Gujarati News

Gujarati News

News of Saturday, 13th July 2019

ગેરસમજને કારણે જંગલેશ્વરમાં જૂથ અથડામણમાં છ ઘવાયાઃ સામ-સામી ૧૭ જણા સામે ફરિયાદઃ ૭ સકંજામાંકારણે જંગલેશ્વરમાં જૂથ અથડામણમાં છ ઘવાયાઃ સામ-સામી ૧૭ જણા સામે ફરિયાદઃ ૭ સકંજામાં

કાનભાઇ આહિર કૂતરાને બિસ્કીટ ખવડાવતો હતો ત્યારે મિત્ર નાસિર ઉભો હતો...એ વખતે કાનભાઇના સાળા પ્રકાશ ઉર્ફ પકાએ 'શું કૂતરા ભેગા કરીને ઉભા છો?' તેમ પુછતાં નાસિરને પોતાને કૂતરા સાથે સરખાવાયાનું લાગતાં વાત વણસીઃ બંદોબસ્ત ગોઠવવો પડ્યોઃ ઘોઘાભાઇ બકુતરા, તેના ભાઇ ધીરૂભાઇ બકુતરા, સંજયભાઇ તથા સામા પક્ષે હબીબભાઇ ઠેબા, તેના પિતા અલીભાઇ ઉર્ફ કાળુભાઇ અને મિત્ર દિલાવરભાઇને ઇજા

હુમલામાં ઘાયલ ઘોઘાભાઇ નાગદાનભાઇ બકુતરા, ધીરૂભાઇ નાગદાનભાઇ બકુતરા, સંજય ચાવડા તથા   હબીબભાઇ ઠેબા અને દિલાવરભાઇ મકરાણી જોઇ શકાય છે

માહિતી આપી રહેલા ડીસીપી ઝોન-૧ રવિમોહન સૈની તથા સાથે ભકિતનગર પોલીસની ટીમ અને ઘટના સ્થળે એસીપી એચ. એલ. રાઠોડ, પી.આઇ. બી. ટી. વાઢીયા સહિતનો સ્ટાફ જોઇ શકાય છે (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૧૩: જંગલેશ્વરમાં રાત્રીના આહિર અને મુસ્લિમ જૂથ વચ્ચે ગેરસમજણને કારણે સશસ્ત્ર ધમાલ મચી જતાં પોલીસના ધાડેધાડ ઉતારાયા હતાં. બંને જૂથે એક બીજા પર પાઇપ, તલવાર, છરી, ધોકાથી હુમલા કરતાં બંને પક્ષના છ લોકોને ઇજા થતાં સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પોલીસ સામ-સામા ગુના નોંધી રાત્રે જ બંને પક્ષના સાતેક શખ્સોને રાઉન્ડઅપ કરી લીધા હતાં. તેમજ વિસ્તારમાં બંદોબસ્ત ગોઠવી દીધો હતો. આહિર યુવાન તેના મિત્ર મુસ્લિમ યુવાન સાથે ઉભો હતો અને કૂતરાને બિસ્કીટ ખવડાવી રહ્યો હતો ત્યારે બીજા આહિર શખ્સે આવી 'શું કૂતરા સાથે ઉભો છો?' એમ પુછતાં તેની સાથેના મુસ્લિમ યુવાનને આ શબ્દો પોતાના માટે ઉચ્ચારાયા છે તેમ લાગતાં બોલાચાલી થતાં વાત વણસી હતી અને જૂથ અથડામણ થઇ ગઇ હોવાનું બહાર આવ્યું છે.

મારામારીમાં ઘાયલ જંગલેશ્વર રાધાકૃષ્ણનગરના ઘોઘાભાઇ નાગદાનભાઇ બકુતરા (ઉ.૪૫), તેના ભાઇ ધીરૂભાઇ નાગદાનભાઇ બકુતરા (ઉ.૪૨) તથા ફઇના દિકરા સંજયભાઇ ભીખુભાઇ ચાવડા (ઉ.૨૮)ને સિવિલ હોસ્પિટલમાં અને સામા પક્ષે જંગલેશ્વર ભવાની ચોકમાં રહેતાં હબીબભાઇ અલીભાઇ ઉર્ફ કાળુભાઇ ઠેબા (ઉ.૪૦), તેના પિતા કાળુભાઇ જાનમહમદ ઠેબા (ઉ.૬૦) અને હબીબભાઇના મિત્ર દિલાવરભાઇ નુરમહમદભાઇ મકરાણીને લોટસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં.

