Gujarati News

Gujarati News

News of Wednesday, 13th March 2019

નવરંગ કલબ ચકલીના દોઢ લાખ માળા વિતરણ કરશે

દેશમાં ચકલી બચાવો ઝૂંબેશ શરૂ કરનાર વી. ડી. બાલાનો સંકલ્પ : રૂ. ૧૦ માં પડતર માળો રૂ. પ માં વિતરણઃ ચકલી બચાવો દિન-ર૦ માર્ચથી નવું અભિયાન

રાજકોટ તા. ૧૩ :.. એક દાયકા પૂર્વે ચકલી બચાવો ઝૂંબેશ શરૂ કરનાર વી. ડી. બાલાએ વિશ્વ ચકલી દિવસ અનુસંધાને નવો સંકલ્પ કર્યો છે. આ વર્ષે દોઢ લાખ માળા વિતરણ કરશે.

અગાઉના સમયમાં વૃધ્ધ-વડિલો બાળકોને 'ચકી લાવી ચોખાનો દાણો, ચકો લાવ્યો મગનો દાણો', એવી વાર્તા કહેતા...

આ બાબત એવું સૂચવે છે કે બાળકને પોતાના ઘરમાં ચકલી સહજ રીતે જોવા મળી જતી. સંખ્યાકીય બાબતે ચકલી વ્યાપક હતી.

પરંતુ, સમય જતાં આજે આપણાં ઘર, ગામ કે શહેરમાં ચકલીની સંખ્યા ઘટતી ચાલી. આવું કેમ બન્યું? તેનું સામાન્ય અવલોકન કરીએ તો તુરત જ સમજાઇ જાય તેવું છે. ચકલીની સંખ્યા ઘટવા પાછળનું મુખ્ય કારણ છે માનવીની બદલાયેલી જીવનશૈલી. રોજી-રોટી સ્ળવા ગ્રામ્ય વિસ્તારના લોકોએ શહેરો તરફ પ્રયાણ કર્યુ. શહેરોમાં જનસંખ્યા વધતા આપણા મકાનો સંકોચાતા ગયા. જુના દેશી-નળિયાવાળા મકાનોના સ્થાને બહુમાળી મકાનોએ પ્રભુત્વ જણાવ્યું.

આ તબકકે ખપેડાઓ, અભેરાઇઓ, દીવાલ પર લગાવાતા ફોટાઓ ક્રમશઃ લુપ્ત થયા જે સામાન્ય રીતે ચકલીના માળાઓ બનાવવાના સ્થાનો હતા. આથી ચકલીઓને બચ્ચા ઉછેરવાની બાબતમાં મોટો વિક્ષેપ પડ્યો. જેને લીધે આજે આપણને ચકલીની સંખ્યા ઓછી થયેલી જોવા મળી. જેના કારણો સ્પષ્ટ છે, તો ચકલીના સંરક્ષણ-સવર્ધન માટે આજે તેના માળાના સ્થાનોની પૂર્તિ કરવી તે તાતી જરૂરિયાત છે. (ચકલીને ઝાડ પર માળો બનાવતા આવડતુ નથી)

આ ભગીરથ કાર્યને પહોંચી વળવા 'નવરંગ નેચર કલબ' રાજકોટ દ્વારા બીંડુ ઝડપવામાં આવ્યું છે. ચકલીના કૃત્રિમ પરંતુ વૈજ્ઞાનિક સૂઝ વાળા માળાઓ આ સંસ્થા તદ્ન નજીવા ખર્ચથી પૂરા પાડે છે. આપણા નિવાસ સ્થાનોની સલામત જગ્યાએ લગાવવાથી ચકલી આપણે ત્યાં આવતી થઇ છે તેવા પ્રાથમિક અવલોકનો પણ છે. આપણને મળેલા આ આશાસ્પદ પરિણામોથી દરેક ઘર પોતાની અનુકુળતા મુજબ આવા કૃત્રિમ માળાઓ લગાવે તેવી દર્દભરી અપીલ ચકલીઓની જ છે... કે જેથી આપણી આવનારી પેઢીને જૂની વાર્તા કહીએ ત્યારે ચકલી વિષેની સંકલ્પના બાળકને સમજાવી ન પડે.

સાથે-સાથે ઘરમાં થતાં વંદા, કંસારી જેવા કીટકો પર આપો આપ નિયંત્રણ આવશે. અહિં હજુ વધુ સારૂ પરિણામ મેળવવા ચકલી માટેના ચણની  છાબડી અને પાણી-પીવા માટેનું પાત્ર મૂકવું જે આપણને પંખીઓને ચણ નાંખ્યાનો આત્મ સંતોષ પણ આપશે. ચકલીનું ઘર જાતે બનાવી શકાય ૫*૫ ઇંચના લાકડાનું અથવા પૂંઠાના ઘર બનાવી શકાય. ખેતરના સેઢે એક લાઇન જુવાર અથવા બાજરાનું વાવેતર પક્ષીઓ માટે કરી શકાય, શાળા, કોલેજો કે સંસ્થાઓ ચકલી ઘર વિતરણના પવિત્ર કામમાં વધુમાં વધુ જોડાય તેવી વિનંતી સાથે આ પુણ્યનું કામ જરૂરથી કરજો.

ચકલીના પુઠાના માળાની શરૂઆત ભારત ભરમાં 'નવરંગ નેચર કલબ-રાજકોટ'વર્ષ ૨૦૧૦માં શરૂ કરેલ.

માળો કયા લગાવશોઃ

(૧) રવેશ કે બાલ્કનીની નીચે કે જયા કયારેય સુર્ય પ્રકાશ પડવો જોઇએ નહિ. (૨)માળો સ્થિર રાખવો. હલતો માળો ઓછો ફાવે છે. (૩)બીલાડી ન પહોંચી શકે ત્યાં માળો રાખવો. (૪)ઝાડ પર માળો લગાવશો નહી (૫)આ માળો બે વર્ષ સુધી ટકતો હોય છે. (૬)આજુ બાજુ ઇલેકટ્રીક પંખો હોવો જોઇએ નહી.

થયેલ કામગીરીઃ

વર્ષ ૨૦૧૦ થી ૨૦૧૮ કુલ ૫ (પાંચ લાખ) માળાનું વિતરણ થયેલ છે.

વર્ષ ૨૦૧૯માં ૧,૫૦,૦૦૦ (એક લાખ) ચકલીના માળાનું વિતરણ લક્ષ્યાંક છે વધારે વિગતો માટે વી.ડી.બાલા મો.૯૪૨૭૫ ૬૩૮૯૮નો સંપર્ક થઇ શકે છે.

(3:44 pm IST)