Gujarati News

Gujarati News

News of Saturday, 13th March 2021

૧૬ વર્ષની વયે ઇન્સ્ટાગ્રામ પર ૯૯ ઇન્ટરવ્યુ, ટીચર્સ યુનિવર્સિટીમાં આપ્યું લેકચર

રાજકોટના કિશોર બિરદ છાયાએ લોકડાઉનના સમયનો કર્યો સદુપયોગ

રાજકોટ તા. ૧૩, ગયા વર્ષે સત્તરમી માર્ચે એસએસસીની પરીક્ષા પૂર્ણ થઇ અને ચોવીસમીથી તો લોકડાઉન લાગુ પડ્યું. ક્યાંય જવા-આવવાનું રહ્યું નહીં. આખો દિવસ કરવું શું? એવો પ્રશ્ન હજારો વિદ્યાર્થીને સતાવતો હતો. સામાન્ય રીતે મમ્મી-પપ્પાની એવી ફરિયાદ હોય છે કે સંતાન સોસિયલ મીડિયા પર વધારે સમય ગાળે છે. બીજું કંઇ કરતા જ નથી. પરંતુ રાજકોટના  બિરદ છાયા નામના એક વિદ્યાર્થીએ ઇન્સ્ટાગ્રામ એપ્લિકેશન પર વિવિધ ક્ષેત્રના મહાનુભાવોના ઇન્ટરવ્યુ લેવાનું શરુ કર્યું.

 કોઇનું માર્ગદર્શન લીધા વગર સ્વયં સ્ફૂર્ણાથી એણે આ કામ કર્યું. આ લાઇવ ઇન્ટરવ્યુનો સિલસિલો ૯૯ના આંક સુધી પહોંચ્યો. બિરદ પોતે સેલિબ્રિટી પસંદ કરે. એનો સંપર્ક કરે, ઇન્ટરવ્યુ માટેની તૈયારી રુપે એની પ્રોફાઇલ જોવે અને પ્રશ્નો તૈયાર કરીને મોકલે. દરરોજ સાંજે એક ઇન્ટરવ્યુ લેવાનું એણે શરુ કર્યું.

 બોલીવુડ તથા ગુજરાતી તખ્તાના કલાકાર મેહુલ બુચ, પદ્મશ્રી મનોજ જોશી, લેખિકા કાજલ ઓઝા વૈદ્ય, જય વસાવડા, અંકિત ત્રિવેદી, આદિત્ય ગઢવી, સૌમ્ય જોશી, અભિનેતા પ્રશાંત બારોટ, દિગ્દર્શક સંદિપ પટેલ, ગાયક આલાપ દેસાઇ, રાધા મહેતા, ડો. ધ્વનિ વછરાજાની નીરજ અને પલાશ ધોળકિયા, સહિતના લોકોની લાઇવ મુલાકાત બિરદે ૮ મે ૨૦૨૦ થી ૧૫ ઓકટોબર ૨૦૨૦ સુધીમાં લીધી. એ સંખ્યા ૯૯ છે. હવે એને ૧૦૦માં ઇન્ટરવ્યુની પ્રતીક્ષા છે.

 વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી નિમિત્તે બિરદ છાયાએ ગાંધીનગર સ્થિત ઇન્ડીયન ઇન્સ્ટીટ્યૂટ ઓફ ટીચર્સ એજ્યુકેશન- શિક્ષકોને શિક્ષણ આપતી યુનિવર્સિટી ખાતે માતૃભાષામાં ફિલ્મો અને ફિલ્મોમાં માતૃભાષા વિષય પર પણ વકતવ્ય આપ્યું હતું. યુવા લેખક રામ મોરી સાથે એણે સ્ટેજ શેર કર્યું એ કાર્યક્રમમાં અલગ અલગ દિવસે ગુજરાતી ભાષાના મોટા મોટા લેખકો-વકતાઓએ પ્રવચન આપ્યાં હતાં. બિરદ અત્યારે રાજકોટની ધોળકીયા સ્કુલમાં ધો.૧૧માં અભ્યાસ કરે છે. બિરદ જણાવે છે કે મને આવાં કામ માટે મારા મમ્મી જલ્પાબેનનું સતત પ્રોત્સાહન મળે છે. (બિરદ છાયા મો. ૯૫૮૬૫ ૧૦૫૦૦)

(3:32 pm IST)