએ માઈક બંધ ન કરવા ગાળો આપી અને સ્ટાફને જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી પોલીસની ફરજમાં રૂકાવટ કરી ગુન્હો કરેલાની આઈ.પી.સી. કલમ ૧૮૬, ૫૦૪, ૫૦૬ (૨) ફરીયાદ, કરેલ અને સ્થળ ઉપરથી જ આરોપીની અટક કરેલ હતી અને કાયદેસરની કાર્યવાહી કરેલ હતી.

 સદરહુ કામમાં આરોપીનો જામીન ઉપર છૂટકારો થયેલ હતો અને ત્યારબાદ સંદરહું કેસે નામદાર અદાલતમાં ચાલવા ઉપર આવેલ હતો જેમાં સરકારપક્ષ તરફે જુદા જુદા નવ સાથીઓ સાથેનું ચાર્જશીટ અદાલતમાં રજુ કરવામાં આવેલ હતુ.

બચાવપક્ષ દ્વારા રજુઆત કરવામાં આવેલ કે પોલીસની પી.સી.આર. વાન બનાવ સ્થળે બે વાર ગયેલ હોય તેવો કોઈ પુરાવો રજુ કરેલ નથી આરોપીની સ્થળ ઉપરથી અટક કરેલ હોય તેવું કોઈ પંચનામું પણ રજુ કરવામાં આવેલ નથી ઉપરાંત આરોપીએ પોલીસની ફરજ બજાવતા અટકાવેલ હોય તેવો પણ કોઈ પુરાવો સરકારપક્ષ દ્વારા રજુ કરવામાં આવેલ નથી અને આરોપીએ પોલીસને ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપેલ હોય તેવું પણ કયાંય પુરાવામાં કે જુબાનીઓમાં જણાય આવતું નથી તે મતલબની દલીલ કરવામાં આવેલ હતી. સાક્ષીઓની જુબાનીઓમાં વિરોધાભાસ જણાય આવે છે, અને નામદાર ઉચ્ચ અદાલતોના વિવિધ ચુકાદાઓ કેસને અનુરૂપ રજુ કરવામાં આવેલ હતા. જેથી અદાલતે કેસના સંજોગો, કેસની હકીકતો, દસ્તાવેજી પુરાવાઓ, સાક્ષીની જુબાનીઓ અને નામદાર અદાલતોના વિવિધ ચુકાદાઓને ધ્યાનમાં રાખી આરોપી ચેતન ચંદ્રકાંતભાઈ ગોંડલીયા, રાજકોટને નિર્દોષ ઠરાવી છોડી મુકવા હુકમ કરેલ હતો.આ કામમાં બચાવપક્ષે ભગીરથસિંહ ડોડીયા, હેમાંશુ પારેખ, કિરીટ નકુમ, જયવિર બારેયા, મીલન જોષી, દીપ વ્યાસ, રવિરાજસિંહ જાડેજા, નયન મણીયાર એડવોકેટ તરીકે રોકાયેલ હતો.

(3:33 pm IST)