Gujarati News

Gujarati News

News of Saturday, 13th March 2021

દ્વારકા સોમનાથ પોરબંદર સહીતના રૂટની લોકલ ટ્રેનો હવે તો શરૂ કરાવો

ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ડી.આર.એમ. સમક્ષ રજુઆત

રાજકોટ તા. ૧૩ : ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ઉપપ્રમુખ અને ડીઆરયુસીસી મેમ્બર પાર્થભાઇ ગણાત્રાએ રેલ્વે મુસાફરોની સુવિધા અર્થે રાજકોટ ડીવીઝનલ રેલ્વે મેનેજર શ્રી ફુંકવાલને રૂબરૂ મળી રજુઆત કરી હતી.

કોરોના લોકડાઉનના કારણે બંધ કરાયેલ ટ્રેનોમાંથી હાલ વાંકાનેર- મોરબી વચ્ચે માત્ર એક ડેમુ ટ્રેન જ શરૂ કરાઇ છે. ત્યારે સૌરાષ્ટ્રના યાત્રિકોની સુવિધા ધ્યાને લઇ દ્વારકા, સોમનાથ, જુનાગઢ, પોરબંદર, મોરબી રૂટની લોકલ ટ્રેનો શરૂ કરવા તેમજ પ્લેટફોર્મ ટીકીટના રૂ.૧૦ ના બદલે રૂ.૫૦ વસુલાય છે તે પૂર્વવત રૂ.૧૦ કરી નાખવા અને લોકલ ટ્રેઇનોને પહેલાની જેમ લોકલ ભાડાદરથી જ ચલાવવા રજુઆત કરેલ છે.

ઓખા મુંબઇ વચ્ચે દોડતી સૌરાષ્ટ્ર મેઇલ તેમજ વેરાવળ  બાંદ્રા વચ્ચે દોડતી સૌરાષ્ટ્ર જનતાના સમયમાં માત્ર ૧૫ મીનીટનું જ અંતર રહે છે તે હાસ્યાસ્પદ લાગતુ હોય સૌરાષ્ટ્ર મેઇલનો સમય પૂર્વવત કરી નાખવા માંગણી ઉઠાવાઇ હતી.

પ્રત્યુતરમાં ડીઆરએમ શ્રી ફુંકવાલે હકારાત્મક વલણ અપનાવી આ પ્રશ્નોનું વહેલાસર નિરાકરણ લાવવા ખાત્રી ઉચ્ચારી હતી.

(3:29 pm IST)