Gujarati News

Gujarati News

News of Saturday, 13th March 2021

ઓપરેશન-સારવારમાં બેદરકારી દાખવવા અંગે ડોકટર સામે ગ્રાહક ફોરમમાં ફરીયાદ

રાજકોટ, તા., ૧૩: ઓપરેશન તથા સારવારમાં બેદરકારી દાખવતા શહેરના જાણીતા સર્જન ડો.દેવેન્દ્ર દેકીવાડીયા સામે ગ્રાહક ફોરમમાં ફરીયાદ થયેલ છે.

શહેરના કેનાલ રોડ ઉપર પોતાની હોસ્પીટલ ધરાવતા જાણીતા સર્જન ડો. દેવેન્દ્ર દેકીવાડીયા સામે ઓપરેશનમાં અને સારવારમાં બેદરકારી દાખવવા બદલ ગ્રાહક સુરક્ષા ફોરમમાં ફરીયાદ દાખલ કરવામાં આવેલ છે. ફરીયાદની વિગત મુજબ પોરબંદરના રહેવાસી રંભાબેન છગનલાલ લાખાણી (ઉ.વ.૯ર)ને સને સપ્ટેમ્બર-ર૦૧૯ના સમય દરમ્યાન પોરબંદરથી રાજકોટના ડોકટર દેવેન્દ્ર દેકીવાડીયાની હોસ્પીટલ ખાતે નિદાન માટે પોતાના પુત્ર જગજીવન  છગનલાલ લાખાણી સાથે આવેલ હતા. જયાં ડોકટરે દર્દીની તપાસ થયા બાદ દર્દી સાથે આવેલ તેના  પુત્રને જણાવેલ કે તમારા માતૃશ્રીને ઘણી ગંભીર બીમારી લાગુ પડેલ છે. જેથી તાત્કાલીક તેનું  ઓપરેશન કરવું જરૂરી છે. જો ઓપરેશન કરવામાં નહીં આવે તો આ બીમારી ઝડપથી સમગ્ર  શરીરમાં પ્રસરી જશે. જેથી દર્દીના પુત્રએ ડોકટરને જણાવેલ કે તેઓના માતૃશ્રીની ઉમર હાલ ૯૨  વર્ષ છે જેથી આટલી મોટી ઉમરે તેઓ પર ઓપરેશન ન કરવું હિતાવહ રહેશે. ડો. દેવેન્દ્ર  દેકીવાડયાએ દર્દીના પુત્રની કોઈપણ વાત કે રજુઆત માનેલ નહી અને દર્દીના સ્વાસ્થ્ય અંગે  વારંવાર દર્દીના પુત્ર પર માનસીક દબાણ કરી અને દર્દીના મૃત્યુનો ભય બતાવી ઓપરેશન કરવા  દબાણ ઉભુ કરેલ.   

દર્દીના પુત્રએ ડોકટરને સાફ શબ્દોમાં જણાવેલ કે જો ઓપરેશન કરવામાં આવશે તો  દર્દીના જીવન મરણનો પ્રશ્ન ઉપસ્થિત થાય તેમ છે કારણ કે દર્દીની શારીરિક પરિસ્થિતિ  ઓપરેશન માટે તૈયાર નથી. તેમ છતાં ડો. દેવેન્દ્ર દેકીવાડીયા દ્વારા દર્દીને જરૂરીયાત ન હોવા છતાં  આપરેેશન કરાવી દર્દીના પુત્ર પાસેથી ઓપરેશન, સારવાર, બેડ ચાર્જ, મેડીકલ ચાર્જ વિગેરે  ખર્ચાઓ બતાવી માતબર રકમ લઈ લીધેલ છે. આ ઉપરાંત દર્દીને ઓપરેશન બાદ આપવામાં  આવતી જરૂરી સારવાર ડોકટર દ્વારા પુરી પાડવા આવેલ ન હોય તથા ઓપરેશનમાં દર્દીની ઉમર અને શારીરિક પરિસ્થિતિની જાણ હોવા છતાં ડૉકટર દ્વારા પુરતુ ઘ્યાન આપવામાં આવેલ નહી  અને સારવારમાં અને ઓપરેશનમાં ગંભીર બેદરકારી તથા અયોગ્ય કાળજી રાખવામાં આવતા  દર્દીના સ્વાસ્થ્યને અસર પહોંચેલી જેથી ઓપરેશનના થોડા દિવસો બાદ દર્દીનું અવસાન થયેલ.   

ડો.દેવેન્દ્ર દેકીવાડીયાના આવા બેકાળજી ભર્યા વલણ અંગે દર્દીના પુત્ર દ્વારા ડોકટરને  તેઓની બેદરકારી અને અયોગ્ય સારવાર બાબતે  કાયદેસરની લીગલ નોટીસ પાઠવવામાં આવેલી  જે નોટીસનો ડોકટર દ્વારા ઉડાવ  પ્રત્યુતર આપવામાં આવતા ડો. દેવેન્દ્ર દેકીવાડીયા સામે ગ્રાહક  સુરક્ષા ફોરમમાં કાયદેસરની ફરીયાદ દાખલ કરવામાં આવેલ છે. જેમાં ગ્રાહક સુરક્ષા ફોરમ દ્રારા  ડો.દેકીવાડીયા સામે નોટીસ ઈસ્યુ કરી હાજર રહેવા ફરમાન પાઠવેલ છે. 

આ કામમાં ફરીયાદી વતી યશસ્વી એસોસીએટસના વિવેક એલ.ધનેશા, કિશન એસ.રાજાણી, વિજય સી. સીતાપરા એડવોકેટ દરજજે રોકાયેલ છે.

(3:31 pm IST)