Gujarati News

Gujarati News

News of Saturday, 13th March 2021

રાત્રી કર્ફયુના નામે નિર્દોષોને રંજાડવાનું બંધ કરો

કોંગ્રેસ અગ્રણી જશવંતસિંહ ભટ્ટી અને ગોપાલ અનડકટ દ્વારા પોલીસ કમિશ્નરને પત્ર

રાજકોટ તા. ૧૩ : રાત્રી કર્ફયુના નામે નિર્દોષ લોકોને રંજાડવાનું બંધ કરાવવા કોંગ્રેસ અગ્રણી જશવંતસિંહ ભટ્ટી અને ગોપાલ અનડકટે પોલીસ કમિશ્નરને પત્ર લખી રજુઆત કરી છે.

રજુઆતમાં જણાવ્યુ છે કે રાત્રે ૧૨ પછી રખડવાનો કોઇને શોખ નથી હોતો. કદાચ જરૂરી કામ સબબ બહાર નીકળવુ પડે તો જાણે મોટા ગુન્હેગાર હોય તે રીતે પોલીસ ધરપકડ કરીને ગુન્હો નોંધી લ્યે છે. શું સામાન્ય અને નિર્દોષ લોકો ઉપર જ કાયદા લાગુ પડે ?

સૌ કોઇ સમજે જ છે કે કોરોના સંક્રમણ વધી રહ્યુ છે. તેમ છતા ચુંટણી સમયે કેમ સરકાર અંધેર તંત્રની જેમ વર્તી હતી. અમદાવાદના સ્ટેડીયમમાં ૭૦ હજાર દર્શકો ભેગા કરવામાં કે રાજકીય સભામાં માણસો ભેગા કરવામાં કોઇને કોરોના નડતો નથી. જયારે લગ્ન સમારંભમાં ૨૦૦ થી વધારે માણસો ભેગા થાય તો કોરોનાના કાયદાનું ઉલંધન ગણી આકરા પગલા ભરવામાં આવે.

સરકારની બેધારી નીતિ ભારે પડવાની છે. હાલ તુર્ત રાત્રી કર્ફયુ ઉઠાવી લેવા અંતમાં જશવંતસિંહ ભટ્ટી અને ગોપાલ અનડકટે માંગણી ઉઠાવી છે.

(3:33 pm IST)