Gujarati News

Gujarati News

News of Wednesday, 13th March 2019

પુસ્તક પરિચય ધન્વી - માહી

યોગનિદ્રા : શારિરીક - મન અને ભાવનાત્મક સ્તરો ઉપર કાર્ય કરી રોગમુકત બનાવે છે

'યોગનિદ્રા' ડો. પ્રજ્ઞાબેન શાહ દ્વારા લેખિત એક અદ્ભૂત અને આજના સમય માટેનું અનિવાર્ય પુસ્તક છે. ડો. પ્રજ્ઞાબેનએ ઓશોના અનેક પુસ્તકોનો ગુજરાતી અનુવાદ કરેલ છે. ડો. પ્રજ્ઞાબેન પોતે ભારતીય તત્વજ્ઞાનના તંત્ર-મંત્ર-યંત્ર વિષયમાં પી.એચ.ડી. કરેલ છે. અનેક યોગ શિબિરોનું સંચાલન કરેલ છે. હાલમાં 'અદ્વૈત યોગ કેન્દ્ર'નું સંચાલન કરી રહ્યા છે.

'યોગનિદ્રા' માત્ર શારીરિક અક્ષમતાઓ દુર કરવા પૂરતું મર્યાદિત નથી પણ તે શારીરિક, મન અને ભાવનાત્મક એમ ત્રણેય સ્તરો ઉપર કાર્ય કરે છે અને વ્યકિતને તે ત્રણેયના અસંતુલનથી થતા તનાવોથી મુકત કરીને વ્યકિતને રોગ મુકત બનાવે છે. 'યોગ' અને 'યોગનિદ્રા' બંને અલગ વિષય છે તે વાંચકે સમજવાની જરૂર છે.

આ પુસ્તક વાંચકોને અચૂક મદદકર્તા છે એટલે જ ઉપનિષદ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તેનું પ્રકાશન કરવામાં આવેલ છે.

પુસ્તકની પ્રસ્તાવનામાં લેખિકા ડો. પ્રજ્ઞા શાહ (pragnas59 @gmail.com) જણાવે છે કે ઋષિઓએ યોગનિદ્રાનો આવિષ્કાર આત્મસાક્ષાત્કારના માર્ગ તરીકે કર્યો છે. પણ પ્રવર્તમાન સમયમાં યોગનિદ્રાને, તણાવ (સ્ટ્રેસ) કે જે આપણા શારીરીક અને માનસિક રોગોનું મુખ્ય કારણ છે કે તેને દૂર કરવા માટેની સૌથી સબળ પદ્ધતિ માનવામાં આવે છે યોગનિદરા એ માત્ર શારીરિક શિથિલીકરણ જ નથી પણ તણાવના મુળ, જે આપણાં મનનાં ઉંડાણમાં ઘરબાયેલા છે, તેને દૂર કરવાની વિધિ પણ છે. આ એક એવી વિધિ છે કે જે આપણા શરીર, મને તેમજ ભાવનાના સ્તર ઉપર અસર કરતી મનની અંદર રહેલી નકારાત્મકતાને દૂર કરે છે.

મનોવૈજ્ઞાનિક અને યોગીઓ ત્રણ પ્રકારના તણાવ (સ્ટ્રેસ)નો સ્વીકાર કરે છે. શારીરીક, માનસિક અને ભાવનાત્મક આ ત્રણેય સ્તરે વ્યકિત તણાવનો અનુભવ કરે છે. શરીરનો તણાવ શારીરિક અક્કડપણાના રૂપમાં વ્યકત થાય છે. સફળતા-નિષ્ફળતા, સુખ-દુઃખ, પ્રેમ-ધૃણા એ ભાવાનાત્મક તણાવ છે. જયારે મનમાં સતત વિચારોનો પ્રવાહ ચાલુ રહે તો તે માનસિક તણાવામાં પરિણમે છે. તણાવને દૂર કરવા માટે અનેક  પ્રચલિત વિધિઓ છે. સામાન્ય શિથિલીકરણથી કદાચ શરીરના તણાવ દૂર થાય પણ આપણા રોગના મૂળ તો ઊંંંડાણમાં લાગણીઓ, ભાવનાઓના સ્તર સુધી પહોંચેલાં છે. તેથી રોગ નિવૃતિમાં સહાયરૂપ બને તે માટે સાધારણ વિશ્રાંતિ પર્યાપ્ત નથી. આપણને જરૂર છે, સંપૂર્ણ વિશ્રાંતિની જે આપણા ત્રણેય સ્તરના તણાવને દૂર કરે. સંપૂર્ણ વિશ્રાંતિએ યોગનિદ્રાનું લક્ષ્ય છે.

