Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

લાખો રૂપિયાના દારૂ સાથે પકડાયેલા આરોપીને જામીન પર છોડવા ગુજરાત હાઇકોર્ટનો હુકમ

રાજકોટ તા. ૧૩: લાખો રૂપિયાના દારૂ સાથે પકડાયેલા આરોપીને જામીન ઉપર મુકત કરવાનો હાઇકોર્ટે હુકમ કર્યો હતો.

આ બનાવની હકીકત એવી છે કે, રાજકોટ શહેરના ભકિતનગર પોલીસ સ્ટેશનને ગત તા. ૧૩-૦૩-ર૦ર૦ના રોજ બાતમી મળેલ હતી કે ગોકુલનગર શેરી નં. ર/૮ ના કોર્નર શકિત કૃપા મકાનની સામે એક માલવાહક રીક્ષા દારૂનું કટીંગ કરવા આવે છે. જે બાતમીના આધારે પોલીસ કર્મચારીઓએ સ્થળ ઉપર જઇને તપાસકર્તા એક માલવાહક રીક્ષા અને મોટર સાયકલ સાથે એક ઇસમ ઉભો મળેલ હતો. ત્યારબાદ રીક્ષાની પાછળના ભાગે જોતા અંદર પ્લાસ્ટીકના કેરબાની અંદર ભારતીય બનાવટની વિદેશી દારૂની ૯૬૦ બોટલો રાખેલ હતી જેની કિંમત રૂ. ૩,૮૪,૦૦૦/- જેવી બજારમાં થતી હતી. જેથી પોલીસ હાજર રહેલા શખ્સની અટક કરીને આ દારૂ કયાંથી આવ્યો અને કોને આપવાનો છે તેવી તમામ હકીકતો તેની પાસેથી મેળવેલ હતી અને આ સબંધે પોલીસ તપાસમાં ખુલેલા તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ હતી. જેમાંથી આરોપી દિપક ઓમપ્રકાશ રાઘવ સહિત ૩ વ્યકિતની ધરપકડ કરવામાં આવેલ હતી.

આરોપીની ધરપકડ થયા બાદ આરોપીએ સેસન્સ કોર્ટ રાજકોટમાં જામીન અરજી ગુજારેલ હતી જે જામીન અરજી સેસન્સ અદાલતે નામંજુર કરેલ હતી. જેથી આરોપીએ જામીન ઉપર મુકત થવા માટે ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજી ગુજારેલ હતી. આ કામે અરજદાર આરોપી વતી તેના વકીલોએ રજુઆતો કરેલ હતી અને વડી અદાલતોનાં ચુકાદાઓ રજુ કરેલ હતા. જે ધ્યાને રાખીને ગુજરાત હાઇકોર્ટે આરોપી અરજદારના જામીન મંજુર કરેલ હતા.

આ કામે આરોપી અરજદાર આરોપી વતી એડવોેકટ જાહિદ એમ. હિંગોરા અને રાહુલ બી. સોરીયા તેમજ ગુજરાત હાઇકોર્ટમાં બળવંતસિંહ સોલંકી રોકાયેલ હતા.

(3:05 pm IST)