Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

રાજકોટ હવે 'ઇ લોકાર્પણ'ના માર્ગેઃ કાલે વિજયભાઇના હસ્તે ૬૮ કરોડના કામોની ભેટ

હિંગળાજનગર-૧માં પી.પી.પી આવાસ યોજના સહિત રૂ. ૧૮.૯૫ કરોડના ૩ પ્રોજેકટો ખુલ્લા મુકાશેઃ રૂ. ૪૯.૯૩ કરોડ ખર્ચના ૨ પ્રોજેકટના કામનો પ્રારંભ થશે

રાજકોટ,તા. ૧૩: મ્યુ.કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલ દૂધસાગર રોડ આજી નદી પર રૂ.૩.૨૫ કરોડના ખર્ચે બનવવામાં આવેલ હાઈલેવલ બ્રિજ, રૂ.૧૫. કરોડના ખર્ચે હિંગળાજ નગર આવાસ યોજના (પી.પી.પી.) પાર્ટ-૧ તથા સ્માર્ટ સિટીના પાન સિટી પ્રોજેકટ અંતર્ગત રૂ.૭૦ લાખના ખર્ચે બનાવવામાં આવેલ સ્માર્ટ બસ સ્ટોપ (૧૦)નું ઈ-લોકાર્પણ તેમજ વોર્ડ નં.૧૨ મવડી વિસ્તાર જેટકો ચોકડી ખાતે રૂ.૪૨.૨૫ કરોડના ખર્ચે નિર્માણ પામનાર ૫૦ એમ.એલ.ડી. ક્ષમતાનો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, આજીડેમ પાસે રૂ.૭.૬૮ કરોડના ખર્ચે અર્બન ફોરેસ્ટ વિકસાવવાની કામગીરીનું ઈ-ખાતમુહૂર્ત  આવતીકાલે તા. ૧૪માં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે કરવામાં આવશે. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર બિનાબેન આચાર્ય ઉપસ્થિત રહેશે. તેમ સ્થાયી સમિતિના ચેરમેન ઉદયભાઈ કાનગડ, મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ, બાંધકામ સમિતિના ચેરમેન મનીષભાઈ રાડીયા, હાઉસિંગ કમિટીના ચેરમેન જયાબેન ડાંગર, વોટર વર્કસ કમિટીના ચેરમેન બાબભાઈ આહીર, અને બાગ બગીચા સમિતિના ચેરમેન વિજયાબેન વાછાણી એક સંયુકત યાદીમાં જણાવે છે.

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાટ યાદીમાં જણાવ્યા મુજબ આવતીકાલે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે ૧૮-૯૫ કરોડ ખર્ચના ૩ પ્રોજેકટનું ઇ-લોકાર્પણ તથા ૪૯.૯૩ કરોડના ખર્ચના પ્રોજેકટનું ઇ-ખાતમુહુર્ત કરવામાં આવનાર વિવિધ પ્રોજેકટની માહિતી આ મુજબ છે.

બ્રીજ

શહેરના દૂધસાગર રોડ આજી નદી બાજુ લો-લેવલ બ્રિજ હતો જેના કારણે ચોમાસાની ઋતુમાં ભારે વરસાદ દરમ્યાન નદીના પુર કારણે આવનજાવન માટે મુશ્કેલી ઊભી થતી હતી. આ મુશ્કેલી નિવારવા રૂ.૩.૨૫ કરોડના ખર્ચે ૧૦૪.૨૦ મીટર વધતા એપ્રોક્ષ લંબાઈ ૧૭૯.૦૩ મીટર તથા બ્રિજ ટોપ લેવલ ૧.૫૪ મીટર, હાઈફ્લડ ૯૯.૯૬ મીટર રહેશે. આ બ્રિજ થવાથી ૨ લાખ શહેરીજનોણી આવનજાવનણી મુશ્કેલી નિવારી શકાય.

પી.પી.પી. આવાસ યોજના

વડાપ્રધાન 'પ્રધાનમંત્રી આવાસ યોજના-હાઉસિંગ ફોર ઓલ ૨૦૨૨'ના ઘટકો પૈકી સલામ રી-ડેવલપમેન્ટ-પી.પી.પી. ઘટક અન્વયે ગુજરાત સ્લમ રીહેબીલીટેશન પોલિસી અંતર્ગત વોર્ડ નં.૦૮માં હિંગળાજનગર-૧ સ્લમ વિસ્તાર માટે પી.પી.પી. ધોરણે ટેન્ડર પ્રક્રિયા બાદ એજન્સી જે.પી.સ્ટ્રકચર પ્રા.લી. ને કામગીરી સોંપવામાં આવેલ. હાલ આવાસ યોજનાની કામીગીરી પૂર્ણ કરવામાં આવેલ છે. આ યોજના અંતર્ગત લેન્ડ એઝ એ રિસોર્સ ઉપયોગ કરવાથી રાજકોટ મહાનગરપાલિકાને રૂ.૪૦.૫૦ કરોડનું લેન્ડ પ્રીમિયમ મળેલ છે. તેમજ લાભાર્થીઓને ૨ બેડરૂમ, હોલ, કિચન, બે ટોઇલેટ, વોશ, ઈન્ફ્રાસ્ટ્રકચર સહિતની સુવિધા વાળું મકાન વિનામુલ્યે ફાળવવામાં આવેલ છે. આ યોજના અંતર્ગત ટી.પી.સ્કીમ. નં.૦૨ના એફ.પી. ૪૭૫ (૭,૯૨૮ ચો.મી.) રહેલ ઝુપડપટ્ટીને દુર કરી સુવિધાયુકત આવાસો બનાવવામાં આવેલ છે. હિંગળાજનગર-૧ આવાસ યોજનામાં કુલ રૂ.૧૫ કરોડના ખર્ચે ૧૪૫ આવાસો અને ૮ દુકાનો બનાવવામાં આવેલ છે. આ આવાસ યોજનામાં બિલ્ડીંગની બહાર અને અંદર આકર્ષક કલર કામ, લીફ્ટ, અન્ડરગ્રાઉન્ડ, ઓવરહેડ અને ફાયરની પાણીની ટાંકી, ગ્રાઉન્ડ ફ્લોર પર વિશાળ પાર્કિંગ જેવી સુવિધાઓ આપવામાં આવેલ છે.

