Gujarati News

Gujarati News

News of Friday, 13th March 2020

શિક્ષક વિજયભાઈ ધોળકીયાની પૂણ્યતિથિએ રવિવારે છ મહાનુભાવોનું સન્માન થશે

સૌરાષ્ટ્ર હાઈસ્કુલ દ્વારા ઋણ સ્વીકાર કાર્યક્રમ : ડો.રમેશભાઈ ભાયાણી - ડો.એન.જે.મેઘાણી-પ્રદ્યુમનભાઈ જોષીપુરા-જયદેવ શાહ-પ્રતાપભાઈ પટેલ-કિરીટભાઈ આદ્રોજા

રાજકોટ, તા. ૧૩ : નવા કલેવર ધરીને શિક્ષણક્ષેત્રે નવપ્રદાન કરવા કમરકસી રહેલ ૧૨૦ વર્ષ જૂની શ્રી સૌરાષ્ટ્ર હાઈસ્કુલ તેના પાયાના પથ્થર અને સ્વપ્નશિલ્પી નખશીખ શિક્ષક શ્રી વિજયભાઈ ધોળકીયાની સ્મૃતિને અંજલી આપવા વિદ્યાંજલી સમારોહનું આયોજન કરી રહેલ છે. શાળાના ટ્રસ્ટી અને આચાર્ય એવા સ્વ.શ્રી વિજયભાઈ ધોળકીયાની વિદાયને ૩૦ વર્ષ પૂરા થઈ રહ્યા છે. તેઓને અંજલી આપવાના ભાગરૂપે સૌરાષ્ટ્ર હાઈસ્કુલ ટ્રસ્ટ સમાજના વિવિધ ક્ષેત્રમાં મૌન રહીને સેવામાં માનતા અગ્રણીઓનો ઋણ સ્વીકારનો કાર્યક્રમ તા.૧૫ના રવિવારે ઓડીટોરીયમ ખાતે વિદ્યાંજલી સમારોહ યોજાશે.

શિક્ષણ ક્ષેત્રે ડો.રમેશભાઈ ભાયાણી, સાહિત્ય ક્ષેત્રે પ્રદ્યુમનભાઈ જોષીપુરા, તબીબીક્ષેત્રે હોમિયોપેથીકમાં નોંધપાત્ર પ્રદાન અદા કરનાર ડો.એન.જે. મેઘાણી, રમત - ગમત ક્ષેત્રે સૌરાષ્ટ્રનું ગૌરવ જયદેવભાઈ શાહ અને ઉદ્યોગ ક્ષેત્રે રાજકોટને સમગ્ર વિશ્વમાં ગૌરવ અપાવનાર શહેરના જાણીતા ઉદ્યોગ ઋષિ પ્રતાપભાઈ પટેલ અને કિરીટભાઈ આદ્રોજાનું અદકેરૂ સન્માન કરવામાં આવશે.

આ અંગેની માહિતી આપતા સૌરાષ્ટ્ર હાઈસ્કુલ ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી ડો.નિદતભાઈ બારોટ તેમજ ટ્રસ્ટના પ્રમુખ ડો.ભદ્રાયુભાઈ વછરાજાનીએ વિશેષ માહિતી આપતા જણાવ્યુ છે કે વિજયભાઈ ધોળકીયા દ્વારા ૧૯૫૫થી ૧૯૮૫ સુધી આચાર્ય તરીકે અને ૧૯૮૫ થી ૧૯૯૦ સુધી ટ્રસ્ટના સંવાહક તરીકે સૌરાષ્ટ્રમાં શિક્ષણક્ષેત્રે અમૂલ્ય પ્રદાન થયુ. ૧૨૦ વર્ષને સ્પર્શી ગયેલી સૌરાષ્ટ્ર હાઈસ્કુલ દ્વારા સમાજને ધુરંધર વ્યકિતત્વો પ્રાપ્ત થયા છે. સમાજનું કોઈ ક્ષેત્ર એવુ નથી કે જેમાં સૌરાષ્ટ્ર હાઈસ્કુલનો વિદ્યાર્થી મોખરે ન હોય, આ યશ શ્રી વિજયભાઈને જાય છે. વિજયભાઈ ધોળકીયા ઉત્તમ શિક્ષક હતા અને તેથી શ્રેષ્ઠ આચાર્ય બની શકયા. ૧૦મી માર્ચ ૧૯૯૦ના રોજ ૬૩ વર્ષની ઉંમરે તેઓએ અચાનક વિદાય લીધી. તે સમયે રાજકોટ શહેરે તેના શિક્ષક પુત્રને શ્રદ્ધાંજલી આપવા માટે રાજકોટ બંધ પાળ્યો હતો.

