Gujarati News

Gujarati News

News of Wednesday, 13th March 2019

અહો આશ્ચર્યમ્ : શહેરની લકઝરીયસ સોસાયટીઓમાં પાણીની લાઇનો નથી !

ર૪ કલાકમાં પાણીનાં બણગા ફુંકતા શાસકોને પ્રજાની ઉગ્ર રજુઆત : ૧પ૦ રીંગ રોડની સિધ્ધી વિનાયક સોસાયટીનાં રહેવાસીઓ ૧પ વર્ષથી વેચાતુ પાણી લ્યે છેઃ પાણીની લાઇન ન નંખાય ત્યાં સુધી ટેન્કરો આપવા માંગ

રાજકોટ, તા., ૧૩: મ્યુ. કોર્પોરેશનની હદમાં આવતી શહેરની કેટલીક સોસાયટીઓમાં આજે પણ પાણીની પાઇપ લાઇનોની સુવિધા નથી. પરીણામે રહેવાસીઓ વેંચાતુ પાણી લઇને જીવન નિર્વાહ કરી રહયા છે. શહેરમાં ૧પ૦ ફુટ રીંગ રોડ પર આવેલ સિધ્ધી વિનાયક સોસાયટીનાં રહેવાસીઓ પણ આ પ્રકારે છેલ્લા ૧પ વર્ષથી વેચાતું પાણી મેળવી રહયા છે ત્યારે હવે સોસાયટીના રહેવાસીઓએ આ વિસ્તારમાં વહેલી તકે પાણીની લાઇનો નાંખવા અને ટેન્કરો શરૂ કરાવવા ઉગ્ર રજુઆતો કરી છે.

આ અંગે સોસાયટીનાં જાગૃત નાગરીક કિશોરભાઇ કક્કડે જણાવ્યા મુજબ ૧પ૦ ફુટ રીંગ રોડ પર અયોધ્યા સિધ્ધી વિનાયક સોસાયટીની આજુ બાજુની તમામ સોસાયટીઓમાં પાણીની પાઇપ લાઇનો નંખાઇ ગઇ છે. જયારે આ સોસાયટીમાં હજુ સુધી પાણીની પાઇપ લાઇન નથી નંખાઇ  પરીણામે છેલ્લા ૧પ વર્ષથી ઉનાળામાં વેચાતુ પાણી લઇને જીવન નિર્વાહ કરવો પડે છે. ત્યારે હવે વહેલી તકે પાણીની પાઇપ લાઇન નાંખવા અને જયાં સુધી પાઇપ લાઇન ન નંખાય ત્યાં સુધી આ સોસાયટીમાં નિયમીત ટેન્કરો મોકલી પાણી વિતરણ કરી અને વર્ષો જુની સમસ્યા ઉકેલવા માંગ છે.

રહેવાસીઓના જણાવ્યા મુજબ આ બાબતે અનેક વખત અરજીઓ રજુઆતો પણ કરાઇ છે. ત્યારે હવે આ સમસ્યા ઉકેલવા ઉગ્ર લોક માંગ ઉઠી છે.

(3:58 pm IST)