Gujarati News

Gujarati News

News of Saturday, 13th July 2019

રાજકોટના યુવા ધારાશાસ્ત્રી પૃથ્વીરાજસિંહ જાડેજા બન્યા આસિસ્ટન્ટ ચેરીટી કમિશ્નર

કલાસ-૨માં સ્ટેમ્પ ઈન્સ્પેકટર, ડીવાયએસઓ તથા નાયબ મામલતદારની પરીક્ષા ઉતિર્ણ કરી પરંતુ લક્ષ્યાંક કલાસ-૧ અધિકારી બનાવાનો હતો તે સિદ્ધ કર્યો

રાજકોટ, તા. ૧૩ :. રાજકોટમાં રેવન્યુ અને સીવીલ ક્ષેત્રે પ્રેકટીશ કરતા યુવા ધારાશાસ્ત્રી પૃથ્વીરાજસિંહ ભગીરથસિંહ જાડેજાએ કઠોર અને અવિરત પરિશ્રમ કરી ધાર્યુ નિશાન પાર પાડી તાજેતરમાં લેવાયેલી ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષા ઉતિર્ણ કરી આસિસ્ટન્ટ ચેરીટી કમિશ્નર તરીકે પસંદગી પામેલ છે.

પૃથ્વીરાજસિંહ જાડેજાએ વકીલાત ક્ષેત્રમાં ટૂંકા સમયમાં વિવિધ ક્ષેત્રે યશસ્વી કામગીરી કરી ખૂબ જ નામના મેળવેલ છે. તેઓ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશન, લાઈફ ક્રેડીટ કો-ઓપરેટીવ સોસાયટી, નાગરિક સહકારી બેન્ક તથા એકસીસ બેન્કમાં પોતાની તજજ્ઞ સેવા આપી હતી.

યુવા ધારાશાસ્ત્રી પૃથ્વીરાજસિંહ જાડેજાએ વકીલાતની પ્રેકટીસ સાથે કલાસ-૧ અધિકારી બનવાનો લક્ષ્યાંક નક્કી કર્યો હતો. આ માટે તેઓએ રોજ ૪ થી ૫ કલાક વાંચન કરતા હતા. અગાઉ તેઓએ કલાસ-૨ની સ્ટેમ્પ ઈન્સ્પેકટર, ડેપ્યુટી સેકશન ઓફિસર તેમજ નાયબ મામલતદારની પરીક્ષા ઉતિર્ણ કરી હતી પરંતુ તેઓએ તાજેતરમાં ગુજરાત જાહેર આયોગ દ્વારા લેવાયેલ પરીક્ષા ઉતિર્ણ કરી આસિસ્ટન્ટ ચેરીટી કમિશ્નર તરીકે નિયુકત થઈ કલાસ-૧ અધિકારી બનવાનો લક્ષ્યાંક સિદ્ધ કર્યો હતો.

મૂળ આમરણ ખારચીયા (મોરબી)ના વતની અને હાલ રાજકોટને કર્મભૂમિ બનાવનાર એડવોકેટ પૃથ્વીરાજસિંહના પિતા ભગીરથસિંહ રીટાયર્ડ આર્મી કર્મચારી છે અને હાલમાં ઓરીએન્ટલ બેન્કમાં સેવા આપી રહ્યા છે. પૃથ્વીરાજસિંહની આ સિદ્ધિ બદલ જાડેજા પર ઠેર ઠેર શુભેચ્છાઓ વરસી રહી છે. પૃથ્વીરાજસિંહના મો. નં. ૯૭૨૬૪ ૦૦૧૦૦ છે.

(4:04 pm IST)