Gujarati News

Gujarati News

News of Wednesday, 13th March 2019

૧૪ માર્ચ... વિશ્વ કિડની દિવસ...

તંદુરસ્ત કિડની : સર્વ માટે સર્વત્ર

ભારત અને વિશ્વભરમાં કિડનીના રોગોનું પ્રમાણ ભયજનક રીતે વધતુ જાય છે. કિડનીના રોગો અંગે જનજાગૃતિ માટે વિશ્વના ૧૦૦થી વધુ દેશોમાં ૧૪ માર્ચ, ૨૦૧૯ ગુરૂવારે ''વિશ્વ કિડની દિવસ'' ઉજવવામાં આવશે. આ વિશ્વ કિડની દિવસનું સ્લોગન - ''તંદુરસ્ત કિડની : સર્વ માટે, સર્વત્ર'' છે. કિડની એજ્યુકેશન વેબસાઈટ તે વિશ્વભરમાં આ સ્લોગનને પૂર્ણ કરી યથાયોગ્ય માહિતી આપતી એકમાત્ર વેબસાઈટ છે. ૩૭ ભાષામાં ઉપલબ્ધ વેબસાઈટનો લાભ વિશ્વભરના લોકો દુનિયાના કોઈપણ ખુણેથી મફત લઈ શકે છે. વિશ્વમાં સૌપ્રથમ વખત ૩૭ ભાષામાં કિડની અંગે વિનામુલ્યે સંપૂર્ણ માહિતી આપતી વેબસાઈટ, તે આ દિવસે વિશ્વભરના લોકો માટે ''કિડની એજ્યુકેશન ફાઉન્ડેશન'' તરફથી અમૂલ્ય ભેટ છે. રાજકોટમાં વરિષ્ઠ કિડની નિષ્ણાંત ડો.સંજય પંડ્યા દ્વારા નિર્મિત www.KidneyEducation.com વેબસાઈટમાં કિડનીના રોગ અટકાવવા અને તેની સારવાર અંગે લોક ઉપયોગી સરળ માહિતી ૨૫ આંતરરાષ્ટ્રીય ભાષામાં અને ૧૨ ભારતીય ભાષામાં આપેલ છે.

કિડનીના રોગો : એક ગંભીર સમસ્યા કિડનીના રોગો અંગે ચોંકાવનારી માહિતીઓ

 કિડનીના જુદા જુદા રોગો અને ક્રોનિક કિડની ડીસીઝના દર્દીઓની સંખ્યામાં ભયજનક વધારો થઈ રહ્યો છે. દર દસમાંથી એક વ્યકિતને કિડનીનો પ્રશ્ન થવાનો ભય રહે છે.

 વિશ્વભરમાં ૮૫ કરોડથી વધુ લોકો કિડનીના રોગનો ભોગ બને છે.

 ૨૪ લાખ લોકો દર વર્ષે સી.કે.ડી.ને કારણે મૃત્યુ પામે છે અને જીવલેણ રોગોના લીસ્ટમાં સી.કે.ડી છઠ્ઠા ક્રમે આવતો ગંભીર રોગ છે.

 ડાયાબીટીસ અને લોહીનું ઉંચુ દબાણ તે કિડની બગડવાના સૌથી મહત્વના કારણો છે.

 ક્રોનિક કિડની ડિસીઝ ન મટી શકે તેવો ગંભીર રોગ છે. આ રોગના અંતિમ તબક્કાની સારવારના બે વિકલ્પો જીવનભર ડાયાલીસીસ અને કિડની ટ્રાન્સપ્લાન્ટેશન છે.

 ડાયાબીટીસ અને કિડની ટ્રાન્સપ્લાન્ટેશન ભારે ખર્ચાળ અને ઓછા સ્થળોએ ઉપલબ્ધ હોવાને કારણે ભારતમાં ફકત પાંચ થી ૬ ટકા દર્દીઓમાં જ શકય બને છે.

 યોગ્ય કાળજી દ્વારા કિડની રોગ થતાં અટકાવી શકાય છે. વહેલા નિદાન દ્વારા રોગ મટી શકે છે અથવા યોગ્ય સારવાર અને પરેજી દ્વારા લાંબા સમય સુધી તબિયત સારી રાખી શકાય છે.

