Gujarati News

Gujarati News

News of Wednesday, 13th March 2019

વ્યાજ સહિત ૮૫ હજાર ચુકવ્યા છતાં શાપરના દિનેશભાઇ પાસે ઉઘરાણી કરી ભરતે માર માર્યો

ભરત પટેલે વધુ પૈસા આપવા દબાણ કરી માર મારતા વણકર યુવાને ફીનાઇલ પી લીધું: પટેલ શખ્સ સામે ગુનો

રાજકોટ તા.૧૩: શાપર વેરાવળમાં રહેતા વણકર યુવાને વ્યાજ સહિત રૂ. ૮૫ હજાર ચૂકવ્યા છતાં પટેલ શખ્સે વધુ વ્યાજની ઉઘરાણી કરી માર મારતા ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ શાપર વેરાવળમાં શાંતિધામ ગેઇટ નં. ૨ અક્ષર ઓફિસની સામે બ્લોક નં. ૬૮માં રહેતા દિનેશભાઇ હિરાભાઇ વીંજુડા (ઉ.વ.૩૭)એ ચાર મહિના પહેલા શાપર વેરાવળના એસ.આઇ.ડી.સી. રોડ પર રહેતા ભરત પટેલ પાસેથી રૂ. ૫૦ હજાર વ્યાજે લીધા હતા. જેમાંથી કપાત કરી રૂ. ૩૮૦૦૦ આપી દીધા હતા. અને તેના વ્યાજ પેટે રોજના રૂ. ૧૦૦૦ લેખે વાયદો કરેલ જે પૈકી દિનેશભાઇએ કટકે કટકે ભરત પટેલને રૂ. ૮૫૦૦૦ જેટલી રકમ ચૂકવવા છતાં વધુ પૈસા આપવા દબાણ કરી ભરતે ફોન પર તેમજ રૂબરૂ દિનેશભાઇને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી બે વાર ઢીકાપાટુનો માર મારી જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી વધુ વ્યાજ માટે ઉઘરાણી કરતા દિનેશભાઇને લાગી આવતા તેણે ફીનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ બનાવ અંગે શાપર વેરાવળ પોલીસે દિનેશભાઇની ફરિયાદ પરથી ભરત પટેલ વિરૂદ્ધ મનીલેન્ડ તથા એટ્રોસીટીની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ આદરી છે.

(3:50 pm IST)