Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

લોકડાઉનને કારણે બેકારીનો ભરડોઃ નિરવ પટેલે જીવ દીધો

મુળ લોધીકાના ચીભડાનો ૨૭ વર્ષનો યુવાન રાજકોટ મોરબી રોડ પર મોટા ભાઇ સાથે રહી ચાંદી કામની મજૂરી કરતો'તોઃ પોણા બે મહિનાથી મજૂરી ન મળી હોઇ કંટાળી ગયો'તોઃ રાત્રે ઝેર પી મિત્રને ફોન કર્યોઃ હોસ્‍પિટલમાં વહેલી સવારે દમ તોડયોઃ ભાડુકીયા પરિવારમાં કલ્‍પાંત : હવે અસહ્ય બની રહ્યું છે લોકડાઉન!

રાજકોટ તા. ૧૩: કોરોનાના કહેરથી બચવા અમલમાં મુકાયેલુ લોકડાઉન હવે જાણે લોકો માટે અસહ્ય બની રહ્યું હોય તેવી ઘટનાઓ બનવાનો પ્રારંભ થયો છે. લોકડાઉનને કારણે બીડી-તમાકુ ન મળતાં અગાઉ મોરબીના યુવાને આપઘાતનો પ્રયાસ અને કુવાડવાના વૃધ્‍ધે આપઘાત કરી લીધાની ઘટના બની હતી. ત્‍યાં હવે મોરબી રોડ પર રહેતાં મુળ લોધીકાના ચીભડા ગામના ૨૭ વર્ષિય પટેલ યુવાને લોકડાઉનને કારણે બેકારી ભરડો લઇ જતાં કંટાળીને ઝેર પી મોત મેળવી લેતાં અરેરાટી વ્‍યાપી ગઇ છે.

ઘટનાની જાણવા મળેલી માહિતી મુજબ મોરબી રોડ પર ખોડિયાર પાર્ક-૨માં મોટા ભાઇ સાથે રહેતો નિરવ બાબુભાઇ ભાડુકીયા (પટેલ) (ઉ.૨૭) રાતે એકાદ વાગ્‍યે ઝેરી દવા પી જતાં સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ વહેલી સવારે મોત નિપજ્‍યું હતું. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે બનાવની જાણ કરતાં બી-ડિવીઝનના એએસઆઇ યુ. બી. પવાર અને મદદનીશ મહેશભાઇએ હોસ્‍પિટલે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્‍યા મુજબ આપઘાત કરનાર નિરવ બે ભાઇમાં નાનો અને અપરિણિત હતો. તેના માતા-પિતા સહિતના બીજા સ્‍વજનો મુળ વતન લોધીકાના ચીભડા ગામે રહે છે. પોતે રાજકોટ ખોડિયાર પાર્કમાં મોટા ભાઇ સાથે રહી ચાંદી કામની મજૂરી કરતો હતો. તે મકાનમાં ઉપરના રૂમમાં રહેતો હતો, તેનો ભાઇ હિરેનભાઇ નીચે રહે છે. રાત્રીના એકાદ વાગ્‍યે નિરવે ઝેરી દવા પી લઇ પોતાના મિત્રને ફોન કરીને દવા પી લધાની જાણ કરી હતી. તેણે નિરવના ભાઇને જાણ કરતાં તેને તાકીદે હોસ્‍પિટલે ખસેડાયો હતો. બે અલગ-અલગ ખાનગી હોસ્‍પિટલમાં સારવાર બાદ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં ઇમર્જન્‍સી વોર્ડમાં સારવાર શરૂ કરવામાં આવી હતી. પરંતુ અહિ સવારે ચારેક વાગ્‍યે તેણે દમ તોડી દીધો હતો.

પોલીસને આપઘાત કરનારના સ્‍વજનોએ જણાવ્‍યું હતું કે પોણા બે મહિનાથી લોકડાઉન હોઇ ચાંદીનું મજૂરી કામ સાવ ઠપ્‍પ થઇ ગયું હોવાથી નિરવ કેટલાક દિવસથી ખુબ ચિંતામાં મુકાઇ ગયો હતો. બેકારીને કારણે તે કંટાળી ગયો હતો અને રાતે તેણે આ પગલુ ભરી લીધું હતું. યુવાન અને આશાસ્‍પદ દિકરાના મોતથી ભાડુકીયા-પટેલ પરિવારમાં ગમગીની છવાઇ ગઇ છે. 

 

(11:41 am IST)