ઘોઘાભાઇ આહિરની ફરિયાદ પરથી ૮ સામે ગુનો

ભકિતનગર પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધી છે. જંગલેશ્વર રાધાકૃષ્ણનગર-૭ ખોડિયાર મંદિર સામે રહેતાં ઘોઘાભાઇ નાગદાનભાઇ બકુતરા (ઉ.૪૫) નામના આહિર આધેડે ફરિયાદમાં જણાવ્યું છે કે હું મારા પરિવાર સાથે રહુ છું અને મજૂરી કરી ગુજરાન ચલાવું છું. શુક્રવારે રાતે સાડા અગિયારેક વાગ્યે હું મારા ઘરે હતો ત્યારે બાજુના ખોડિયાર મંદિર પાસે ઝઘડો થયો હતો. એ પછી રાત્રીના બારેક વાગ્યે હું, મારા નાના ભાઇ ધીરૂભાઇ નાગદાનભાઇ બકુતરા,મામાનો દિકરો સંજયભાઇ ભીખુભાઇચાવડા મંદિરે બેઠા હતાં ત્યાં જંગલેશ્વર અંકુર સોસાયટી મેઇન રોડ પર રહેતાં કાળુભાઇ ઠેબા, તેનો પુત્ર હબીબ ઠેબા, નાસીર ઠેબા, સોહિલ ઉર્ફ ભાણો દાઉદભાઇ, રફિક ઉર્ફ મામો તથા મોહિત શાહ અને રજાક કુરેશી તેમજ મયુર પરમાર આવ્યા હતાં.

હબીબ ઠેબા પાસે તલવાર હતી, કાળુભાઇ પાસે લોખંડનો પાઇપ હતો. આ બંને ઉશ્કેરાઇ ગયા હતાં અને બોલાચાલી કરી મને તથા મારા ભાઇ ધીરૂભાઇને ગાળો દઇ ગડદા પાટુનો માર મારવા માંડ્યા હતાં. આ વખતે હબીબે તેની પાસેની તલવાર મને પેટના ડાબા ભાગે મારી દીધી હમતી. નાસીર અને બીજા શખ્સોએ મારા ભાઇ ધીરૂભાઇને માર માર્યો હતો. ત્યારે કાળુભાઇ ઠેબાએ લોખંડનો પાઇપ સંજયભાઇને મોઢા પર મારી દીધો હતો.

ત્યારબાદ નાસીરે મારા ભાઇ ધીરૂભાઇને માથામાં તલવાર ઝીંકી દીધી હતી. ટોળુ ભેગુ થઇ જતાં હુમલાખોરો ભાગી ગયા હતાં. ૧૦૮ મારફત મને તથા ધીરૂભાઇ અને સંજયભાઇને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતાં.

હબીબભાઇની ફરિયાદ પરથી છ સામે ફરિયાદ

જ્યારે સામા પક્ષે જંગલેશ્વર અંકુર સોસાયટી મેઇન રોડ ભવાની ચોકમાં રહેતાં અને મજૂરી કરી ગુજરાન ચલાવતાં હબીબભાઇ અલીભાઇ ઉર્ફ કાળુભાઇ ઠેબા (ઉ.૪૦)ની ફરિયાદ પરથી બાબુ મેતા, પ્રકાશ ઉર્ફ પકો, રાકેશ ચાવડા, તુષાર મેતા, રવિ લાવડીયા અને વિપુલ બકુતરા સામે ગુનો નોંધયો છે.

હબીબભાઇએ ફરિયાદમાં જણાવ્યું છે કે શુક્રવારે રાત્રે સાડા અગિયારેક વાગ્યે હું મારા ઘરે હતો ત્યારે નાના ભાઇ નાશીરનો ફોન આવ્યો હતો કે જંગલેશ્વર મેઇન રોડ પર ખોડિયાર મંદિર પાસે ઝઘડો થયો છે. જેથી હું ત્યાં જતાં રાધાકૃષ્ણનગરમાં રહેતાં  બાબુભાઇ મેતા, પકો, રણજીત, તુષાર, રવિ, વિપુલ તથા ત્રણ અજાણ્યા સહિતના મારા ભાઇ નાસીર સાથે બોલાચાલી કરતાં હતાં. જેથી હું સમજાવવા જતાં રણજીતે ગાળો દીધી હતી અને બાજુના પાનના ગલ્લામાંથી તલવાર લાવી મને માથામાં મારી દીધી હતી.