સ્માર્ટ બસ સ્ટોપ

સ્માર્ટ સિટી, પાન સિટી પ્રોજેકટ અંતર્ગત શહેરમાં જુદી જુદી જગ્યાએ રૂ.૭૦ લાખના ખર્ચે સ્માર્ટ બસ સ્ટોપ (૧૦) બનાવવામાં આવેલ છે.

અર્બન ફોરેસ્ટ

ઉપરાંત આજીડેમ ડાઉનસ્ટ્રીમ વિસ્તારમાં ૪૭ એકરમાં અર્બન ફોરેસ્ટ, ફોરેસ્ટમાં રૂ.૭.૬૮ કરોડના ખર્ચે ડેવલપમેન્ટ કરવામાં આવનાર છે જેમાં,  અર્બન ફોરેસ્ટ ફરતે કમ્પાઉન્ડ વોલ અને ફેન્સીંગ,એડમીન ઓફીસ ,સાઈકલ ટ્રેક, વોકિંગ ટ્રેક, ગઝેબો,કુદરતી પાણીના સ્ત્રોતનું નવિનીકરણ, પાથ-વે તેમજ બ્રિજ અને રેલીંગ,પાણીના પરબ, ટોઇલેટ બ્લોકસ,માટે પ્લેગ્રાઉન્ડ, એકઝીબીશન એરિયા માટે પ્લેટફોર્મ,જુદા જુદા પ્રકારના પથ્થરો તેમજ અન્ય મટીરીયલનો ઉપયોગ કરીને પાથ-વે,ઓપન એર એમ્ફી થીયેટર, વિવિધ પ્રકારની બેન્ચિંગ,રોડ જંકશન આઈલેન્ડ, સોલાર લાઈટ્સ,આકર્ષક એન્ટ્રી ગેઈટ,જુદા જુદા પ્રકારના પ્લાન્ટેશન માટે બ્લોકસ,વિશાળ એરિયામાં પાર્કિંગની સુવિધા.

મવડી વિસ્તારમાં (E.S.R / G.S.R)

મવડી વિસ્તારમાં જેટકો ચોકડી પાસે ૫૦ એમ.એલ.ડી.ના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ તથા ઈ.એસ.આર./જી.એસ.આર. કમ્પાઉન્ડ બનનાર છે.પ્રોજેકટનો લાભ રાજકોટ મહાનગરપાલિકા વોર્ડ નં.૧૨ના વિકાસ પામી રહેલ નવા ભળેલા મવડી વિસ્તાર તથા ટી.પી. સ્કીમ નં.૨૫,૨૬,૨૭, તેમજ વાવડી વિસ્તારના હાલમાં અંદાજીત ૮૦,૦૦૦ શહેરીજનો તથા ભવિષ્યની સને ૨૦૩૨ની અંદાજીત ગણતરી મુજબ ૨ લાખથી વધુ શહેરીજનોને વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટથી પાઈપ લાઈન દ્વારા પાણી પૂરું પાડવા માટે લાભ મળશે.

આ અવસરે સાંસદ મોહનભાઈ કુંડારીયા, અભયભાઈ ભારદ્વાજ, ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન મનસુખભાઈ ભંડેરી, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, પ્રદેશ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી, પૂર્વ પ્રમુખ ભીખાભાઈ વસોયા, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, ડે.મેયર અશ્વિનભાઈ મોલીયા, પૂર્વ મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાય, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, વિપક્ષ નેતા વશરામભાઈ સાગઠીયા, દંડક અજયભાઈ પરમાર, શિક્ષણ સમિતિના ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી દેવાંગભાઈ માંકડ, કિશોરભાઈ રાઠોડ, જીતુભાઈ કોઠારી, પૂર્વ કોર્પોરેટર રાજુભાઈ બોરીચા, તેમજ તમામ કાર્યક્રમોમાં સ્થાનિક કોર્પોરેટરશ્રીઓ, ભાજપના હોદેદારઓ વિગેરે ઉપસ્થિત રહેશે.

(2:49 pm IST)