Gujarati News

Gujarati News

News of Wednesday, 13th March 2019

પૂ.મુનિરાજશ્રી જીવબંધુ વિજયજી તથા પૂ. દિવ્યયશ વિજયજી મહારાજને પંન્યાસ પદ પ્રદાન

શ્રી જાગનાથ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘના આંગણે આ.ભ.યશોવિજય સૂરિશ્વરજી મહારાજના હસ્તે :૩૬ જીવોને અભયદાન, ૩૬ પૂજારી- ધર્મમિત્રો અને ૩૬ શિક્ષકોનું સન્માન, ૩૬ સાધર્મિક પરિવારો તથા ૩૬ વિશિષ્ટ આરાધકોનું બહુમાન કરાયું

રાજકોટ તા.૧૩: વિવિધ ક્ષેત્રોમાં ચોક્કસ પ્રકારની કવોલિફિકેશન ધરાવનાર વ્યકિતને પ્રમોશન અને વિશિષ્ટ પોસ્ટ આપવામાં આવે છે. સાધુઓના વિશ્વમાં પણ આ રીતે યોગ્ય મહાત્માઓને વિશિષ્ટ પદવી આપવામાં આવેછે. અમુક વર્ષોની સાધના બાદ મહાત્માની જ્ઞાનશકિત તથા તેમની પુણ્ય શકિતને ધ્યાનમાં લઇ તેઓને ચોક્કસ ક્રમમાં પદવીઓ એનાયત કરવામાં આવે છે. જૈન સાધુ મહાત્માઓમાં જ્ઞાનનો મહિમા અનેરો છે. તેઓ આખી જીંદગી જ્ઞાનની સાધના પાછળ જ વીતાવી છે. એ ખાસ ઉલ્લેખપાત્ર છે કે આજે વિશ્વનો સૌથી વધુ મોટો પ્રાચીન જ્ઞાન વારસો જૈન સમાજ પાસે છે. હજારો વર્ષોથી ચાલ્યો આવતો તે જ્ઞાનવારસો જ્ઞાનના મોટાભાગના ક્ષેત્રનો આવરી લે છે. ભૂગોળ, રાજકારણ, ઇતિહાસ, પદાર્થ વિજ્ઞાન, કર્મ વિજ્ઞાન, અણુ વિજ્ઞાન, આત્મ વિજ્ઞાન, આધિભૌતિક વિજ્ઞાન જેવા અનેક ક્ષેત્રોમાં અનુપમ અને અનુઠું જ્ઞાન તે ગ્રંથોમાં પીરસવામાં આવ્યું છે. જૈન સાહિત્યમાં સૌથી વધુ પ્રાચીન અને મહત્વપૂર્ણ હોય તો તે છે આગમો! આગમોની વાણીએ સીધી પ્રભુ મહાવીરની વાણી કહેવાય છે. આ આગમો તેની જ્ઞાનગંભીરતાને કારણે આખા વિશ્વના તમામ વિદ્વાનોને આકર્ષિક કરી ચૂકયા છે. આ આગમોનો અભ્યાસ જૈન સાધુઓ ચોક્કસ તપ અને ક્રિયાની સાધના દ્વારા યોગ્યતા પ્રાપ્ત કરીને જ કરી છે. યોગ્યતા પ્રાપ્ત ન થાય તો આ આગમો વાંચવાનો તેનો અભ્યાસ કરવાનો અધિકાર પ્રાપ્ત થતો નથી.

વિશિષ્ટ યોગ્યતા ધરાવનારા મહાત્માઓને લગ-લગાટ છ મહિનાની ઉગ્ર અને એકધારી તપશ્ચર્યાના  અંતે સૌથી મુખ્ય આગમ શ્રીભગવતી સૂત્રને ભણવાની રજા આપવામાં આવેછે. આવા આગમને ભણવું તે વિશિષ્ટ સૌભાગ્ય છે. આથી આ તકે તે મહાત્માને 'ગણી' પદવી એનાયત કરવામાં આવે છે. ત્યાર બાદ જો વિશિષ્ટ યોગ્યતા જણાય તો તે મહાત્માને તમામ આગમો બીજાને ભણાવવાનો અધિકાર આપવામાં આવે છે. આગમો બીજાને ભણાવવાનો અધિકાર એટલે જ પંન્યાસ પદ.પૂજય પ્રવચન પ્રભાવક આચાર્ય ભગવંત શ્રી યશોવિજય સૂરીશ્વરજી મહારાજના બે શિષ્યરત્નો મુનિરાજ શ્રી જીવબંધુ વિજયજી મહારાજ તથા મુનિરાજ શ્રી દિવ્યયશ વિજયજી મહારાજ બન્નેને તેઓની વિશિષ્ટ યોગ્યતા જોઇ પૂજ્યપાદ સુવિશાલગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રી જયઘોષસુરીશ્વરજી મહારાજે ગણિ પંન્યાસ પદ પ્રદાન કરવાનો નિર્ણય કર્યો તેઓશ્રીના જ શુભાશિષથી આજે ૧૩ને બુધવારના પવિત્ર દિવસે બન્ને મહાત્માઓને ગણિ પંન્યાસ પદ ઉપર આરૂઢ કરવામાં આવેલ. આ અવસરે પૂજયપાદ કુશળ પ્રવચનકાર આચાર્ય ભગવંત શ્રી સંયમબોધિ સૂરીશ્વરજી મહારાજે પણ ઉપસ્થિત રહી સહુના આનંદની અભિવૃદ્ધિ કરી છે. સુયોગ્ય મહાત્માઓને જયારે સુયોગ્ય પદ મળે છે ત્યારે સોનામાં સુગંધ ભળે છે. તે પદ દ્વારા મહાત્માઓનું ગૌરવ વધે થે, અને તે સુયોગ્ય મહાત્માઓ દ્વારા પદની ગરિમા વધે છે.

આવો ઉત્તમ અવસર શ્રી જાગનાથ શ્વે.મપ.જૈન સંઘના આંગણે આવતા જ પૂજયપાદ આચાર્ય ભગવંત શ્રીના માર્ગદર્શન હેઠળ તેને અનોખી રીતે ઉજવવાનું નિર્ધારિત કરેલ આ અવસરે વિશાળ ધનરાશિના સદ્વ્યય દ્વારા કેટલાંક ઉત્તમ કર્યો કરવાનુ નક્કી કર્યુ. તેમાં ૩૬ જીવોને અભયદાન, ૩૬ પૂજારી વગેરે ધર્મમિત્રોનું સન્માન,૩૬ શિક્ષકોનું સન્માન, ૩૬ સાધર્મિક પરિવારોનું બહુમાન, ૩૬ વિશિષ્ટ આરાધકોનું બહુમાન આવા અનેક નવતર આયોજનો કરવામાં આવ્યા  હતા.(તસ્વીરઃ અશોક બગથરીયા)

(3:48 pm IST)