Gujarati News

Gujarati News

News of Friday, 13th May 2022

કપાસ ૨૭૧૦ રૂા.ની ઐતિહાસિક સપાટીએ

જરૂરીયાતમંદ ખેડુતોએ કપાસનો જથ્‍થો વેચી નાખ્‍યા બાદ ભાવમાં જબ્‍બરો ઉછાળો થતા નાના ખેડુતો નિરાશ, શ્રીમંત ખેડુતોને બખ્‍ખા

રાજકોટ, તા., ૧૩: સફેદ સોનુ ગણાતા  કપાસમાં  એકધારી તેજીના પગલે રોજ-બરોજ નવી સપાટી જોવા મળી રહી છે. આજે રાજકોટ યાર્ડમાં  કપાસ એક મણના ભાવ ર૭૧૦ રૂપીયાની નવી ઐતિહાસિક સપાટી બનાવી હતી. 

રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે ૧૪૦૦ કવીન્‍ટલ કપાસની આવક હતી અને કપાસ એક મણના ભાવ ર૦૪૦ થી ર૭૧૦ રૂપીયાના ઐતિહાસિક ભાવે સોદા પડયા હતા.

બેસ્‍ટ કવોલીટીનો કપાસ ર૭૧૦ રૂપીયાની સર્વોચ્‍ચ સપાટીએ આજે વેચાયો હતો. ગઇકાલે કપાસ એક મણના ભાવ ૨૬૮૪ રૂપીયા હતા તેમાં ૨૬ રૂપીયાના ઉછાળા સાથે ભાવ ર૭૧૦ રૂપીયાની  નવી ઐતિહાસિક સપાટીએ ભાવ પહોંચ્‍યા હતા.

ચાલુ વર્ષે કપાસનું નિર્ધારીત ઉત્‍પાદન ઓછુ થતા અને ગ્‍લોબલ વોર્મીગ તેમજ  માવઠા સહીતના  કારણોેથી કપાસના પાકને નુકશાન થતા  કપાસની આવકો ઘટતા ચાલુ વર્ષે કપાસના ભાવ આસમાને પહોંચ્‍યા છે. જો કે સીઝનની શરૂઆતમાં સૌરાષ્‍ટ્રના મોટાભાગના જરૂરીયાતમંદ  ખેડુતોએ કપાસનો જથ્‍થો વેચી નાખ્‍યો હતો.  ત્‍યાર બાદ છેલ્લા બે મહિનાથી કપાસમાં એકધારી તેજીનો દોર ચાલુ રહેતા નાના અને મધ્‍યમ વર્ગના ખેડુતોને કપાસના ભાવવધારાનો લાભ મળ્‍યો નથી. બીજી બાજુ કપાસના ભાવો આસમાને પહોંચતા શ્રીમંત ખેડુતોએ કપાસનો જથ્‍થો રાખી મુકતા તેને બખ્‍ખા થઇ ગયા છે.કપાસના ભાવો આસમાને પહોંચતા કપાસ આધારીત ખોળથી માંડીને કપડા સહીતના ઉત્‍પાદનો મોંઘા થયા છે. સ્‍પીનરોએ પણ રૂ અને કપાસની ખરીદીમાં કાપ મુકી દીધો છે.  આગામી દિવસોમાં કપાસના ભાવમાં હજુ પણ નવી સપાટી જોવા મળે તો નવાઇ નહિ તેમ વેપારી સુત્રોએ જણાવ્‍યું હતું.

(4:09 pm IST)