Gujarati News

Gujarati News

News of Friday, 13th May 2022

ધૂળધોયા નિલેશ ઉર્ફે શૈલેષના ઘરની જપ્‍તીમાં ૧૯.૫૩ લાખ રોકડની શંકાસ્‍પદ ચાંદી અને રોકડ મળી

રૈયાધાર રંભામાની વાડી મફતીયાપરામાં દરોડોઃ નિલેશને ડીસીપી ઝોન-ર ની એલ.સીબી. ટીમે પકડી પૂછપરછ હાથ ધરી

રાજકોટ તા.૧૩: થોરાળા મયુરનગરમાં આવેલા સોના-ચાંદીના ઘરેણા બનાવવાના કારખાનામાં પાંચેક દિવસ પહેલા થયેલી ૪.પપ લાખની ચોરીમાં થોરાળા પોલીસ તથા ક્રાઇમ બ્રાંચે અગાઉ ર૩ ધૂળધોયાની ધરપકડ કરી હતી. આ અંતર્ગત બાતમીના આધારે ડીસીપી ઝોન-રની એલસીબીની ટીમે રૈયાધાર મફતીયાપરામાં મકાનની જડતી કરતા તેમાંથી ૧૯.૫૩ લાખની શંકાસ્‍પદ ચાંદી અને રોકડ મળી આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
મળતી વિગત મુજબ થોરાળાના મયુરનગરમાં ક્રિષ્‍ના સિલ્‍વર નામના કારખાનામાં ગત તા.૮ ની રાત્રે તસ્‍કરોએ ત્રાટકી કારખાનાની દીવાલમાં બાકોરૂ પાડી સોના-ચાંદીના દાગીના બનાવવા માટેની ડાય તથા ચાંદીના બારણના ૩૦ બાચકા મળી રૂા.૪.૫૫ લાખના માલસામાનની ચોરી થઇ હતી. આ બનાવમા ક્રાંઇમ બ્રાંચ અને થોરાળા પોલીસે ૨૩ ધૂળધોયાઓની ધરપકડ કરી હતી. આ અંતર્ગત ગઇકાલે રૈયાધાર રંભામાની વાડી પાસે મફતીયા પરામાં એક ધૂળધોયાના મકાનમાં ચાંદીનો શંકાસ્‍પદ સામાન પડયો હોવાની ડીસીપી ઝોન-રની એલસીબી ટીમના હેડ કોન્‍સ. હરપાલસિંહ જાડેજા, મોૈલીકભાઇ સાવલીયા, વિરેન્‍દ્રસિંહ ઝાલા અને કોન્‍સ. અમીનભાઇ રૈયાધાર મફતીયાપરામાં રહેતા નિલેશ ઉર્ફે શૈલેષ કાંતીભાઇ નારોલાના મકાનમાં ચાંદીનો જથ્‍થો પડયો હોવાની બાતમી  મળતા એલસીબીની ટીમે દરોડો પાડી તેના મકાનની જડતી કરતા રૂમમાં સ્‍ટીલના ડબામાંથી શંકાસ્‍પદ રૂા.૧,૩૨,૫૩૦ ની કિંમતની ઓગળેલી ચાંદી, ચાંદીનો કંદોરો અને ચાંદીનું કાટોડ઼ુ તેમજ રૂા.૧૮ લાખ રોકડા મળી આવતા પોલીસે નીલેશ ઉર્ફે શૈલેષ કાંતીભાઇ નારોલા (ઉ.વ.૩૮)ને પકડી લઇ રોકડ અને ચાંદીના  જથ્‍થા બાબતે પૂછપરછ શરૂ કરી હતી. પૂછપરછમાં નીલેશ ઉર્ફે શૈલેષ ગોળગોળ વાતો કરતો હોઇ, પોલીસે તેના પરિવારજનોની પણ પૂછપરછ કરી હતી. પરંતુ ચાંદી અને રોકડ ક્‍યાંથી લાવ્‍યો તે હજુ સુધી સ્‍પષ્‍ટ ન થતા તેની અટકાયત કરી યુનિવર્સિટી  પોલીસને સોંપવામાં આવ્‍યો હતો. આ કામગીરી પી.એસ.આઇ. એ.એલ. બારસીયા, હેડકોન્‍સ. વિરેન્‍દ્રસિંહ  ઝાલા, મોૈલિકભાઇ, હરપાલસિંહ, અમીનભાઇ, મનીષભાઇ તથા જયપાલસિંહ દ્વારા કરવામાં આવી હતી. (૧.૧૦)

 

(4:15 pm IST)