Gujarati News

Gujarati News

News of Wednesday, 13th March 2019

ચૂંટણી આચારસંહિતા ભંગની ફરીયાદ બાદ મોદી-રૂપાણીના હોર્ડીંગ્ઝ ઉતારતું તંત્ર : દંડ વસુલવા કોંગ્રેસની માંગ

પશુ-દવાખાના-પેટ્રોલપમ્પ વગેરે સ્થળોએથી મોટા હોર્ડીંગ્ઝ ઉતારી લેવાયા : સોરઠીયાવાડી રોડ પરથી ૬૦ કિયોસ્ક બોર્ડ ઉતરાવાયા : ગજેન્દ્રસિંહ ઝાલા -કોર્પોરેટર અતુલ રાજાણીએ કરેલી ફરીયાદ બાદ તંત્ર હરકતમાં

રાજકોટ તા. ૧૩ :.. આગામી ર૩ એપ્રિલે યોજાનાર લોકસભાની ચૂંટણીની આચાર સંહીતા લાગુ થઇ ગયા બાદ પણ શહેરમાં સરકારી મીલ્કતોમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ત્થા મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણીનાં ફોટાવાળા હોર્ડીઝ બોર્ડ લાગેલા હોવાની ફરીયાદ કોંગ્રેસનાં પ્રવકતાં ગજેન્દ્રસિંહ ઝાલા ત્થા કોર્પોરેટર અતુલ રાજાણીએ કર્યા બાદ કોર્પોરેશનનાં જગ્યા રોકાણ વિભાગે પશુ દવાખાનામાં લાગેલુ જબરૂ હોર્ડીંગ્ઝ બોર્ડ ત્થા પેટ્રોલ પંપમાં લગાવેલા હોર્ડીંગ્ઝ બોર્ડ ઉતરાવી લેવાની વ્યવસ્થા કર્યાનું ગજેન્દ્રસિંહ ઝાલાએ એક યાદીમાં જણાવ્યું છે.

તેવી જ રીતે શહેરનાં સોરઠીયાવાડી ત્થા બાપુનગર વિસ્તારનાં સેન્ટ્રલ લાઇટનાં થાંભલામાં લાગેલા અંદાજે ૬૦ જેટલા કિયોસ્ક બોર્ડમાં વડાપ્રધાન નરેન્દ્રસિંહ મોદી, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ત્થા નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલનાં ફોટાઓ હોઇ આ તમામ કિયોસ્કબોર્ડ ઉતરાવવા ચૂંટણી અધિકારીને ફરીયાદ કરતાં આજે આ તમામ કિયોસ્કબોર્ડ પણ ઉતરાવી લેવાયાનું યાદીમાં જણાવાયું છે.

આ તકે ગજેન્દ્રસિંહ ઝાલાએ એવી માંગ ઉઠાવી હતી ચૂંટણી આચાર સંહીતા લાગુ થયાનાં બે દિવસ સુધી આ કિયોસ્કબોર્ડ લાગેલા રહ્યા છે. તે તે બાબતે લાગતા - વળગતાંઓ પાસેથી દંડ વસુલવો જોઇએ.

(3:47 pm IST)