Gujarati News

Gujarati News

News of Tuesday, 13th August 2019

સેન્ટ્રલ બેંક દ્વારા એચ.ડી.એફ.સી. બેંકની સામે નુકશાની વસુલ મેળવવા કોર્ટમાં કરેલ દાવો મંજુર

બે બેંકો વચ્ચેના કાનુની વિવાદમાં સેન્ટ્રલ બેંકની તરફેણમાં મહત્વનો ચુકાદો

રાજકોટ તા ૧૩  : સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડીયા, પરાબજાર શાખાએ એચ.ડી. એફ.સી. બેંક, જીમખાના રોડ ઉપર આવેલ બ્રાંચ તેમજ લોઅર પરેલ અને ન્યુદિલ્હીમાં આવેલ બ્રાંચ સામે રૂા ૪,૯૮,૫૦૦/- પુરા વસુલ અપાવવા દાવો દાખલ કરેલ અને આ દાવામાં એચડીએફસીબેંકની કસુરને કારણે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડીયા, પરાબજાર શાખાને થયેલ નુકશાની વસુલ મેળવવા  દાવો દાખલ કરેલ. સદરહુ દાવામાં કોર્ટે તમામ પુરાવાઓ લક્ષમાં લઇ સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, પરા બજાર શાખાનો દાવો સંપૂર્ણ મંજુર કરેલ છે.

એચડીએફસી બેંક ન્યુ દિલ્હી શાખામાં વિશ્વકર્મા એન્જીનીયરીંગ વર્કસ નું ખાતુ ખોલવામાં આવેલ. આ ખાતુ ખોલતી વખતે કોઇપણ જાતની ઓળખાણ બેંક તરફથી લેવામાં આવેલ નહીં. વિશ્વકર્મા એન્જીનીયરીંગ વર્કસના નામનો સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, મેંગલોર બ્રાંચમાંથી કહેવાતો રૂ. ૪,૯૮,૫૦૦/- પુરાનો  એક ડ્રાફટ રાજકોટ એચડીએફસી બેંકમાં જમા થવા માટે આવેલ જે ડ્રાફટ પાછળથી જાણવા મળ્યા મુજબ સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડીયા, મેંગલોરે ઇસ્યુ કરેલ ન હતો અને ફ્રોડ હતો, પરંતુ એચડીએફસી. બેંક રાજકોટે સદરહુ ડ્રાફટનું પેમેન્ટ વિશ્વકર્મા એન્જીનીયરીંગ વર્કસના ખાતામાં જમા આપી દીધેલ હોય અને વિશ્વકર્મા એન્જીનીયરીંગ વર્કસ વત્તી સદરહુ રકમ વિથ ડ્ર્રો કરી લેવામાં આવેલ હોય એ સંજોગોમાં સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડીયા એ ફ્રોડથી મેળવેલ રકમ એચડીએફસી. બેંક પાસેથી પરત મેળવવા જાણ કરવા છતાં એચડીએફસી બેંકે રકમ પરત નહીં કરતા અને એ રીતે એચડીએફસી. બેંકે ખાતુ ખોલતી વખતે લેવી જોઇતી કાળજી લીધેલ ન હોય અને જેના કારણે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડીયાને નુકશાન જતાં સેન્ટ્રલ બેંક ઓફઇન્ડીયાએ એચડીએફસી બેંક સામે રૂા ૪૯૮૫૦૦/- પુરા વસુલ મેળવવા દાવો દાખલ કરેલ.

સીવીલ અદાલતે પોતાના ચુકાદામાં ઠરાવેલ છે કે પ્રતિવાદી એચડીએફસી. બેંકની બેદરકારી સાબિત થાય છે અને એચડીએફસી બેંકની બેદરકારીને કારણે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડીયાને નુકશાન થયેલ હોય અને એચડીએફસી બેંકને એન.આઇ. એકટની કલમ ૧૩૧ નીચે રક્ષણ મળી શકતું ન હોય એ સંજોગોમાં એચડીએફસી બેંક સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડીયાને રકમ ચુકવવા જવાબદાર થાય છે. અને નામદાર કોર્ટે સદરહુ રકમ ૬ ટકાના વ્યાજ સહિત ચુકવવા તેવો હુકમ કરેલ છે.

આ કામમાં સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડીયા વતી વકીલ તરીકે એસ. એમ. કોઠારી એન્ડ કાું. ના પંકજ એસ. કોઠારી, તરૂણ એસ. કોઠારી, ભાવીન પી. કોઠારી તેમજ અજય જે. વસોયા રોકાયેલા છે.

(3:35 pm IST)