Gujarati News

Gujarati News

News of Wednesday, 12th June 2019

રાજકોટમાં રવિવારે પદ્મશ્રી પત્રકાર- લેખક નગીનદાસ સંઘવીનું ''શતાયુ'' સન્માનઃ મોરારીબાપુની પ્રેરક ઉપસ્થિતિ

કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલા અને અજય ઉમટ વકતવ્ય આપશેઃ નગીનદાસ સંઘવીના બે પુસ્તકોનું વિમોચન, બંને નજીવા દરે અપાશેઃ ૧૦૦માં વર્ષમાં પ્રવેશઃ સંપૂર્ણ સક્રિય- સ્વસ્થઃ ૧૧ લાખની થેલી અર્પણ થશે

રાજકોટઃ જાણીતા પત્રકાર લેખક વકતા નગીનદાસ સંઘવીએ ૧૦૦માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. કોઈ પત્રકાર ૧૦૦માં વર્ષમાં પ્રવેશે અને એકદમ સક્રિય હોય એવો આ કદાચ પહેલો દાખલો છે. અનેક અખબારો અને સામયિકમાં એમની કલમ વર્ષોથી ચાલતી રહી છે અને આજે ૧૦૦માં વર્ષેએ એકદમ સ્વસ્થ છે અને તડ ને ફડ કરી સોંસરી ઉતરે એવી વાત લખે છે. એમના આ પ્રદાનને વધાવવા માટે રાજકોટમાં રવિવારે તા.૧૬ જુનના સાંજે ૬: ૩૦ વાગ્યે હેમુ ગઢવી હોલ ખાતે શતાયુ સન્માન સમારોહનું આયોજન કરાયું છે. આ પ્રસંગે શ્રી મોરારીબાપુની પ્રેરક ઉપસ્થિતિ છે. અતિથિ વિશેષ પદે કેન્દ્રીય મંત્રી શ્રી પુરૂષોત્તમ રૂપાલા ઉપસ્થિત રહેશે અને નવગુજરાત સમયનાં તંત્રી શ્રી અજય ઉમટ નગીનદાસ સંઘવીના પ્રદાન વિષે વાત કરશે.

નગીનદાસ સંઘવી મૂળ તો ભાવનગર જીલ્લાના છે. પણ એમણે બાદમાં મુંબઈ જઈ  વિવિધ ક્ષેત્રમાં નોકરી કરી અને પછી અધ્યાપક બન્યા. ૪૦ વર્ષ સુધી એમણે વિદ્યાર્થીઓને ઈતિહાસ અને રાજકીય શાસ્ત્ર શીખવ્યા. તેઓ વિદ્યાર્થીમાં બહુપ્રિય અધ્યાપક હતા. એમ તો એમણે થોડા સમય માટે રાજકારણનો પણ અનુભવ કર્યો. પણ એમનું મન ઠર્યું આખરે પત્રકારત્વમાં. મુંબઈમાં એમણે અનેક અખબારોમાં લખવાનું શરૂ કર્યું અને એ સિલસિલો આજે ય ચાલે છે. અનેક ગુજરાતી અખબારો અને સામયિકોમાંએ સતત લખતા રહ્યા છે. એમની રાજકીય કટાર બહુ લોકપ્રિય છે. એમની કલમ ધારદાર રહી છે અને એ કોઈની સાડીબાર રાખ્યા વિના લખે છે. એમણે વિવિધ વિષયો પર પુસ્તકો પણ લખ્યા છે. ૨૦થી વધુ પુસ્તકો એમના નામે છે. એમાનું એક પુસ્તક નરેન્દ્રભાઈ મોદી પર છે જે, અંગ્રેજી અને ગુજરાતી બંનેમાં પ્રકાશિત થયું છે. તેઓ રાજકારણ જ નહિ પણ ઈતિહાસ, ધર્મ, અધ્યાત્મ, અર્થકારણ એમ દરેક વિષય પર અધિકારપૂર્વક બોલી અને લખી શકે છે. મોરારીબાપુ એમને બહુ માને છે અને એ કહે છે, બાપા એટલે બાપા, એટલે બાપા....

એમના સન્માન માટે એક સમિતિ બનવાઈ છે. જેમાં રાજકોટના મેયર શ્રીમતી બીનાબેન આચાર્ય, જન્મભૂમિ જૂથના મેનેજિંગ એડિટર શ્રી કુંદનભાઈ વ્યાસ, ચિત્રલેખા જૂથના ચેરમેન શ્રી મૌલિકભાઈ કોટક અને જાણીતા ઉદ્યમી શ્રી જયંતીભાઈ ચાંદ્રાનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમનું એક વિશિષ્ટ પાસું છે બે પુસ્તકોનું વિમોચન. નગીનદાસ સંઘવીના અખબારો અને સામયિકમાં પ્રકાશિત લેખોમાંથી પસંદગી કરી બે મોટા વોલ્યુમ બનાવાયા છે. બંને વોલ્યુમ મળી કુલ પાના ૮૫૦થી વધુ છે અને એની બજાર કિંમત રૂ.૭૯૦ થવા જાય છે પણ સન્માનનાં દિવસેએ માત્ર રૂ.૧૦૦માં આપવામાં આવશે. આ લાભ લેવા જેવો છે.

કાર્યક્રમનું સંકલન ફૂલછાબના તંત્રીશ્રી કૌશિક મહેતા અને ચિત્રલેખાના તંત્રીશ્રી ભરત ઘેલાણીએ કર્યું છે. આમંત્રણ કાર્ડ માટે મો.૯૪૨૭૨ ૧૪૨૦૩ પર સંપર્ક થઈ શકશે અને ફુલછાબ દૈનિક કાર્યાલય પરથી પણ મળશે. તેમ એક યાદીમાં જણાવ્યું છે.

(3:43 pm IST)
  • વાયુ વાવાઝોડું અપડેટ : પોરબંદરની બાજુમાં આવેલ કૂચડી ગામ પાસે દરિયાના પાળામાં, સાંજે ગાબડું પડતા દરિયાના મબલખ પાણી ખેતરોમાં ફરી વળ્યા છે access_time 10:30 pm IST

  • પોરબંદર જીલ્લામાં સરેરાશ દોઢ ઇંચ વરસાદ : પોરબંદર જીલ્લામાં ર૪ કલાકમાં સરેરાશ દોઢ ઇંચ વરસાદ વરસી ગયો હતો. પોરબંદરમાં ૧૩ મીમી રાણાવાવમાં ૧૯ મીમી. તથા કુતિયાણામાં ૪ મીમી. વરસાદ નોંધાયો છે. access_time 8:56 pm IST

  • સૌરાષ્ટ્રના ૬૦ તાલુકામાં વરસાદઃ ૪૮ કલાકમાં ૧૦ ઇંચ સુધીનો ભારે વરસાદ પડવા તાકીદ : ૧૩૫ થી ૧૪૦ કી.મી. ઝડપે પવન ફુંકાશેઃ લોકો ગભરાય નહિઃ સુરક્ષીત સ્થળે જ રહેવા અપીલઃ ૨૩૭૯ ગામડાઓને અસરઃ તંત્ર ખડેપગે access_time 11:37 am IST