Gujarati News

Gujarati News

News of Saturday, 13th March 2021

હનીટ્રેપમાં ઝડપાયેલા અનિલ અને જીજ્ઞેશ રીઢા નીકળ્યા, અગાઉ ડઝનેક ગુનામાં સંડોવણીઃ રિમાન્ડની તજવીજ

અનિલ વિરૂધ્ધ અગાઉ મારામારીના બે ગુના અને જીજ્ઞેશ ઉર્ફ દિલીપ વિરૂધ્ધ ચોરી, બળજબરી, મારામારી, દારૂના ૧૦ ગુના : ગાંધીગ્રામ પીઆઇ કે. એ. વાળા અને પીએસઆઇ જનકસિંહ રાણાની ટીમે બંનેને દબોચ્યા

રાજકોટ તા. ૧૩: મુળ બિહારના અને હાલ માધાપર પાસે વિનાયક વાટીકા સામે અવધ રેસિડેન્સી એ-વિંગ બ્લોક નં. જી-૨માં રહેતાં ગ્રુપ થ્રી નામથી સિકયુરીટી એજન્સી ચલાવતાં રમણજી ચંદ્રેશ્વરપ્રસાદ યાદવ (ઉ.વ.૩૧)ને એક યુવતિએ ફોન કરી 'હું મનિષા બોલુછું, ફ્રેન્ડશીપ કરવી છે?' કહી મળવા બોલાવ્યા બાદ મોરબી બાયપાસ તરફ લઇ જઇ બીજા સાગ્રીતો સાથે મળી તેને ધમકાવી પોલીસમાં પકડાવી દેવાની ધમકી દઇ અઢી લાખની ખંડણી માંગી હતી. આ ગુનામાં પોલીસે બે આરોપીને દબોચી લીધા છે. જેમાં એક શખ્સ અગાઉ બે ગુનામાં અને બીજો દસ ગુનામાં સંડોવાઇ ચુકયો છે.

પોલીસે અનિલ હમીરભાઇ સારેસા (ઉ.વ.૨૭-રહે. મોરબી રોડ, ઓમ પાર્ક શેરી નં. ૩) તથા જીજ્ઞેશ ઉર્ફ દિલીપ ઉર્ફ દિલો હમીરભાઇ સારેસા (ઉ.વ.૩૫-રહે. ભગવતીપરા ૨૫ વારીયા કવાર્ટર ઝમઝમ બેકરી સામે, શિવમ્ પાર્ક-૧ પાસે)ને પકડી લીધા છે. આ બંનેની પુછતાછમાં મુખ્ય સુત્રધાર અશ્વિન નામનો શખ્સ હોવાનું અને યુવતિ પણ તેની પરિચિત હોવાનું ખુલતાં આ બંને આરોપીની શોધખોળ થઇ રહી છે. પોલીસના કહેવા મુજબ અનિલ વિરૂધ્ધ અગાઉ કુવાડવા પોલીસમાં અને બી-ડિવીઝનમાં મારામારીના બે ગુના નોંધાઇ ચુકયા છે. જ્યારે જીજ્ઞેશ ઉર્ફ દિલીપ ઉર્ફ દિલો વિરૂધ્ધ ચોરી, બળજબરી, મારામારી, દારૂના ૧૦ ગુના નોંધાઇ ચુકયા છે.

પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી પી. કે. દિયોરાની સુચના અને માર્ગદર્શન હેઠળ પીઆઇ કે. એ. વાળા, પીએસઆઇ જે. જી. રાણા, કોન્સ. કિશોરભાઇ ઘૂઘલ, બ્રિજરાજસિંહ ઝાલા, વનરાજભાઇ લાવડીયા, દિવ્યરાજસિંહ જાડેજા, દિગ્વીજયસિંહ ગોલિહ, ગોપાલભાઇ પાટીલે આ કામગીરી કરી હતી. બંને આરોપીની વધુ પુછતાછ માટે રિમાન્ડની તજવીજ થઇ રહી છે.

(12:43 pm IST)