Gujarati News

Gujarati News

News of Saturday, 13th March 2021

જિલ્લા પંચાયતના પ્રમુખપદ માટે ભારે ખેંચતાણઃબોદર સામે કયાડાનું નામ મજબૂતાઈથી મૂકાયુ

પાર્લામેન્ટરી બોર્ડમાં સુનાવણી વખતે મતભેદ થતા નિર્ણય પડતરઃ બેની લડાઈમાં ત્રીજો ફાવશે ? : કારોબારી અને ઉપપ્રમુખપદ માટે સહદેવસિંહ, બરોચિયા, પનારા, સવિતાબેન, સુમિતાબેન વગેરે નામ ચર્ચામાં

રાજકોટ, તા. ૧૩ :. જિલ્લા પંચાયતના તથા જિલ્લાની તાલુકા પંચાયતોના પ્રમુખ-ઉપપ્રમુખ અને કારોબારી અધ્યક્ષના નામ નક્કી કરવા આજે સવારે ગાંધીનગર ખાતે જિલ્લાના અપેક્ષિત આગેવાનોએ પાર્લામેન્ટરી બોર્ડમાં રજૂઆત કરી હતી. રાજકોટ તાલુકા પંચાયતમાં પાટીદાર મહિલાને પ્રમુખપદ આપવાનું નક્કી થયુ છે. કારોબારી અધ્યક્ષ તરીકે કડવા પટેલ અને ઉપપ્રમુખ તરીકે બક્ષીપંચ સમાજના સભ્ય રહેશે. સૌથી વધુ ખેંચતાણ જિલ્લા પંચાયતના પ્રમુખપદ માટે રહી હતી. ત્રંબાથી ચૂંટાયેલા ભૂપત બોદર સામે જેતપુર તાલુકામાંથી ચૂંટાયેલા પૂર્વ ઉપપ્રમુખ પી.જી. કયાડાનું નામ મજબૂતાઈથી મુકવામાં આવ્યુ હતું. બે જુથો વચ્ચેની ખેંચતાણને કારણે નિર્ણય પાર્લામેન્ટરી બોર્ડ પર છોડવામાં આવ્યો હતો. મુખ્યમંત્રીના જિલ્લામાં જ જુથવાદ જેવુ વાતાવરણ પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ ખુલ્લુ પડી જતા ચર્ચા જાગી છે. આંતરીક કાવાદાવા વચ્ચે પાર્ટીનો નિર્ણય શિરોમાન્ય રાખવાની રૂડી વાતો પણ થઈ રહી છે.

જિલ્લા પંચાયતમાં ૩૬માંથી ૨૫ બેઠકો ભાજપને મળી છે. ભૂપત બોદરને જે રીતે ચૂંટણી લડાવીને જીતાડવામાં આવ્યા છે તે જોતા પ્રમુખપદ માટે તેઓ એક માત્ર ઉમેદવાર ગણાતા હતા પરંતુ જિલ્લા ભાજપના બીજા જુથે પી.જી. કયાડાની સિનીયોરીટી આગળ ધરી તેમને જ પ્રમુખ બનાવવા આગ્રહ રાખ્યો હતો. સામાન્ય રીતે એક નામ અથવા પેનલના કોઈપણ એક નામને પસંદ કરવા રજૂઆત થતી હોય છે તેના બદલે આજે પાર્લામેન્ટરી બોર્ડમાં બન્નેના નામ માટે સામસામી ખેંચતાણ થયાનુ જાણવા મળે છે. બેની લડાઈમાં કોઈ ત્રીજુ જ નામ આવી જાય તો નવાઈ નહિં.

ઉપપ્રમુખપદ માટે ગોંડલના સહદેવસિંહ જાડેજાનું નામ ઉપસ્યુ હતું. તેમને કારોબારી ચેરમેનપદ પણ મળી શકે છે. ઉપપ્રમુખપદ મહિલાને આપવાનો નિર્ણય થાય તો સુમિતાબેન ચાવડા અને જસદણ તાલુકાના સવિતાબેનનું નામ ચર્ચામાં છે. પ્રમુખ કયા તાલુકામાંથી અને કઈ જ્ઞાતિમાંથી બનાવાય છે તેના આધારે બાકીના પદાધિકારીઓની પસંદગી થશે. જયંતીભાઈ બરોચીયા, વિરલ પનારા, રાજુ ડાંગર વગેરે નામ પણ મહત્વના પદો માટે ચર્ચામાં છે. સોમવારે નામ જાહેર થાય તેવી શકયતા છે. મંગળવારે ફોર્મ ભરવાનો દિવસ છે. બુધવારે ચૂંટણી છે.

(3:30 pm IST)