 વિશ્વ કિડની દિવસનો હેતુ લોકોમાં કિડનીના રોગો અંગે જાગૃતિ કેળવવી અને તેને અટકાવવા અથવા તેનું વહેલુ નિદાન કરવુ તે છે.

કિડનીના રોગોને અટકાવવા અને તેની કાળજી માટે વિશ્વભરના દરેક ભાગમાં રહેતા બધા જ લોકોને કિડની અંગે પ્રાથમિક માહિતી હોવી જરૂરી છે.

સી.કે.ડી. એટલે શું?

કિડની ફેલ્યર એટલે કિડનીની કાર્યક્ષમતામાં ઘટાડો થવો. લોહીમાં ક્રિએટીનીનનું પ્રમાણ વધારે હોય તે કિડની ફેલ્યર સુચવે છે. ધીમે ધીમે લાંબેગાળે ન સુધરી શકે તે રીતે બંને કિડની બગડે તેને ક્રોનિક કિડની ડિસીઝ એટલે કે સી.કે.ડી. કહે છે.

સી.કે.ડી.ની તકલીફ છે તેનો ખ્યાલ કઈ રીતે આવે?

કિડનીની કાર્યક્ષમતામાં નોંધપાત્ર ઘટાડો ન થાય ત્યાં સુધી રોગના કોઈ ચિન્હો જોવા મળતા નથી. ક્રોનિક કિડની ફેલ્યરના વહેલા નિદાન માટે રોગના મહત્વના લક્ષણો અંગે જાણો.

કિડની રોગના ચેતવણીજનક ચિન્હો

 નબળાઈ લાગવી, થાક લાગવો.

 ખોરાકમાં અરૂચી, ઉલ્ટી - ઉબકા થવા.

 આંખ પર સવારે સોજા આવવા. મોં અને પગ પર સોજા આવવા.

 નાની ઉંમરે લોહીનું ઉંચુ દબાણ હોવું અને દવા છતાં યોગ્ય કાબુ ન હોવો.

 લોહીમાં ફિક્કાશ હોવી.

 પેશાબ ઓછો આવવો, પેશાબમાં ફીણ થવા, પેશાબ કરવામાં તકલીફ થવી, રાત્રે પેશાબ કરવા વધુ જવુ પડવું.

જો કોઈ વ્યકિતને ઉપર મુજબના ચિન્હો હોય તો વહેલાસર ડોકટર પાસે જઈ તપાસ કરાવવી જરૂરી છે.

સી.કે.ડી.નું જોખમ વધુ કયારે?

કિડનીની તકલીફ કોઈપણ વ્યકિતને કોઈપણ ઉંમરે થઈ શકે છે. પરંતુ નીચેના પ્રશ્નોની હાજરીમાં કિડની રોગ થવાનું જોખમ વધારે રહે છે.

 ડાયાબીટીસની બિમારી અથવા લોહીનું દબાણ ઉંચુ હોવું.

 કુટુંબમાં અન્ય સભ્યોને કિડનીનો રોગ થયો હોય.

 લાંબા સમય માટે દુઃખાવાની દવા લીધી હોય.

 મૂત્રમાર્ગમાં જન્મજાત ખોડ હોય

 જાડાપણુ હોવુ, ધુમ્રપાનની ટેવ હોવી.

કિડની ચેકઅપ સરળ - ફકત આટલુ કરો

કિડનીના રોગના વહેલા નિદાન દ્વારા જીવલેણ રોગથી બચી શકાય છે. કિડનીના રોગના વહેલા નિદાન માટેની સરળ પદ્ધતિ તે લોહીનું દબાણ મપાવવું અને લોહી પેશાબની તપાસ કરાવવી તે છે. લોહીના દબાણમાં વધારો, પેશાબની તપાસમાં પ્રોટીનની હાજરી અને લોહીમાં ક્રિએટીનની માત્રામાં વધારો તે સી.કે.ડી.ની પહેલી નિશાની હોઈ શકે છે.

કિડનીના રોગોથી બચવા શું કરશો?

