Gujarati News

Gujarati News

News of Saturday, 13th March 2021

ઉદિત અગ્રવાલ આકરા પાણીએ

શિવરાત્રીએ ઝોમેટો મારફત નોનવેજ ખાણુ મોકલાવનાર સામે ફોજદારી

શિવરાત્રીએ માસ - મટન - ચિકન - મચ્છીના વેચાણ પર પ્રતિબંધના જાહેરનામાનો ભંગ કરી ઘરેથી ચિકન બિરિયાનીનો ઓર્ડર ઝોમેટો ફૂડ સર્વિસ મારફત ગ્રાહકને મોકલાવનાર બિલાજી બિરિયાનીના માલિક સાયલી સાકીર ગનીભાઇ સામે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એફ.આઇ.આર. નોંધાઇ

રાજકોટ તા. ૧૩ : મહાશિવરાત્રીએ શહેરમાં કતલખાના બંધ રાખવા તથા ચિકન - માસ - મટન - મચ્છી વગેરે નોનવેજ વસ્તુઓના વેપાર ઉપર પ્રતિબંધ ફરમાવતુ જાહેરનામુ મ્યુ. કમિશનર ઉદિત અગ્રવાલે પ્રસિધ્ધ કરેલ. આમ છતાં કેટલાક લોકો ફૂડ ડિલેવરી કરતી એજન્સીઓ મારફત ઘરે નોનવેજ ખાણુ બનાવીને શિવરાત્રીના દિવસે નોનવેજનું વેચાણ કરતા હોવાની ફરિયાદ મ્યુ. કમિશનર ઉદિત અગ્રવાલને મળતા તેઓએ તાત્કાલિક તપાસ કરાવી અને આ પ્રકારે નોનવેજ વેચનાર વેપારી સામે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફોજદારી ફરિયાદ નોંધાવી દાખલારૂપ કાર્યવાહી કરતા જાહેરનામાનો ભંગ કરનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

આ અંગે મ.ન.પા.ની સત્તાવાર યાદીમાં જણાવાયું છે કે, મહાનગરપાલિકા દ્વારા તા. ૧૧-૦૩-૨૦૨૧ના રોજ 'મહા શિવરાત્રી' નિમિતે શહેરના તમામ કતલખાનાઓ બંધ રાખવા તેમજ માસ, મટન, મચ્છી અને ચિકનનું વેંચાણ કે સ્ટોર કરવા પર પ્રતિબંધ ફરમાવવા અંગેનું જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું હતું, છતાં પણ શહેરના એક વેપારી દ્વારા ઘરે ચિકન-બિરયાની-નોનવેજ બનાવી ઝોમટોની મદદ વડે ગ્રાહકને ડીલીવરી કરવામાં આવ્યુ હતું, જે અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે તે આસામીને પકડી કાયદેસરની પોલીસ એફ.આર.આઈ.ની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મહા શિવરાત્રીના પાવન અવસરે બીલાજી બિરયાની સેન્ટરના માલિક સાયલી સાકીર ગનીભાઈ દ્વારા શહેરમાં નોનવેજ ચિકન બિરયાનીનો ઓર્ડર કરાતા ગ્રાહકને ઝોમટોની મદદ વડે ડીલીવરી આપવામાં આવી હતી, જેની જાણ રાજકોટ મહાનગરપાલિકાને થતા જાહેરનામાંનો ભંગ કરવા બદલ જી.પી.એસ.સી. એકટ ૧૯૪૯ અન્વયે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની એફ.આર.આઈ.ની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

(3:31 pm IST)