પ્રયોગોથી પૂરવાર થયું છે કે શિથિલીકરણ માટેની અનેક રીતોમાં યોગનિદ્રાનો વિકલ્પ ઘણા સારા પરિણામો આપે છે.યોગનિદ્રાના મૂળ પ્રાચીન તંત્રશાસ્ત્રમાં  છે. યોગનિદ્રાની વિધિ તાંત્રિક પૂજન વિધિમાં કરવામાં આવતી ન્યાસની ક્રિયા ઉપર આધારિત છે. યોગનિદ્રાની વિધીનું વાસ્તવિક લક્ષ્ય તો સ્વાનુભૂતિ કે મોક્ષપ્રાપ્તિ હતું. પણ હવે લક્ષ્ય બદલાયું છે. મોક્ષ આપણા  માટે ખૂબ આગળની વાત થઇ ગઇ છે. વર્તમાન સમયની આવશ્યકતા છે, સ્વસ્થ શરીર અને શાંત મન. યોગનિદ્રા આ લક્ષ્ય કેવી રીતે સિદ્ધ કરે છે તે આ પરિચય પુસ્તિકાનું વિષય વસ્તુ છે.

યોગનિદ્રા શબ્દને જો વ્યાપક સંદર્ભમાં લઇએ તો એ સભાનતા સાથેની નિદ્રા છે. બિહાર સ્કુલ ઓફ યોગના સંસ્થાપક, સ્વામી સત્યાનંવદ સરસ્વતીજી એ તંત્ર શાસ્ત્રનો અભ્યાસ કરીને, આખી વિધિને વૈજ્ઞાનીક રીતે ક્રમબધ્ધ કરી એટલું જ નહી પણ પશુ તેમજ માનવીઓ ઉપર સફળ પ્રયોગ કર્યા અને એવા નિષ્કર્ષ પર આવ્યા કે સામાન્ય નિદ્રા કરતાં યોગનિદ્રામાં વ્યકિતની ચેતના, સભાનતા (કોન્સીયસનેસ) વધારે સક્ષમ હોય છે જેના દ્વારા તે ઘણું નવુ શીખી શકે છે.

આ પુસ્તકનો કેન્દ્રવર્તી વિચાર અને લક્ષ્ય એ છે કે યોગનિદ્રાની વિધિ કેવી રીતે નકારાત્મક માન્યતાઓ, તણાવને દુર કરે છે અને મનને શાંત અને શિથિલ કરે છે. આ તણાવ માત્ર શરીર પુરતા સીમીત નથી પણ મનના અને ભાવનાના સ્તરે થતા તણાવ પણ તેમાં સમાવિષ્ટ છે. વૈજ્ઞાનીક રીતે એ પુરવાર થયેલું છે કે વ્યકિત સંપુર્ણ જાગૃત ન હોય અને નિદ્રામાં પણ ન હોય ત્યારે તેના મન ઉપર જે પણ અંકીત કરવામાં આવે છે તેનો તે ઝડપથી સ્વીકાર કરી લે છે. યોગનિદ્રાની વિધિમાં આ સ્થિતી સહજપણે આવે છે તેથી નવી ભાષા શીખવી કે કશુંક નવુ શીખવાની ક્રિયા, કોઇ સર્જનાત્મક કાર્ય કરવુ હોય કે કોઇ ખરાબ ટેવ છોડવી હોય તો આ સ્થિતિમાં તે સરળતાથી શકય બને છે. યોગનિદ્રા વિધિની આ ફલશ્રુતી છે.

