Gujarati News

Gujarati News

News of Friday, 13th July 2018

શાપર-વેરાવળમાં ૧૫૦ તો ગોંડલના દાળીયા ગામેથી ૧૦૦ લોકોનું સ્થળાંતરઃ ફુડ પેકેટ અપાયા

કલેકટરે તાકિદે કાર્યવાહી કરવા અને સતત એલર્ટ રહેવા આદેશો કર્યા

રાજકોટ, તા. ૧૩ :. શાપર-વેરાવળમાં ગઈકાલે સાંજે ૩ કલાકમાં અનરાધાર ૬ થી ૭ ઈંચ વરસાદ ખાબકતા ચારેબાજુ પાણી.. પાણી... થઈ પડયુ હતું. શાપર-વેરાવળમાં રસ્તાની બન્ને બાજુએ સંખ્યાબંધ ઝૂપડાઓ આવેલા છે. બેફામ વરસાદ અને પાણીથી આ ઝૂપડાઓ તણાતા ૧૫૦થી વધુ લોકો બેઘર બની ગયા હતા. કલેકટર તંત્રને જાણ થતા જ કોટડાસાંગાણી મામલતદાર અને રાહત ટીમો મોકલાઈ હતી અને ૧૫૦ લોકોને ઉચ્ચ સ્થળે ખસેડી ફુડ પેકેટ સહિતની સુવિધાઓ પુરી પડાઈ હતી.

આ ઉપરાંત ગોંડલના દાળીયા ગામે અને આસપાસ પડેલા ભારે વરસાદને કારણે ગામના અમુક વિસ્તારમાં પાણી ભરાતા આ ક્ષેત્રમાંથી ૧૦૦થી વધુ લોકોનું સ્થળાંતર કરવુ પડયું હતું.

દરમિયાન કલેકટરશ્રી રાહુલ ગુપ્તાએ દરેક મામલતદાર, ડે. કલેકટરોને ટીમો સ્ટેન્ડ ટુ રાખવા, હેડ કવાર્ટર નહી છોડવા અને સ્થળાંતર - ફુડ પેકેટની જરૂર હોય ત્યાં તૂર્ત કાર્યવાહી કરવા - એલર્ટ રહેવા આદેશો કર્યા છે.(૨-૬)

(10:11 am IST)