Gujarati News

Gujarati News

News of Thursday, 13th May 2021

સિવિલ સહિતની હોસ્પિટલોમાં મ્યુકોર માઇકોસીસના અલગ વોર્ડમાં ''AMPHO TERICIN B'' ઇન્જેકશનની પ્રાપ્યતા અતિ આવશ્યક

કોરોના પછી નાક અને સાયનસની ઝેરી ફુગને કારણે અને ઉપરથી ઇન્જેકશનની અછતને કારણે લોકો ભયંકર ટેન્શનમાં : અનેક દર્દીઓની જીંદગી દાવ ઉપર લાગી ગઇ ? : પુરતા પ્રમાણમાં ઇન્જેકશન્સ ન મળેતો શું દર્દીને મરવા દેવાના ? ઓપરેશન ફેઇલ જઇ જાય ? લાખો રૂપિયાના ખર્ચનું શું ? મહામુલી માનવ જીંદગીનું કઇ મહત્વ જ નહીં ? વિગેરે અનેક પ્રશ્નો મો ફાડીને ઉભા છેઃ ત્વરીત પગલા જરૂરી : રાજકોટમાં રોજના ૧ર૦૦ થી ૧૩૦૦ ઇન્જેકશન્સની જરૂરીયાતની સામે ૩૦૦ થી ૪૦૦ ઇન્જેકશન્સ જ આવે છે ?!

રાજકોટ તા. ૧૩ :.. ગુજરાત સહિત સમગ્ર ભારતમાં કોરોનાએ હાહાકાર મચાવી દીધો છે. લાખો લોકો સંક્રમિત થયા છે અને હજજારો લોકો કોરોનાને કારણો મૃત્યુ પામ્યા છે. કોરોનાની બીજી લહેરના ભયમાંથી લોકો ધીમે ધીમે બહાર આવી રહ્યા છે ત્યાં કોરોના પછી નાક અને સાયનસની ઝેરી ફુગ (ફંગસ)ને કારણે થતા મ્યુકોરમાઇકોસીસ નામના ભયંકર રોગે સરકાર તથા લોકોની ઊંઘ ઉડાડી દીધી છે. મનુષ્યના નાક અને શ્વાસનાળીમાં પ્રવેશતી અને રહેતી ફુગના સૂક્ષ્મકણો અચાનક જ માંસપેશીઓમાં આક્રમતાથી પ્રવેશ કરે છે અને બાદમાં નાક, નાકની આજુબાજુના હાડકાઓ, માંસપેશીઓ, જડબા, તાળવાના સ્નાયુથી લઇને આંખ અને મગજ સુધી નકારાત્મક અસર કરે છે. આવા દર્દીઓની હાલત ઘણી વખત અતિ ગંભીર થઇ જાય છે. મ્યુકોરમાઇકોસીસની સારવાર પણ ખૂબ ખર્ચાળ થતી હોય છે. પ્રાઇવેટ હોસ્પિટલોમાં લાખોના બીલ થતા હોય છે. ઘણાં કિસ્સામાં ઓપરેશન કરવું પડે છે અને આ રોગને નાથવા માટે 'AMPHOTERICIN' સાદા કે 'B' વાળા ઇન્જેકશન્સ પણ આપવા પડે છે. ૩૦ થી લઇને ર૦૦ જેટલા ઇન્જેકશન્સનો કોર્ષ કરવો પડે છે. એક ઇન્જેકશનની કિંમત કંપની અને કન્ટેઇન્સ મુજબ ૯૦૦ રૂપિયાથી માંડીને ૭૦૦૦ રૂપિયા સુધીની સાંભળવા મળે છે.

રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં તાજેતરમાં મ્યુકોરમાઇકોસીસના કેસમાં ઓચિંતો અને ભયંકર ઉછાળો આવતા સરકાર દ્વારા સિવિલ હોસ્પિટલો ખાતે ૩૦ થી માંડીને ર૦૦ બેડનો 'મ્યુકોરમાઇકોસીસ' નો અલગ વોર્ડ ઉભો કરાયો છે.

પરંતુ સવાલ એ થાય છે કે મ્યુકોરમાઇકોસીસ માટેના 'એમ્ફોટેરીસીન બી' ઇન્જેકશન પુરતા પ્રમાણમાં મળી શકશે કે નહીં ? કારણ કે જે દર્દીને ઇન્જેકશનના ડોઝ ચાલી રહ્યા છે (રોજના ૩ થી ર૧ સુધી)  તેને વચ્ચેથી એકપણ ડોઝ બ્રેક થવો ન જોઇએ અને ડોકટર્સની સલાહ પ્રમાણે સતત ડોઝ મળવા જ જોઇએ.

આ માટે 'એમ્ફોટેરીસીન-બી' ઇન્જેકશનસ બનાવતી કંપનીઓ જેવી કે સિપ્લા, ભારત સીરમ, બીડીઆર, સેલોકોન, યુનાઇટેડ બાયોટેક વિગેરેની પ્રોડકશન કેપેસિટી વધારવામાં આવે અને રેમડેસિવીરની માફક  સરકાર જ પોતાના હાથમાં થોડો સમય 'એમ્ફોટેરીસીન-બી' ઇન્જેકશનનો કંટ્રોલ લઇ લે તો ઝડપથી પરિસ્થિતિ થાળે પડી જાય તેમ તબીબી સૂત્રો જણાવી રહ્યા છે.

