Gujarati News

Gujarati News

News of Friday, 13th July 2018

બરસો રે મેઘા બરસો રે... મીઠા હૈ કૌસા હૈ, બારીસ કા બોસા હૈ

રાજકોટમાં હેત વરસાવતા મેઘરાજા : ૨ ઈંચ

સવારથી ધીમીધારે એકધારો ચાલુ : ખુશનુમા માહોલ વચ્ચે વાતાવરણમાં ઠંડક પ્રસરી : હજુ પણ ગોરંભાયેલુ વાતાવરણ

રાજકોટ, તા.૧૩ : અંતે રાજકોટ શહેરમાં પણ મેઘકૃપા વરસી છે. છેલ્લા દિવસથી છવાયેલા જબ્બર વાતાવરણ વચ્ચે ઝાપટા વસરતા હતા. દરમિયાન આજે સવારથી ઘનઘોર વાદળો વચ્ચે ધીમીધારે સતત વરસાદ ચાલુ છે.

આ લખાય છે ત્યારે બપોરે અઢી વાગ્યે શહેરમાં દોઢ ઈંચ વરસાદ (સત્તાવાર આંકડા) નોંધાયો છે. જો આવુંને આવું જ વાતાવરણ રહ્યુ તો સાંજ સુધીમાં બે ઈંચથી વધુ વરસી જશે.

શહેરમાં સવારથી વરસાદી માહોલના પગલે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી ગઈ છે. રૈયા રોડ, કાલાવડ રોડ, મવડી, યાજ્ઞિક રોડ, ૧૫૦ ફૂટ રીંગ રોડ સહિતના માર્ગો ઉપર પાણી ફરી વળ્યા છે. નીચાણવાળા વિસ્તારોમાં ધીમે - ધીમે પાણી ભરાવવાનું શરૂ થઈ ગયુ છે.

દરમિયાન છેલ્લા બે દિવસથી શહેરમાં વાદળો સતત છવાયેલા રહ્યા હતા. ઝાપટાઓ વરસતા હતા. ત્યારે આજે સવારથી ધીમીધારે ચાલુ થઈ ગયો હતો. બપોરના સમયે શાળાએ છૂટેલા વિદ્યાર્થીઓને વરસાદમાં ભીંજાવવાની મજા પડી ગઈ હતી.

આ લખાય છે ત્યારે મધ્ય ઝોન ૩૨ મી.મી., ઈસ્ટ ઝોન ૩૨ મી.મી. અને વેસ્ટ ઝોનમાં ૩૦ મી.મી. વરસાદ નોંધાયો છે.

(3:33 pm IST)