Gujarati News

Gujarati News

News of Friday, 13th May 2022

કાલે મુખ્‍યમંત્રી કલેકટર કચેરીમાં જિલ્લાના તમામ અધિકારીઓની લેફટ - રાઇટ લેશે : બપોરે ૩ાા વાગ્‍યાથી તમામ મુદ્દા અંગે મીટીંગ

હિરાસર એરપોર્ટ - એઇમ્‍સ - નવુ કોર્ટ ભવન - ઝનાના હોસ્‍પિટલ સહિતના પ્રોજેકટોની સમીક્ષા : કલેકટર, ડીડીઓ, સીપી, ડીસીપી, એડી.કલેકટર - પ્રાંત, મામલતદારો, રૂડા, પાણી પુરવઠા, માર્ગ-મકાન, જીઇબી સહિત તમામને તેડા

રાજકોટ તા. ૧૨ : આવતીકાલે શુક્રવારે મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ બીજીવાર શહેરની મુલાકાતે આવનાર છે. તેઓ પારેવાડા ગામ ખાતે વાદીઓના મકાનના લોકાર્પણ કાર્યક્રમ બાદ સીધા રાજકોટ આવનાર છે. ત્‍યાંથી તેઓ સીધા કોર્પોરેશન ઓફિસે પહોંચી મીટીંગ કરનાર છે. આ મીટીંગ લગભગ સવા કલાક ચાલશે. જ્‍યાં તેઓ મહાનગરપાલિકાના અધિકારીઓ - પદાધિકારીઓ પાસેથી વિવિધ પ્રોજેકટ અંગે માહિતી મેળવશે.
ભૂપેન્‍દ્રભાઇ બપોરે ૧ કલાકે સર્કિટ હાઉસ ખાતે ભોજન લીધા બાદ ભાજપના સ્‍થાનીક આગેવાનો સાથે લગભગ ૧ કલાક વિવિધ મુદ્દે ચર્ચા કરશે. જેમાં આગામી વિધાનસભાની ચૂંટણીઓને ધ્‍યાને રાખી કાર્યક્રમો અને સરકારની યોજનાઓ લોકો સુધી પહોંચાડવા અંગે માર્ગદર્શન આપશે.
ત્‍યારબાદ તેઓ બપોરે ૩.૩૦ કલાકે કલેકટર ઓફિસ ખાતે મીટીંગ કરશે. ગયા વર્ષે મુખ્‍યમંત્રી બન્‍યા બાદ જામનગર જળ હોનારત થતા તેઓ તુરંત રાજકોટ પ્રથમ વખત આવ્‍યા હતા, ત્‍યાર બાદ આ બીજી વખત તેઓ કલેકટર કચેરીમાં આવનાર છે અને મીટીંગો દ્વારા વિકાસ અંગેની માહિતી મેળવશે.
કલેકટર કચેરી ખાતે ભૂપેન્‍દ્રભાઇની અધ્‍યક્ષતામાં યોજાનાર બેઠકમાં કલેકટર ઉપરાંત એડી. કલેકટર, પોલીસ કમિશનર, મ્‍યુ. કમિશનર, ડીસીપી, ડીડીઓ, રૂડા, પાણી-પુરવઠા, માર્ગ-મકાન, પીજીવીસીએલ સહિતના વિભાગના અધિકારીઓ, મામલતદારો, પ્રાંત અધિકારીઓ વગેરેની જમ્‍બો મીટીંગ યોજાશે. તમામની અનેક મુદ્દા અંગે લેફટ રાઇટ લેવાશે, આ મીટીંગમાં તમામ સાંસદો - ધારાસભ્‍યો અન્‍ય પદાધિકારીઓને પણ બોલાવાયા છે.
મિટીંગમાં શહેરના વિકાસમાં હાલ ચાલી રહેલ વિવિધ પ્રોજેકટ જેવા કે હિરાસર એરપોર્ટ, એઇમ્‍સ, નવું કોર્ટ બિલ્‍ડીંગ, ઝનાના હોસ્‍પિટલ, કલેકટર ઓફિસ સામેની નવી હોસ્‍પિટલ, ફલાય ઓવર વગેરે અંગે ભૂપેન્‍દ્રભાઇને સંપૂર્ણ બ્રીફીંગ આપવામાં આવશે.
ભૂપેન્‍દ્રભાઇ સાંજે ૫ વાગ્‍યે એક ખાનગી કાર્યક્રમમાં ઉદ્‌ઘાટન પ્રસંગે સામેલ થશે. સાંજે ૬.૩૦ વાગ્‍યે તેઓ રાજકોટ એરપોર્ટથી અમદાવાદ ખાતે જવા રવાના થશે.

 

 

(3:14 pm IST)