Gujarati News

Gujarati News

News of Friday, 13th September 2019

જંગલેશ્વરમાં આરએમસી કવાર્ટર સામે નદીમાંથી યુવાનની ફુલાયેલી લાશ મળી

આશરે ૩૫ થી ૪૦ વર્ષનો યુવાનઃ બે દિવસ પહેલા ડૂબ્યાનું તારણઃ વાલીવારસને શોધતી થોરાળા પોલીસ

રાજકોટ તા. ૧૩: જંગલેશ્વરમાં ત્રણ માળીયા કવાર્ટર સામેના ભાગે નદીમાંથી સવારે અજાણ્યા આશરે ૩૫ થી ૪૦ વર્ષના યુવાનની ફુલાયેલી-કોહવાયેલી લાશ મળતાં લોકોના ટોળા ભેગા થઇ ગયા હતાં. અંદાજે બે ત્રણ દિવસ પહેલા ડૂબી ગયાનું મૃતદેહને જોતાં પોલીસને લાગે છે.

એક યુવાનની લાશ તરતી હોવાની જાણ થતાં  ફાયર બ્રિગેડની ટૂકડી પહોંચી હતી અને મૃતદેહ બહાર કાઢ્યો હતો. એ દરમિયાન ભકિતનગર પોલીસ મથકના પીસીઆરના મયુરરાજસિંહ પહોંચ્યા હતાં.  જો કે હદ થોરાળા પોલીસની હોઇ ત્યાં જાણ કરવામાં આવતાં હેડકોન્સ. મુકેશભાઇ ચરમટા અને ધર્મેશભાઇ ખાંડેખાએ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી હતી.

મૃતક યુવાનના શરીર પર દેખીતી ઇજાના કોઇ નિશાન જોવા મળ્યા નથી. તેણે ખાખી જેવું પેન્ટ અને એવા જ કલરનું ટી-શર્ટ પહેર્યુ છે. આ સિવાય તેની ઓળખ થાય તેવી કોઇ ચીજવસ્તુઓ મળી નથી. યુવાનનું મોત ન્હાવા પડતાં ડુબી જવાથી અકસ્માતે થયું કે પછી આપઘાત કર્યો કે અન્ય કંઇ બન્યું? તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. તસ્વીરમાં દેખાતાં મૃતક યુવાન વિશે કોઇને માહિતી હોય તો થોરાળા પોલીસનો ફોન ૦૨૮૧ ૨૩૮૯૫૫૨ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

 

(11:40 am IST)