Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

હવે વેપાર-ધંધા શરૂ ન થાય તો મહાસંકટ

૫૦ - ૫૦ દિવસથી શહેરના વેપારીઓના કામધંધા બંધ રહેતા હવે સ્‍થિતિ એક સાંધો ત્‍યાં તેર તૂટે તેવીઃ તત્‍કાલ છૂટછાટ આપવા તિવ્ર માંગણી : પહેલા નોટબંધી, પછી જીએસટી અને લોકડાઉને ધંધા ભાંગી નાખ્‍યાઃ હવે જીવન નિર્વાહ માટે ધંધા શરૂ થાય તે જરૂરીઃ સરકાર જીએસટીમાં-લોન વ્‍યાજમાં રાહત આપેઃ ઓનલાઈન કંપનીઓ ઉપર સિકંજો કસે તેવી પણ માંગ

કયા ધંધાર્થીઓ છૂટછાટ માગી રહ્યા છે

હાર્ડવેર, ઓટોમોબાઈલ્‍સ, સ્‍ટેશનરી, ઈલેક્‍ટ્રીક, કપડા, રેડીમેડ ગાર્મેન્‍ટસ, સોના-ચાંદી, ચપ્‍પલ, ફોટો સ્‍ટુડીયો, રમકડા, ફર્નિચર, ફરસાણ, વાસણ, હોમએપ્‍લાયન્‍સીસ, ચાના ધંધાર્થી, હેર કટીંગ સલુન, પાન-માવાના ધંધાર્થી, છૂટક રેકડી ચલાવતા ફેરીયાઓ વગેરે

રાજકોટ, તા. ૧૩ :. કોરોના વાયરસને કાબુમાં લેવા માટે લાદવામાં આવેલા લોકડાઉનને કારણે શહેરના વેપાર-ધંધા ૫૦ - ૫૦ દિવસથી બંધ રહેતા હવે વેપારીઓ કંટાળ્‍યા છે, અધીરા બન્‍યા છે અને સ્‍થિતિ એવી ઉભી થઈ છે કે તેઓની સામે આર્થિક સંકટ મોઢુ ફાડીને ઉભુ થયુ છે. રાજકોટ ઓરેન્‍જ ઝોનમાં મુકવામાં આવ્‍યુ હોવાને કારણે શરતોને આધીન કામ-ધંધા કરવાની છૂટ મળવી જોઈએ તેવી વેપારીઓની માંગણી છે. વેપારીઓ એવો સવાલ ઉઠાવી રહ્યા છે કે શહેરમાં ઉદ્યોગોને કામકાજ શરૂ કરવાની છૂટ મળી છે તો પછી નાના વેપારીઓને શા માટે છૂટ આપવામાં આવી નથી ? જેમને છૂટ મળી નથી તેવા વેપારીઓ હેરાન-પરેશાન થઈ ગયા છે.

વેપારીઓના જણાવ્‍યા પ્રમાણે સૌ પહેલા નોટબંધીએ પછી જીએસટીની માયાજાળે અને હવે લોકડાઉને અમારી કમ્‍મર ભાંગી નાખી છે. નોટબંધી અને જીએસટીને તો વેપારીઓ પચાવી ગયા છે પરંતુ હવે લોકડાઉને વેપારીઓને ઘરમાં રહેવાની ફરજ પાડતા તેઓ અનેક પ્રકારની સમસ્‍યાઓનો સામનો કરી રહ્યા છે જેમા હવે જીવનનિર્વાહનો પ્રશ્ન પણ આવીને ઉભો રહ્યો છે. અગાઉથી ઉપરોકત સમસ્‍યાઓ અને મંદીનો સામનો કરતા વેપારીઓ માટે હવે સ્‍થિતિ એક સાંધો ત્‍યાં તેર તૂટે તેવી થઈ ગઈ છે. અનેક વેપારીઓ એવા છે જેમની પાસે હવે રોકડ રકમ ખુટી ગઈ છે અને હવે જીવન નિર્વાહ કઈ રીતે ચલાવવો ? તેવો પ્રશ્ન પણ ઉભો થયો છે.

વેપારીઓની માંગણી છે કે શરતો અને નિયમો સાથે અમોને હવે વહેલી તકે કામધંધા શરૂ કરવાની છૂટ મળવી જોઈએ. વેપારીઓ મધ્‍યમ વર્ગના હોય છે જો તેઓ એક દિવસ પણ ધંધો બંધ રાખે તો તેઓને આર્થિક નુકશાની જતી હોય છે ત્‍યારે હવે તો ૫૦ - ૫૦ દિવસથી કામધંધા બંધ રહેતા મુશ્‍કેલીઓના પહાડો ઉભા થયા છે. કમાણીની સીઝનમાં જ કામધંધા બંધ રહેતા હવે આર્થિક સ્‍થિતિ પાટે ચડતા એક વર્ષ લાગી જશે તેવુ વેપારીઓનુ કહેવુ છે. વેપારી આલમનું એવુ પણ કહેવુ છે કે જો દુકાનો ખુલશે અને વેપાર ધંધા ચાલુ થશે તો શ્રમિકોને પણ રોજગારી મળશે.

વેપારીઓનુ કહેવુ છે કે કોરોના તત્‍કાલ પુરૂ થવાનુ નથી ત્‍યારે હવે અમુક શરતોથી મંજુરી મળવી જરૂરી છે. વેપારીઓ પોતાની સમસ્‍યાઓ જણાવતા કહે છે કે સરકારે અમોને લોન વ્‍યાજમાં માફી મળે, જીએસટી ચુકવણીનો ગાળો વધે અને ઓનલાઈન કંપનીઓના વેચાણ પર પ્રતિબંધ મુકવામા આવે તો જ નાના વેપારીઓ બેઠા થઈ શકશે.

રાજકોટમાં અમુકને બાદ કરતા મોટા ભાગના નાના વેપારીઓ છે. તેઓ ઈચ્‍છી રહ્યા છે કે લોકડાઉન ખુલે અને તેઓને કામધંધા કરવાની છૂટ મળે અને તે પણ કોઈપણ પ્રકારની કનડગત વગર.

(3:24 pm IST)