બીજા શખ્સોએ મારા ભાઇ નાસીરને ગડદા પાટા માર્યા હતાં. મારા પિતા અલીભાઇ  ઉર્ફ કાળુભાઇ આવતાં તુષાર અને વિપુલે તેને પાઇપ-છરીથી ઘાયલ કર્યા હતાં. જેથી તેમને ડાબા હાથમાં અને જમણા હાથમાં ઇજા થઇ હતી. આ વખતે લત્તામાંથી દિલાવરભાઇ નુરમહમદ મકરાણી આવતાં રણજીતે તેના પર તલવાર વડે હુમલો કર્યો હતો. જેથી તેને માથા અને હાથની કોળીએ તલવારથી ઇજા થઇ હતી. હુમલામાં મને તથા મારા પિતા અને દિલાવરભાઇને ગંભીર ઇજા થતાં લોટસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.  હુમલામાં મને માથામાં તથા ડાબા હાથની અંગળીમાં ઇજા થઇ છે. મારા પિતા કાળુભાઇને ડાબા કાંડામાં ફ્રેકચર થયું છે. દિલાવરભાઇને માથા અને કોણીમાં ઇજા થઇ હતી.

પ્રાથમિક તપાસમાં બહાર આવ્યા મુજબ હબીબભાઇનો ભાઇ નાસીર કૂતરાને રોટલી-બિસ્કીટ ખવડાવાવ ઉભો હતો. તે વખતે સાથે તેનો મિત્ર કાનભાઇ આહિર પણ ઉભો હતો. ત્યારે પ્રકાશ ઉર્ફ પકાએ કાનભાઇને 'શું કૂતરા સાથે ઉભા છો?' તેમ બોલતાં નાસીરને એમ થયું હતું કે પકાએ પોતાને કૂતરો કહ્યો છે. આ બાબતે નાસીર અને પકા વચ્ચે ચડભડ થયા બાદ વાત વણસી હતી અને બંને જૂથ સામ-સામે આવી ગયા હતાં. હેડકોન્સ. આર. વી. ગઢાદરાએ રાયોટ સહિતની કલમો હેઠળ બંને પક્ષની ફરિયાદો નોંધી હતી.

રાત્રીના માથાકુટને પગલે બે જૂથ સામ-સામે આવી ગયાના મેસેજ વહેતા થતાં ડીસીપી ઝોન-૧ રવિકુમાર સૈનીની રાહબરીમાં એસીપી એચ. એલ. રાઠોડ, ભકિતનગરના ઇન્ચાર્જ પી.આઇ. બી. ટી. વાઢીયા, પીએસઆઇ પી. બી. જેબલીયા,  હેડકોન્સ. વિક્રમભાઇ ગમારા, હિરેનભાઇ પરમાર, રણજીતસિંહ પઢારીયા, મહેન્દ્રસિંહ ડોડીયા, પ્રતાપસિંહ રાણા, કોન્સ. ભાવેશભાઇ મકવાણા, દેવાભાઇ ધરજીયા, મનિષભાઇ સિરોડીયા, દિવ્યરાજસિંહ ઝાલા, વાલજીભાઇ જાડા તેમજ થોરાળા-આજીડેમ પોલીસ મથકના અધિકારીઓ, કર્મચારીઓ અને ડી. સ્ટાફની ટીમો દોડાવાઇ હતી.

ડીસીપી રવિકુમાર સૈની અને એસીપી એચ.એલ. રાઠોડે જણાવ્યું હતું કે રાત્રે ગેરસમજને કારણે વાત વણસી હતી. પોલીસે તાકીદે પહોંચીને બંદોબસ્ત ગોઠવી દઇ પરિસ્થિતિ થાળે પાડી દીધી હતી. અલગ-અલગ ટીમો બનાવી બાબુભાઇ મેતા, પ્રકાશ ઉર્ફ પકો આહિર, રણજીત ચાવડા, રવિ લાવડીયાને રાઉન્ડઅપ કર્યા છે. ઘોઘાભાઇ બકુતરા (સારવારમાં છે) તથા સામે પક્ષે સોહિલ ઉર્ફ ભાણો દાઉદભાઇ, રફિક ઉર્ફ માભો, મયુર પરમાર રાઉન્ડ અપ થયા છે. હબીબભાઇ ઠેબા સારવારમાં છે. અન્યોની શોધખોળ થઇ રહી છે. (૧૪.૭)

(4:01 pm IST)