આજે સમગ્ર વિશ્વ અને શારીરીક તેમજ માનસીક રોગોનો સામનો કરી રહયું છે. અજંપો, હતાશા, નિરાશાની સ્થિતિ એકદમ સામાન્ય બની ગઇ છે જે સ્વાસ્થ્ય માટે સૌથી મોટો ખતરો છે. એમાંથી મુકત થવા ઘણી વ્યકિતઓ માદક દ્રવ્ય, ધુમ્રપાન, સતત ચા, કોફીનું સેવન કરે છે જે કયારેક મૂળ રોગ કરતાં પણ વધુ ખતરનાક નીવડે છે. આમ એક વિષચક્ર ચાલ્યા કે છે. હતાશા નિરાશાનું મૂળ કારણ શું છે તે શોધવાની અને તેને દુર કરવાની જરૂર છે. યોગનિદ્રાની વિધિ કારણના મૂળ સુધી જાય છે અને તેમાંથી મુકત થવામાં સહાય કરે છે.

યોગનિદ્રાની વિધિ માત્ર વયસ્ક પુરતી જ સીમીત નથી પણ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ખાસ કરીને જે વિદ્યાર્થીઓની ગ્રહણ શકિત ઓછી છે. જેઓ અન્ય વિદ્યાર્થીઓની જેમ શીખી શકતા નથી તેમને માટે આશીર્વાદરૂપ છે. પ્રયોગોથી એ પુરવાર થયું છે કે અભ્યાસ કરતાં પહેલા જો યોગનિદ્રા કરાવવામાં આવે તો અઘરા વિષયો પણ બાળક સહજતાથી શીખી શકે છે. તેની ગ્રહણ શકિતમાં વધારો થાય છે તેમજ આવશ્યક સમયે તેને યાદ પણ કરી શકે છે.

સાક્ષીભાવ યોગનિદ્રાની ક્રિયાને વધારે ફળદાઇ બનાવે છે. સાક્ષીભાવ અર્થાત કોઇ પણ વસ્તુ, વ્યકિત કે પરિસ્થિતિ સાથે વિધાયક કે નિષેધક લાગણીથી ન જોડાતાં તેને તટસ્થભાવે જોવી. આપણી આશકિત સુખ કે દુઃખનું કારણ બને છે. જો આપણે તટસ્થ રહી શકીએ અર્થાત કોઇપણ પરિસ્થિતિને સારી કે ખરાબ તેમજ સુખદ કે દુઃખદ ન ગણતાં તે જેવી છે તેવી જ રીતે તેને મુલવવામાં આવે તો ઘણી સમસ્યાઓને દુર કરી શકાય. યોગનિદ્રાની વિધિ સાક્ષીભાવે કરવાની છે. તેથી જ સાધક વિધિ કર્યા પછી અદ્ભૂત વિશ્રાંતિનો અનુભવ કરે છે.

યોગનિદ્રાને સામાન્ય રીતે શવાસન પર્યાય તરીકે લેવામાં આવે છે પણ વાસ્તવમાં તે શવાસનથી વિશેષ અને ગહન છે અને તેથી જ શિથિલીકરણ (રિલેકસેશન) માટેની અન્ય ક્રિયાઓમાં તેને વિશેષ સક્ષમ વિધિ માનવામાં આવે છે. આ પુસ્તિકા ત્રણ વિભાગમાં વહેંચાયેલી છે. પ્રથમ વિભાગમાં યોગનિદ્રા સાથે સંકળાયેલી કેટલીક સંકલ્પનાઓ (કોન્સેપ્ટસ) ઉલ્લેખ કરવામાં આવ્યો છે, બીજા વિભાગમાં યોગનિદ્રા કેવી રીતે કરવી તે દર્શાવવામાં આવ્યું છે અને ત્રીજા વિભાગમાં યોગનિદ્રા રોગ નિવૃત્તિમાં કેવી રીતે સહાયક બને છે તે દર્શાવવામાં આવ્યું છે.