રાજકોટ દવા બજારના આધારભૂત સૂત્રો દ્વારા એવું પણ જાણવા મળે છે કે સિવિલ હોસ્પિટલ સિવાય રાજકોટ ખાતે પ થી ૬ પ્રાઇવેટ હોસ્પિટલો પણ મ્યુકોરમાઇકોસીસના ઓપરેશન સહિતની  સારવાર કરી રહી છે. જેમાં દર્દીની સંખ્યા વધી જતા રોજના ૧ર૦૦ થી ૧૩૦૦ જેટલા 'એમ્ફોટેરીસીન-બી' ઇન્જેકશનની જરૂરીયાત રહે છે. જેની સામે રાજકોટના દવાના હોલસેલર્સને માંડ ૩૦૦ થી ૪૦૦ જેટલા વાયલ મળતા હોવાનું જાણવા મળે છે.

મ્યુકોરમાઇકોસીસના દર્દી સંદર્ભે સો મણનો સવાલ એ છે કે તેના ઓપરેશન વગર કે ઓપરેશન પછી જો પુરતા પ્રમાણમાં ઇન્જેકશન્સ-દવાઓ જ ઉપલબ્ધ ન હોય તો ઓપરેશન કરવાનો અર્થ શું ? દવા-ઇન્જેકશન્સ કે ઓપરેશન વગર દર્દીને મરવા દેવાના ? ઇન્જેકશન ન મળે તો દર્દી સાજો કેમ થાય ? ઓપરેશન પણ ફેઇલ થયું કહેવાય ? લાખો રૂપિયાના ખર્ચાનું શું ? વિગેરે અનેક પ્રશ્નોએ ઘણાં બધા દર્દીઓની જીંદગી દવા ઉપર લગાડી દીધી છે. જલ્દીથી મ્યુકોરમાઇકોસીસ રોગમાં ઘટાડો થાય અને તેના માટે વપરાતા ઇન્જેકશન્સ દવા બજારમાં સરળતાથી મળે તે હાલમાં અતિ આવશ્યક છે.

  • સિવિલ હોસ્પિટલોમાં એમ્ફ્રોટેરીસીન ઇન્જેકશન છૂટથી મળે છે ? તો પછી એજ ઇચ્છનીય છેઃ લોકોના લાખો રૂપિયા બચી જાય

એવું પણ જાણવા મળે છ ેકે સિવિલ હોસ્પિટલોમાં તો તંત્ર દ્વારા મ્યુકોરમાઇક્રોસીસની દવા અને ઇન્જેકશન્સની તંગી ઉભી થવાની શકયતા નહીંવત છે. કારણે 'એમ્ક્રોટેરીસીન' ઇન્જેકશન્સ બનાવતી કંપનીઓ પાસેથી ૭પ ટકા જેટલા ઇન્જેકશન્સ તો સરકાર દ્વારા જ હસ્તગત કરાતા હોવાની ચર્ચા છે. રપ  ટકા જેટલો જથ્થો જ આખા ગુજરાતમાં દવાના હોલસેલ-રીટેર્લ્સ વેપારીઓને અપાતો હોવાનું દવા બજારના સૂત્રો જણાવે છે હવે જો આ બાબતમાં પુરૂ તથ્થ હોય તો સરકારશ્રીએજ ઇન્જેકશન્સનું પ્રોડકશન વધારીને કે પછી જે કોઇ દેશમાં ઇન્જેકશન્સ મળતા હોય ત્યાંથી મંગાવીને તાળડતોબ વ્યવસ્થા કરીને મ્યુકોરમાઇક્રોસીસના દર્દીઓને રાહત આપવી જોઇએ તેવી પણ બુધ્ધિજીવીઓ અને તબીબ સૂત્રો ચર્ચા કરી રહ્યા છે. પ્રાઇવેટ હોસ્પિટલોનો લાખો રૂપિયાનો ખર્ચ પણ બચાવી શકાય.

  • 'AMPHOTERICIN' ઇન્જેકશનની વિતરણ વ્યવસ્થા સરકાર દ્વારા સેન્ટ્રલાઇઝડ થાય તે ખૂબ જરૂરી

મ્યુકોરમાઇક્રોસીસ માટેના AMPHOTERICN ઇન્જેકશનની વિતરણ વ્યવસ્થા 'રેમડેસિવીર' ઇન્જેકશનની જેમ જ સરકારી તંત્ર (કલેકટર તંત્ર) દ્વારા ગોઠવાઇ તે ખૂબ જરૂરી હોવાનું તબીબ સૂત્રોએ મેડીકલ એક્ષપર્ટસ માની રહ્યા છે. દર્દીના આધારકાર્ડ, પ્રિસ્ક્રીપ્શન અને જરૂરીયાત મુજબનો જથ્થો એક વખત સેન્ટ્રલાઇઝડ સિસ્ટમમાં એન્ટર થઇ જાય પછી તેને જરૂરીયાત મુજબ ઇન્જેકશન મળતા રહે તો સરળતા થઇ જાય તેવું ઘણા બુધ્ધિજીવીઓ માની રહ્યા છે. આને કારણે કદાચ કાળાબજાર થતા પણ અટકી જાય તેવું જોવામાં આવી રહ્યું છે.

(3:30 pm IST)