Gujarati News

Gujarati News

News of Saturday, 13th March 2021

૧૧ાા વર્ષના બે ટેણીયાએ ૧૨ાા વર્ષની બાળા સાથે ન કરવાનું કર્યુઃ કાઉન્સેલિંગ બાદ દૂષ્કર્મનો ગુનો નોંધાશે

શહેરના કાલાવડ રોડની એક આવાસ યોજના કવાર્ટરની ઘટનાઃ જેના વિરૂધ્ધ આક્ષેપો છે એ ટાબરીયાઓને બે દિવસ પહેલા બાળાના ભાઇ સાથે માથાકુટ થઇ હતીઃ મહિલા પોલીસે બાળાના માતા-પિતાના પ્રાથમિક નિવેદન લીધાઃ બાળાને ગલુડીયા રમાડવાના બહાને અગાસી પર બોલાવાઇ હતીઃ પોલીસ તપાસનો ધમધમાટ

રાજકોટ તા. ૧૩: ઇન્ટરનેટના યુગમાં ટાબરીયાઓ ઘણીવાર ન કરવાનું કરી બેસતાં હોય છે. વિચાર્યુ પણ ન હોય તેવા કરતૂતો સામે આવે ત્યારે ભલભલા ચોંકી જતાં હોય છે. થોડા સમય પહેલા એક વાલી પોતાના સંતાનને પોર્ન ફિલ્મ નિહાળતાં જોઇ જતાં હતપ્રભ થઇ ગયા હતાં અને સંતાનનું કાઉન્સેલીંગ કરાવ્યું હતું. ત્યાં એક એવી ઘટના સામે આવી છે જેમાં એક ૧૨ાા વર્ષની બાળા સાથે ૧૧ાા વર્ષની ઉમર ધરાવતાં બે ટાબરીયાએ ન કરવાનું કર્યાનો ચોંકાવનારો આક્ષેપ થયો છે. સમગ્ર કિસ્સો મહિલા પોલીસ સ્ટેશન સુધી પહોંચતા બાળા સાથે ખરેખર શું બન્યું? તે જાણવા બાળાનું વન સ્ટેપ સખી સેન્ટરના બાળ નિષ્ણાંતો પાસે કાઉન્સેલીંગ કરાવવા તજવીજ હાથ ધરાઇ છે. એ પછી પોલીસ ગુનો નોંધવા કાર્યવાહી કરશે.

 

જાણવા મળ્યા મુજબ ગત મોડી સાંજે કાલાવડ રોડ વિસ્તારની આવાસ યોજનામાં રહેતા એક પરિવારના માતા-પિતા પોતાની સાડા બાર વર્ષની બાળકીને લઇને મહિલા પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતાં અને આ બાળકી સાથે આવાસ યોજનામાં જ રહેતાં બીજા બે બાળકોએ અગાસી પર બળજબરી આચરી હોવાનો આરોપ મુકતાં પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ પણ ચોંકી ગયા હતાં. આ મામલે બાળાના માતા-પિતાની પોલીસે પુછતાછ કરતાં તેમણે કહ્યું હતું કે પોતાને તેર વર્ષના દિકરાએ વાત કરી હતી કે બહેનને બે છોકરા અગાસી પર ગલુડીયા-કૂતરૂ રમાડવાના બહાને બોલાવી ગયા હતાં અને ખરાબ કર્યુ હતું.

દિકરાની આ વાત સાંભળી માતા-પિતા ચોંકી ગયા હતાં. તેણે દિકરીને આ બાબતે પુછતાં તેણે પણ પોતાની સાથે અજુગતુ થયાની હામી ભરતાં મામલો મહિલા પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. આવાસ યોજનાના પ્રમુખ પણ રજૂઆતમાં સાથે ગયા હતાં. જેના પર આરોપ મુકાયો છે એ બે ટેણીયાની ઉમર સાડા અગિયાર વર્ષ હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું. પોલીસને એવી પણ માહિતી મળી છે કે બે દિવસ પહેલા આ બે ટાબરીયા સાથે બાળાના ભાઇને માથાકુટ-ઝઘડો થયો હતો. એ પછી તેણે પોતાની બહેન સાથે ખરાબ થયાની વાત ઘરમાં કરી હતી. બહેન સાથે અડપલા થયાની વાતો બીજા છોકરાઓ પણ  કરતાં હોવાનું ટાબરીયાએ પોતાના માતા-પિતાને કહ્યું હતું.

બાળાને એપાર્ટમેન્ટના છઠ્ઠા અને બીજા માળે રહેતાં બે ટાબરીયા બાળા પાસે બે પાળેલા કૂતરા હોઇ તે લઇને અગાસીએ રમવા આવવાનું કહી તેણીને ઉપર લઇ ગયા હતાં. એ પછી અગાસીનો દરવાજો બંધ કરી દઇ આ બંનેએ બળજબરી આચરી હોવાનો આરોપ છે. જો કે રાતે બાળા પોલીસ સમક્ષ સ્પષ્ટ વિગતો જણાવી શકી નહોતી. આજે તેણીનું કાઉન્સેલીંગ કરાવી પુરેપુરી સાચી વિગતો પ્રાપ્ત કરવા પોલીસ પ્રયાસ કરશે અને એ પછી આગળની કાર્યવાહી થશે તેમ જાણવા મળ્યું છે. ટાબરીયાઓ સામે જે આરોપ મુકાયો છે એના કારણે ચકચાર મચી ગઇ છે.

મોડી બપોર સુધી કાઉન્સેલીંગ ચાલુ છે. તેનો રિપોર્ટ આવ્યા બાદ મહિલા પીઆઇ એસ.આર. પટેલ, હિતેન્દ્રભાઇ ગઢવી, જે.વી. શુકલ સહિતની ટીમ આગળની કાર્યવાહી કરશે. પોકસો, દૂષ્કર્મ, છેડતી સહિતની કલમો હેઠળ કાર્યવાહી થઇ શકે તેવી શકયતા છે.

(2:42 pm IST)