વર્તમાન સમયમાં જ્યારે આપણે બધાં અશાંતિ તેમજ અનેક પ્રકારની ચિંતાઓથી ઘેરાયેલા છીએ ત્યારે તેમાંથી નિષ્પન્ન થતી શારીરિક અને માનસિક તકલીફોને જડમૂળમાંથી ઉખેડવામાં યોગનિદ્રાની વિધિ સહાયભૂત બને તે માટે તેને સરળ ભાષામાં રજૂ કરવાનો પ્રયત્ન આ પરિચય પુસ્તિકામાં કરે છે. આશા છે કે આ પ્રયાસ સફળ બની રહેશે.

સામાન્ય નિદ્રાએ સભાન અવસ્થા છે અને તે મહદ અંશે માત્ર શરીર અને મનને તાજગી આપે છે. જ્યારે યોગનિદ્રાએ સભાનતા સાથેની નિદ્રા છે. એ આપણને આપણા અંદરના Sourceની સાથે જોડી આપનારી વિધિ છે. તેથી તે માત્ર શરીર તેમજ મન પૂરતી મર્યાદિત ન રહેતા ભાવનાના સ્તરે નકારાત્મકતાના જે Blocks રચાયા છે તેને દૂર કરે છે. યોગનિદ્રાની વિધિનો નિયમિત અભ્યાસ આપણને આપણા લક્ષ્યોને સિધ્ધ કરવા માટે સમર્થ બનાવે છે. આ વિધિના અભ્યાસ માટે કોઇ ઉચ્ચ બૌધ્ધિક અવસ્થા કે કોઇ સંઘર્ષ કરવાની આવશ્યકતા નથી. આવશ્કયતા છે માત્ર સભાનતાની, શ્રધ્ધાની. આ એક સભાનતા સાથેનું ઊંડું શિથિલીકરણ છે.

યોગનિદ્રાનો ઉલ્લેખ કયારેક યોગના આસન, શવાસનના પર્યાય તરીકે કરવામાં આવે છે. શવાસન મહદ અંશે શરીરને વિશ્રામ આપનારૂ આસન છે. યોગનિદ્રાનો વ્યાપ વિસ્તૃત છે. તે માત્ર શરીર પૂરતું સીમિત ન રહેતા મન તેમજ ભાવનાના સ્તરને પણ વિશ્રામ આપનારૃં છે. આ સંદર્ભમાં એવું કહી શકાય કે શવાસન જ્યાં પૂરૃં થાય છે યોગનિદ્રા ત્યાંથી શરૂ થાય છે.

લેખિકા    : ડો. પ્રજ્ઞા શાહ

(pragnas59@gmail.com)

પુસ્તક     : યોગનિદ્રા

કિંમત     : રૂ. ૯૦ - પેઇજ ૭૨

પ્રકાશક   : દક્ષા પ્રકાશન, ઉપનિષદ ચેરીટેબલ

            ટ્રસ્ટ, તથાતા ૩૩/બી, નંદિગ્રામ

            સોસાયટી-૨,  સિંધવાઇ માતા

            રોડ, પ્રતાપનગર, વડોદરા  

            (ફોનઃ ૦૨૬૫ - ૨૫૮૦૩૩૬)

પુસ્તક પ્રાપ્તિ   : શ્રી ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિર,

            ગોંડલ રોડ, વિવેકાનંદ

            ઓવરબ્રીજની બાજુમાં, વૈધવાડી

            શેરી નં. ૪, રાજકોટ

          મો. ૯૪૨૭૨ ૫૪૨૭૬

(3:45 pm IST)