Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

સરકારની ગાઇડ લાઇન આજે આવે બાદમાં રાજકોટના વેપાર - ઉદ્યોગને મંજૂરી : આજે રાજકોટથી ૪ ટ્રેનો દોડશે

એડી. કલેકટરની 'અકિલા' સાથે વાતચીત : સવારે ૯થી રાત્રીના ૧૧ સુધીમાં યુપીમાં ૩ અને મધ્યપ્રદેશ ૧ ટ્રેન જશે : રાજકોટમાં લાખો વેપાર - ઉદ્યોગ છે : તો કલેકટર કચેરીએ ૩-૩ કિમીની લાઇનો પાસ માટે લાગશે

રાજકોટ તા. ૧૩ : રાજ્ય સરકારે કાલથી અમલમાં આવે તેમ વેપાર - ઉદ્યોગ રાજકોટમાં ખોલવા અંગેની જાહેરાત કરી અને તેની મંજૂરી કલેકટર પાસેથી લેવાની તેમ પણ જાહેર કર્યું.

પરંતુ ખાટલે મોટી ખોટ સમાન હજુ એક પણ પ્રકારની ગાઇડ લાઇન અમલમાં મૂકી નથી, કયો અને કયા પ્રકારનો વેપાર કે કયા પ્રકારનો ઉદ્યોગકાર ખોલી શકશે, કઇ રીતે મંજૂરી લેવાની તથા કોરોનાના ડર વચ્ચે કઇ શરતોનું પાલન કરવાનું તે કઇ જાહેર કર્યું નથી, પરીણામે લાખો વેપારીઓ - કારખાનેદારો અવઢવમાં મૂકાઇ ગયા છે.

અત્રે એ નોંધનીય છે કે, રાજકોટમાં લાખો વેપારીઓ - ઉદ્યોગકારો છે, જો આ બધાએ કલેકટર તંત્રની મંજૂરી લેવાની થાય તો કલેકટર કચેરીએ કાલથી ૨ થી ૩ કિમીની લાંબી લાઇનો લાગશે, ફરી ટોળા એકઠા થશે અને તંત્ર ધંધે લાગી જશે.

દરમિયાન આ બાબતે એડી. કલેકટર શ્રી પરિમલ પંડયાએ 'અકિલા'ને જણાવ્યું હતું કે, આવું નહિ થાય, સરકારની આજે ગાઇડ લાઇન આવશે અને તે મુજબ બાદમાં રાજકોટના વેપાર - ઉદ્યોગને મંજૂરી અપાશે.

તેમણે જણાવેલ કે, આજે રાજકોટથી એક દિવસમાં સવારે ૯ થી રાત્રીના ૧૧ સુધીમાં ૪ ટ્રેનો શ્રમીકોને લઇ રવાના થશે, જેમાં સવારે ૯ વાગ્યે, બપોરે ૧૨ વાગ્યે, સાંજે ૪ વાગ્યે અને રાત્રે ૧૧ વાગ્યે ટ્રેનો જશે, આમાં ત્રણ ટ્રેન ઉત્તરપ્રદેશ તરફ તો એક મધ્યપ્રદેશ જશે. તેમણે જણાવેલ કે, એમપી, મહારાષ્ટ્ર, રાજસ્થાનમાં બસો મોકલવાનું ચાલુ છે, આજ સુધીમાં ૬૦૦થી વધુ બસોમાં ૨૨ હજારથી વધુ શ્રમીકોને રવાના કરાયા છે.

(3:47 pm IST)