Gujarati News

Gujarati News

News of Friday, 13th March 2020

બુલડોઝર ધણધણ્યું : મવડીમાં ૧૬ ગેરકાયદે બાંધકામોનો કડુસલો

તંત્રના પ્લોટમાં ખડકાયેલ પ-મકાન, ર-દુકાન, કમ્પાઉન્ડ વોલ સહિતના દબાણો દૂર : ૧૯પ૦ ચો.મી. જમીન ખુલ્લી

રાજકોટ, તા. ૧૩:  મ્યુ. કોર્પોરેશન દ્વારા શહેરના મવડી વિસ્તારમાં તંત્રના પ્લોટમાં ખડકાયેલ મકાન, દુકાન, કમ્પાઉન્ડ વોલ સહિતના ૧૬ ગેરકાયદે બાંધકામોના દબાણો હટાવી ૧૯પ૦ ચો.મી. જમીન ખુલ્લી કરવામાં આવી હતી.

આ અંગે મ્યુ. કોર્પોરેશનની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ મ્યુ. કમિશનર ઉદિત અગ્રવાલની સુચનાથી ટાઉન પ્લાનીંગ ઓફિસર એમ.ડી. સાગઠીયાના માર્ગદર્શન હેઠળ રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા આજરોજ વેસ્ટઝોન વિસ્તાર પૈકી વોર્ડ નં. ૧૦, ૧૧ તથા ૧રમાં થયેલ ગેરકાદેસર દબાણ/બાંધકામ દૂર કરવા ડિમોલીશન હાથ ધરવામાં આવેલ. જેમાં પ્રારંભિક નગર રચના યોજના વોર્ડ નં. ૧૬ (રૈયા), રે.સ.નં. રપ, પ્લોટ નં.ર૦ની સામે ફાળવેલ અંતિમખંડ નં.૩૧/ર/રમાંથી શેરડીના રસના ચિચોડા તથા બેલાનું આશરે ૩ ફૂટ ઉંચાઇનું ચણતર તથા વોર્ડ નં. ૧૧ ના ડ્રાફટ ટી.પી. સ્કીમ નં. ર૧ (મવડી) ના ૧ર.૦૦ મી. ટી.પી. રોડ કે જે મવડી રોડથી સ્વામિનારાયણ ગુરૂકુળ (કાવેરી પાર્ક) તરફના ટી.પી. રોડ પર પ મકાન, ર-દુકાન, ૮-કમ્પાઉન્ડ વોલ, તેમજ વોર્ડ નં. ૧ર ના ડ્રાફટ ટી.પી. સ્કીમ નં. ર૧(મવડી)ના ૧ર.૦૦ મી ટી.પી. રોડ કે જે મવડી રોડ (બાપાસીતારામ ચોક) થી ઉમીયા ચોક રીંગ રોડ તરફના ટી.પી. રોડ પરથી કમ્પાઉન્ડ વોલ સહિત કુલ ૧૯પ૦ ચો.મી. જમીન ખુલ્લી કરવામાં આવી છે.

આ ડીમોલીશનમાં વેસ્ટ ઝોન શાખાના આસીસ્ટન્ટ ટાઉન પ્લાનર એ.એમ. વેગડ, એ. જે. પરસાણા તથા આર. એન. મકવાણા તથા ટાઉન પ્લાનીંગ શાખાનો સ્ટાફ તથા વીજીલન્સ શાખાના પી.એસ.આઇ. ચુડાસમા તથા તેમનો સ્ટાફ, જગ્યા રોકાણ શાખાનો સ્ટાફ તથા રોશની શાખાનો સ્ટાફ સ્થળ પર હાજર રહેલ છે.

(3:09 pm IST)