Gujarati News

Gujarati News

News of Monday, 13th May 2019

પત્રકારો પર બેફામ દમન એ લોકશાહીનું ચિરહરણઃ કોંગ્રેસ

સરકારી તંત્ર દ્વારા પ્રજા પર બળપ્રયોગ થશે તો આંદોલનઃ શહેર પ્રમુખ અશોક ડાંગરે ગૃહ સચિવને પત્ર પાઠવ્યો

રાજકોટ, તા. ૧૩ :. જૂનાગઢમાં પત્રકારો ઉપર બેફામ દમન થયુ છે તે લોકશાહીના ચિરહરણ સમાન હોવાનું કોંગ્રેસના આગેવાનોએ નિવેદનમાં જણાવ્યુ છે.

આ અંગે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગરની યાદી જણાવે છે કે, હાલ જૂનાગઢમાં દેશની ચોથી જાગીર સમાન (પ્રેસ) પત્રકારો અને કેમેરામેન ઉપર પોલીસે બેફામ બની અને સત્તાના મદમાં આવીને મીડિયાના કેમેરામેન પર અમાનુષી લાઠીચાર્જ કરી ઢોર માર માર્યો છે ત્યારે કડક પગલા ભરી કસુરવાર પોલીસ કર્મીઓ સામે કઠોર કાર્યવાહી કરવાની માંગ રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગરે કરી છે.

રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગર અને કોંગ્રેસ આગેવાનોેએ ગૃહ સચિવને પત્ર પાઠવી લેખીતમાં ફરીયાદ કરી જણાવ્યુ છે કે છાસવારે પ્રજાના પ્રહરી પત્રકારો ઉપર સરકારી તંત્ર દ્વારા અપમાનિત કરવાની ઘટનાઓ તેમજ બળપ્રયોગ કરવામાં આવી રહ્યો છે જેમાં ગઈકાલે જૂનાગઢમાં જે રીતે મીડિયા કર્મીઓને પોલીસ દ્વારા બેરહેમીથી ઢોર માર મારવામાં આવ્યો છે તે ગુજરાત માટે શરમજનક ઘટના કહેવાય છતા ગૃહ વિભાગ દ્વારા ચુપકીદી સેવી કસુરવાર પોલીસ કર્મીઓ વિરૂદ્ધ કોઈ જ જાતના પગલા નથી લેવાયા પરિણામે મીડિયા જગત રોષે ભરાયુ છે અને જૂનાગઢ ખાતે ધરણા યોજ્યા છે. આથી સરકારે તટસ્થ તપાસ કરાવી આ ઘટનામાં સંડોવાયેલાઓ વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ છે અને યોગ્ય નિર્ણય નહી આવે તો આગામી દિવસોમાં કોંગ્રેસ દ્વારા જલદ આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે તેમ કાર્યાલય મંત્રી વિરલ ભટ્ટે જણાવ્યુ હતું.

રાજ્યની સુરક્ષા ખતરામાં: સાગઠિયા

વિપક્ષી નેતા વશરામભાઈ સાગઠિયાએ પણ એક નિવેદનમાં જણાવ્યુ છે કે ગુજરાત સહિત દેશભરમાં સરકારી તંત્ર દ્વારા પ્રજા ઉપર દમનના બનાવો બને છે ત્યારે જૂનાગઢમાં પત્રકારો ઉપર લાઠીચાર્જની ઘટનાથી રાજ્યની સુરક્ષા વ્યવસ્થા ખતરામાં હોવાનું ફલીત થઈ રહ્યુ છે કેમ કે રક્ષક દ્વારા જ આવી ઘટનાને અંજામ અપાયો છે તેવો આક્ષેપ શ્રી સાગઠિયાએ નિવેદનના અંતે કર્યો છે.

(3:23 pm IST)