Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

જુનિયર વકીલોને સ્ટાઇપેન્ડ ચુકવવા ગુજરાત બાર. કાઉન્સીલના ચેરમેનને લેખિત રજૂઆત

રાજકોટ, તા.૧૩: બાર કાઉન્સીલ ઓફ ગુજરાત પણ સરકાર સમક્ષ જુનીયર વકીલો માટે સ્ટાઇપેન્ડની તાત્કાલીક જાહેરાત કરે તેવી લેખીત રજુઆત કરવામાં આવી છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ એન્ડ હ્યમુમનરાઇટસ ડીપાર્ટમેન્ટના પ્રદેશ કન્વીનર શ્રી અને રાજકોટ બાર એસોસીએશનના સેક્રેટરીશ્રી ડો.જીજ્ઞેશ એમ. જોષી દ્વારા ગુજરાત રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી અને બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના ચેરમેન શ્રી સી.કે. પટેલને એક લેખીત રજુઆત કરી ઉપર મુજબની માંગણી કરવામાં આવી છે.

હાલમાં ગુજરાત રાજયમાં ૮૦,૦૦૦થી વધુ વકીલો વકીલાતની પ્રેકટીસ કરી રહ્યા છે. જેમાં રાજયમાં આશરે ૫૦૦૦થી ૧૦,૦૦૦ નવા જુનીયર વકીલોને ઉમેરો થઇ રહ્યો  છે. વકીલાતના ગરીમાપૂર્ણ વ્યવસાયમાં ટકી રહેવા માટે શરૂઆતના વકીલાતના વર્ષોમાં થોડી ઘણી મદદ સરકાર તરફથી મળવી અંત્યત જરૂરી છે. રાજય સરકાર દ્વારા હાઇ એસ.સી./એસ.ટીના જુનીયર વકીલોને રૂ.૩૦૦૦/ આર્થિક સહાય વકીલાતના ૩ વર્ષ પુર્ણ થાય ત્યાં સુધી ચુકવી રહી છે તે ખુબજ સારી બાબત છે પરંતુ તેનો લાભ જનરલ અને ઓ.બી.સી. કેટેગરીના વકીલોને હાલમાં મળતો નથી.

તાજેતરમાં જ તામીલનાડુ સરકાર દ્વારા તમામ જુનીયર એડવોકેટ મીત્રોને આવક નહી હોવાથી તેની મહત્વકાક્ષાઓ પરીપૂર્ણ કરવા માટે વકીલાતના ૩ વર્ષ સુધી ૩૦૦૦/ની આર્થિક સહાય આપવાનો નિર્ણય મુખ્યમંત્રીશ્રી દ્વારા કરવામાં આવેલ છે જેને ધ્યાને લઇને ગુજરાત રાજય સરકારે પણ આવો સંવેદનશીલ નિર્ણય જુનીયર વકીલોના હિતને ધ્યાને લઇને કરવો જોઇએ તેવુ જણાવવામાં આવેલ છે.

આ અંગેની યોગ્ય કાર્યવાહી સરકાર પાસેથી કરાવડાવવા માટે ગુજરાત રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી અને બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના ચેરમેન શ્રી સી.કે. પટેલ સમક્ષ ડો.જીજ્ઞેશ એમ. જોષી દ્વારા લેખીત માગણી કરવામાં આવેલ છે.

(2:54 pm IST)