Gujarati News

Gujarati News

News of Saturday, 13th March 2021

સોમવારે મનપાનું બજેટઃ નવા શાસકોની અગ્નિ પરિક્ષા

મ્યુ.કમિશ્નર ઉદિત અગ્રવાલ તા.૧૫નાં નાણાકિય વર્ષ ૨૦૨૧-૨૦૨૨નું ૨૧૦૦-૨૨૦૦ કરોડ જેટલું બજેટ સ્ટેન્ડિગ કમિટિ ચેરેમનને સુપ્રત કરશેઃ કોરોના કાળમાં ગત વર્ષે નાં બજેટની અડધો-અડધ યોજનાઓ અધ્ધરતાલઃ હવે નવી યોજનાઓ કેવી રીતે મૂકવી? આવક કેવી રીતે વધારવી? વગેરે સમસ્યા શાસકોને નડશે

રાજકોટ, તા. ૧૩ : મહાનગર પાલિકાનું વર્ષ ર૦ર૦-ર૧નું રિવાઇઝડ અને વર્ષ ર૦ર૧-રરનું નવું બજેટ આગામી તા. ૧પ ને સોમવારે મ્યુ. કમિશનર ઉદિત અગ્રવાલ સ્ટેન્ડીંગ કમિટી ચેરમેનને સુપ્રત કરનાર છે. ત્યારે ખુરશી સંભાળતાની સાથે જ કોરોના કાળમાં નવું બજેટ પ્રજા સમક્ષ રજુ કરવાની કપરી અગ્નિ પરીક્ષા નવા શાસકોએ આપવી પડશે.

આ અંગે મ.ન.પા. સતાવાર સુત્રોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ વર્ષ-ર૦ર૦-ર૧માં કોરોના મહામારીને અને લોકડાઉનને કારણે મહાપાલિકાને આરોગ્ય ક્ષેત્રે ખર્ચ વધ્યો અને સામે વેરાની આવક ઘટી ગઇ આવી કટોકટી વચ્ચે આ નાણાકિય વર્ષ પુર્ણ થયું છે ત્યારે આ વર્ષેનું રિવાઇઝડ બજેટ નાનુ  થયું છે. અને મુળ બજેટ વેર-વિખેર થઇ ગયું છે. અને તેનાં કારણે ર૦ર૦-ર૧ના બજેટની અનેક યોજનાઓ અધ્ધર તાલ રહી ગઇ છે.

દરમિયાન હવે નવા ર૦ર૧-રર ના બજેટનું કદ ર૧૦૦ થી રર૦૦ કરોડ આસપાસનું હોવાનું અને મ્યુ. કમિશનર ઉદિત અગ્રવાલ દ્વારા ટ્રાફિક-આરોગ્ય-સ્માર્ટસીટી ઉપરાંત નવા ભેળવાયેલ પાંચ ગામોની સુખ-સુવિધા જેવી નવી યોજનાઓનો સમાવેશ કરાયો હોવાનું જાણવા મળ્યું છે.

ઉપરાંત આ નવા બજેટમાં જે નવા ૪ બ્રિજ બનાવવામાં આવી રહ્યા છે. તે ઉપરાંત અન્ય એક-બે નવાં બ્રિજ માટે નાણાકિય જોગવાઇઓ કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.

જયારે રિવાઇઝડ બજેટમાં વેરા-વસુલાત હોર્ડીંગ્સ બોર્ડ વગેરેની આવકનાં લક્ષ્યાંકો ઘટાડવા દરખાસ્ત હોવાનું જાણવા મળ્યું છે.

આમ ઉપર મુજબની બજેટ દરખાસ્તો સાથેનું બજેટ શ્રી અગ્રવાલ સોમવારે સવારે સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન પુષ્કરભાઇ પટેલને સુપ્રત કરશે.

આ બજેટ દરખાસ્તનો ચેરમેન સહિત સ્ટેન્ડીંગનાં ૧ર સભયો દ્વારા અભ્યાસ પૂર્ણ થયા બાદ સુધારા-વધારા સાથેનું બજેટ સ્ટેન્ડીંગ કમીટી મંજુર કરી અને જનરલ બોર્ડ સમક્ષ બજેટ દરખાસ્ત રજુ કરશે.

નોંધનિય છે કે વર્તમાન કોરોના કાળની સ્થિતિમાં પ્રજા અને તંત્ર-બેંકોની આર્થિક સ્થિતિ તંગ છે આ સંજોગોમાં નવી મોટી યોજના કેવી રીતે મુકવી ? આવક કેવી રીતે વધારવી ? વગેરે સમસ્યાઓનો સામનો કરીને નવા પદાધિકારીઓએ રાજકોટવાસીઓને મનભાવન બજેટ આપવાની અગ્નિ પરીક્ષાનો સામનો કરવો પડશે.

(3:28 pm IST)