Gujarati News

Gujarati News

News of Friday, 13th May 2022

‘હમ નહીં સુધરેંગે': એક જ વિસ્‍તારમાં બે બોગસ તબીબ નરેન્‍દ્ર અને મનોજ ત્રીજી વખત પકડાયા

પેરોલ ફરલો સ્‍કવોડે ભારતનગરમાંથી દબોચ્‍યાઃ નરેન્‍દ્ર ‘સદગુરૂ કલીનીક' અને મનોજ ‘સાંઇ કલીનીક' ચલાવતો'તો

રાજકોટ તા. ૧૩: શહેરના ભાવનગર રોડ પર ભારતનગર વિસ્‍તારમાંથી પેરોલ ફરલો સ્‍કવોર્ડની ટીમે દરોડો પાડી બે બોગસ ડોકટરને પકડી લીધા હતા. બંને અગાઉ બે વખત પકડાઇ ચૂકયા છે.
મળતી વિગત મુજબ પેરોલ ફરલો સ્‍કવોડના હેડ કોન્‍સ. જયદીપસિંહ જાડેજા તથા કોન્‍સ. સીરાજભાઇ ચાનીયાને મળેલી બાતમીના આધારે ભારતનગર મફતીયાપરામાં ધમધમતી સદગુરૂ કલીનીકમાં દરોડો પાડી ત્‍યાંથી નરેન્‍દ્ર ભાનુભાઇ જોટંગીયા (ઉ.વ.૪૬) (રહે. ભવનાથ સોસાયટી શેરી નં.૧૧ હરીધવા મેઇન રોડ) અને ભારતનગર મેઇન રોડ પર સાંઇ કલીનીકમાં દરોડો પાડી ત્‍યાંથી મનોજ ધીરજનાથ ઠાકુર (ઉ.વ. ૪પ) (રહે. ભારતનગર મફતીયાપરા) ને પકડી લીધા હતા. નરેન્‍દ્રએ ટીવાયબીએ સુધીનો અભ્‍યાસ કર્યો છે જયારે મનોજ મૂળ બીહારનો વતની છે તેણે ટીવાય-બીએસસી સુધીનો અભ્‍યાસ કર્યો છે. બંને અંદાજે બે વર્ષ પહેલા પણ ડોકટર તરીકે પ્રેકટીસ કરતા ઝડપાયા હતા. તે વખતે પેરોલ ફરલો સ્‍કવોડે તથા બીજી થોરાળા પોલીસે અને ત્રીજી વખત ફરી પેરોલ ફરલો સ્‍કવોડે બંનેને બીજા વિસ્‍તારમાં પ્રેકટીસ કરતા ઝડપી લીધા હતા બંનેના કલીનીકમાંથી પોલીસે સ્‍ટેથોસ્‍કોપ, બીપી માપવાનું મશીન, ગ્‍લુકોઝના બાટલા, જુદી જુદી એલોપેથીક દવાઓ, સીરીઝ વગેરે મળી ર૦ હજારનો સામાન કબજે કર્યો હતો. આ અંગે થોરાળા પોલીસ મથકના પીએસઆઇ જી. એસ. ગઢવીએ તપાસ હાથ ધરી છે.

 

(4:21 pm IST)