Gujarati News

Gujarati News

News of Saturday, 13th March 2021

સેમ્પલ વગર કોરોનાના નેગેટિવ રિપોર્ટ કાઢી આપવાના કોૈભાંડમાં ગુનો નોંધાયો

મ્યુ. કોર્પોરેશનના આરોગ્ય અધિકારી ડો. મનિષ ચુનારાની ફરિયાદ પરથી ગાંધીગ્રામના મહાદેવ હોમ કલેકશનવાળા પરાગ જોષી સામે ગુનો નોંધી કાર્યવાહી

રાજકોટ તા. ૧૩: કોરોના મહામારીના સમયમાં અમુક લેભાગુઓ કોરોનાના સેમ્પલ લીધા વગર રૂ. ૧૫૦૦ મેળવી કોરોનાનો નેગેટિવ રિપોર્ટ આપી દેતાં હોવાની માહિતીને આધારે મ્યુનિસિપલ કોર્પોરેશનના મેડિકલ ઓફિસર અને ઇન્ચાર્જ આરોગ્ય અધિકારીએ ગાંધીગ્રામ પોલીસમાં ગાંધીગ્રામના શખ્સ પરાગ જોષી સામે આઇપીસી ૨૬૯, ૨૭૦, મેડિકલ પ્રેકટીશનર એકટની કલમ ૩૦ તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ ૫૧ મુજબ ગુનો દાખલ કરી તેને અટકાયતમાં લીધો છે.

આ બનાવમાં પોલીસે આરોગ્ય અધિકારી ડો. મનિષકુમાર બી. ચુનારા (રહે. સેટેલાઇટ ચોક, મોરબી રોડ આશિર્વાદ સ્કવેર એપાર્ટમેન્ટ બી-૧૦૨)ની ફરિયાદ પરથી ગાંધીગ્રામમાં રહેતાં અને મહાદેવ હોમ કલેકશન સેન્ટર નામે કોરોનાના સેમ્પલ લેવા સહિતની કામગીરી કરતાં પરાગ જોષી સામે ગુનો નોંધ્યો છે.

ફરિયાદમાં આરોપ મુકાયો છે કે આરોપી પરાગ જોષી પાસે કોઇપણ મેડિકલ લાયસન્સ કે ડિગ્રી ન હોવા છતાં પોતે મહાદેવ હોમ કલેકશન સેન્ટર (હેરમા લેબ) નામે કામ કરી સાહેદ મહેન્દ્રસિંહ જાડેજા પાસેથી રૂ. ૧૫૦૦ મેળવી લઇ તેમને કોરનોાના સેમ્પલ લીધા વગર અન્ય વ્યકિતના સેમ્પલને આધારે કોરોનાનો નેગેટિવ રિપોર્ટ આપી દઇ લોકોની જિંદગી જોખમાય તેવું કૃત્ય કર્યુ છે.

પરાગ જોષીએ પ્રાથમિક પુછતાછમાં કહ્યું હતું કે પોતે બીજાના સેમ્પલ લઇ કોરોનાનો નેગેટિવ રિપોર્ટ કાઢી આપે છે અને જેના સેમ્પ્લ લીધા હોઇ તેને પોતે રૂ. ૨૦૦ ચુકવે છે. સાહેદ મહેન્દ્રસિંહને એક પેથોલોજી લેબના લેટરપેડ પર તેનો કોરોના રિપોર્ટ નેગેટિવ કાઢી આપ્યો હતો. આ રિપોર્ટ લેતી દેતીની વિધી ગાંધીગ્રામ લાખના બંગલા પાસે શકિત પાન પાસે થઇ હતી. ગાંધીગ્રામ પીઆઇ કે. એ. વાળાની રાહબરીમાં પીએઅસાઇ એચ. વી. સોમૈયાએ ગુનો નોંધી વિશેષ તપાસ હાથ ધરી છે.

(12:43 pm IST)