આ અંગેની વિશેષ માહિતી આપતા સૌરાષ્ટ્ર હાઈસ્કુલ ટ્રસ્ટના ટ્રસ્ટી મુકેશ દોશી તેમજ હરદેવસિંહ જાડેજાએ જણાવ્યુ કે વિદ્યાંજલી સમારોહમાં માત્ર કોઈ કાર્યક્રમ કરીને સૌરાષ્ટ્ર હાઈસ્કુલ ટ્રસ્ટ સંતોષ માનતુ નથી. પરંતુ રાજકોટના એવા વિરલ વ્યકિતત્વો કે જેઓ સમાજના વિવિધ ક્ષેત્રોમાં મુક પ્રદાન કરી રહ્યા છે અને તેમને સન્માન કે એવોર્ડની કોઈ ખેવના નથી તેવા છ મહાનુભાવોનો ઋણ સ્વીકાર આ સમયે કરવામાં આવશે.

શિક્ષણના ક્ષેત્રમાં પોતાનું જીવન સમર્પિત કરનાર લોકવિજ્ઞાન કેન્દ્ર અને થેલેસેમીક બાળકો માટે સતત પ્રવૃત રહેનાર, નિવૃતિમાં પણ પ્રવૃત એવા ડો.રમેશભાઈ ભાયાણી, હોમિયોપેથી ડો.એન.જે.મેઘાણી, સાહિત્ય ક્ષેત્રે રાજકોટના ગૌરવ સમા પ્રદ્યુમનભાઈ જોષીપુરા, સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનના યુવા પ્રમુખ અને સૌરાષ્ટ્રની ટીમના કેપ્ટન જયદેવભાઈ શાહ, ઉદ્યોગ જગતમાં માત્ર રાજકોટ જ નહિં પરંતુ વિશ્વભરમાં ટર્બો બેરીંગ પ્રા.લી. અને એન્જલ પમ્પના માધ્યમથી રાજકોટનું નામ રોશન કરનાર બંને મહાનુભાવો પ્રતાપભાઈ પટેલ અને કિરીટભાઈ આદ્રોજાનું સન્માન કરી કૃતજ્ઞતા વ્યકત કરાશે તેમ સૌરાષ્ટ્ર હાઈસ્કુલના ટ્રસ્ટી ઈન્દુભાઈ વોરા તેમજ જયંતભાઈ દેસાઈ જણાવે છે.

આ પ્રસંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ તેમજ ગુજરાત સાહિત્ય એકાદમીના અધ્યક્ષ ડો.સીતાંષુ યશચંદ્ર મહેતા તેમજ સૌરાષ્ટ્ર હાઈસ્કુલ એકઝીકયુટીવ કમીટીના સભ્યો મંજુલાબેન મહેતા, મનીષભાઈ માદેકા, સુરેશભાઈ નંદવાણા, વિક્રમભાઈ સંઘાણી, રાજેનભાઈ વડાલીયા, રાજેશભાઈ કાલરીયા, ભાવેશભાઈ પટેલ, સુનિલ વોરા, સુનિલ મહેતા, ઉપેનભાઈ મોદી, અનુપમ દોશી, નલીન તન્ના સહિતના ઉપસ્થિત રહેશે. આગામી ૧૫ માર્ચના રોજ યોજાનાર આ કાર્યક્રમની વ્યવસ્થા સૌરાષ્ટ્ર હાઈસ્કુલના ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી ડો.નિદતભાઈ બારોટ, ટ્રસ્ટી મુકેશભાઈ દોશી, ડો.હરદેવસિંહ જાડેજાના નેતૃત્વ નીચે તડામાર તૈયારીઓ ચાલી રહી હોવાનું યાદીમાં જણાવાયુ છે.

(3:51 pm IST)