Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

૧૦ દિ' બાદ એક પણ કેસ ન આવે તો રાજકોટ કોરોનામુકિત તરફ

શાબાશ રાજકોટ... છેલ્લા ૭ દિવસમાં કોરોનાનો એક પણ કેસ નહિ : હાલ ૯ દર્દીઓ સારવાર હેઠળ : કોરોના પોઝિટિવ કુલ ૬૩માંથી ૫૩ દર્દીઓ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ

રાજકોટ તા. ૧૩ : શહેરમાં ૮ એપ્રિલે સૌ પ્રથમ કોરોના પોઝિટિવ દર્દી મળી આવ્યા બાદ એક પછી એક એમ કુલ ૬૩ કોરોના પોઝિટિવ કેસ નિકળ્યા. જો કે ત્યારબાદ છેલ્લા સાત દિવસથી એક પણ પોઝિટિવ કેસ નથી મળ્યા અને અત્યાર સુધીમાં કુલ ૫૩ દર્દીઓ સાજા થઇ ગયા છે અને આઇસોલેશનમાં રહેલા અન્ય ૯ દર્દીઓ પણ ૧૦ દિવસની અંદર હેમખેમ આ જંગ જીતી જશે તેવી આશા આરોગ્ય વિભાગની  છે. જ્યારે ૧ કોરોના પોઝિટિવ દર્દીનું મૃત્યુ થયું છે.

આ અંગે રાજકોટ મહાનગરપાલિકાની કોરોના અંગેની ખાસ વેબસાઇટ ઉપર જાહેર કરાયેલ માહિતી મુજબ શહેરમાં સૌ પ્રથમ કોરોના પોઝિટિવ કેસ જંગલેશ્વરના યુવાનનો મળ્યો હતો. ત્યારબાદ આ યુવાનના સંપર્કમાં આવેલા લોકોને કોરોના પોઝિટિવનું નિદાન થવા લાગ્યું અને ધીમે ધીમે જંગલેશ્વર તથા આસપાસની સોસાયટીઓમાં કોરોનાનો ચેપ ફેલાવા લાગ્યો અને જંગલેશ્વરને કલસ્ટર કોરન્ટાઇન કરી હોટસ્પોટ જાહેર કરાયું હતું. અહીં કર્ફયુ વિસ્તારમાં સંપૂર્ણ કિલ્લેબંધી સહિતની કામગીરી તંત્રએ કરતા શહેરના અન્ય વિસ્તારમાં ચેપ વધતો અટકયો. જંગલેશ્વરના રહેવાસીઓના સહકાર અને સંયમથી તંત્રને છેલ્લા ત્રણ મહીનામાં આ કોરોના કન્ટ્રોલમાં મહત્વની સફળતા મળી છે.કોરોના વાઇરસની મહામારી સામે ઝઝૂમી રાજકોટ શહેરના વધુ ૫ કોરોના પોઝીટીવ દર્દીઓ સાજા થતા હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ કરવામાં આવેલ છે. રાજકોટ શહેરમાં આજદિન સુધી નોંધાયેલા કુલ ૬૩ કોરોના પોઝિટિવ દર્દીઓ પૈકી સાજા થઇ જતા કુલ ૫૩ દર્દીઓને હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ આપવામાં આવેલ છે અને હાલ કુલ ૯ કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર હેઠળ છે. તેમ મ્યુ. કોર્પોરેશનની સત્તાવાર યાદીમાં જણાવ્યું છે.

આજ દિન સુધી નોંધાયેલ પોઝિટિવ કેસ પૈકી ૫૩ દર્દીઓ સાજા થઇ ગયા છે. ગઇકાલે જ એકી સાથે ૫ દર્દીઓને ઘરે જવા રવાના કર્યા હતા. જયારે આઇસોલેશનમાં રહેલા અન્ય ૯ લોકો પણ તંદુરસ્તી પાછી મેળવી રહ્યાનું જાણવા મળ્યું છે.

(3:55 pm IST)