કિડનીના રોગ અટકાવવાના ૯ સોનેરી સુચનોઃ-

(૧) નિયમીત કસરત કરવી, શરીર તંદુરસ્ત રાખવું.

(૨) ડાયાબીટીસનો હંમેશા યોગ્ય કાબુ રાખવો

ડાયાબીટીસનાં ૫૦% જેટલા દર્દીઓમાં કિડનીને નુકશાન થવાનો ભય રહે છે. ડાયાબીટીસના દરેક દર્દીએ વર્ષમાં એક વખત તો અચુક કિડની ચેકઅપ (લોહીનું દબાણ, પેશાબમાં પ્રોટીન અને લોહીમાં ક્રિએટીનની તપાસ) કરાવવું જોઈએ.

(૩) લોહીના દબાણનો યોગ્ય કાબુ રાખવો.

લોહીનું દબાણ ૧૩૦/૮૦થી ઓછું રાખવું તે કિડનીની સુરક્ષા માટે અત્યંત મહત્વનું છે. લોહીનું ઉંચુ દબાણ હાઈબ્લડ પ્રેશર ક્રોનિક કિડની ફેલ્યરનું મહત્વનું કારણ છે.

(૪) પોષ્ટિક ખોરાક લેવો, યોગ્ય વજન જાળવવું

ખોરાકમાં નમક (મીઠું), ખાંડ, ઘી - તેલ અને ફાસ્ટફુડનો ઉપયોગ ઓછો કરવો. શાકભાજી, ફળો અને રેસાવાળા ખોરાકનું પ્રમાણ વધારે રાખવું. મીઠું (નમક) રોજ ૫-૬ ગ્રામથી ઓછું લેવું જોઈએ.

(૫) પાણી વધારે પીવું

તંદુરસ્ત વ્યકિતએ રોજ ૨ લીટર (૧૦-૧૨ ગ્લાસ)થી વધુ પાણી પીવું. પુરતા પ્રમાણમાં પ્રવાહી લેવાની ટેવ શરીરમાંથી બીનજરૂરી કચરો અને ક્ષારને દૂર કરવા જરૂરી છે. પથરીની તકલીફ થઈ હોય તેવી વ્યકિતએ રોજ ૩ લીટરથી વધારે પ્રવાહી લેવું જોઈએ.

(૬) ધુમ્રપાન, તમાકુ, ગુટકા, માવા, દારૂનો ત્યાગ કરવો.

(૭) ડોકટરની સલાહ વગર દવાઓ (ખાસ કરીને દુઃખાવા માટેની દવાઓ) ન  લેવી.

(૮) રૂટીન હેલ્થ ચેકઅપ

તમને જાણીને નવાઈ લાગશે કે બંને કિડની ૯૦% જેટલી બગડે ત્યાં સુધી ઘણા દર્દીઓમાં રોગના કોઈ ચિન્હો જોવા મળતા નથી. આ કારણસર કિડનીની તકલીફ થવાની શકયતા વધારે હોય ત્યારે અને ૪૦ વર્ષની ઉંમર બાદ દરેક વ્યકિતઓએ દર વર્ષે હેલ્થ ચેકઅપ કરાવવું જોઈએ.

(૯) કિડનીના રોગના ચિન્હો જોવા મળે ત્યારે વહેલાસર ડોકટર પાસે તપાસ કરાવવી અને વહેલા નિદાન બાદ નિયમીત દવા લેવી અને પરેજી રાખવી. પથરી પેશાબનો ચેપ, મોટી ઉંમરે પુરૂષોમાં બી.પી.એચ.ની તકલીફ વગેરે માટે યોગ્ય તપાસ કરાવવી જરૂરી સારવાર લેવી.(૩૭.૫)

તંદુરસ્ત કિડની : વિશ્વની એકમાત્ર ૩૭ ભાષામાં વેબસાઈટ www.KidneyEducation.com

 તંદુરસ્ત કિડની સર્વ માટે ૩૭ ભાષામાં

દરેક વ્યકિત પોતાની માતૃભાષામાં જાણકારી મેળવી શકે તે માટે આ વેબસાઈટમાં ૩૭ ભાષાઓમાં કિડની વિશે માહિતી વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

 તંદુરસ્ત કિડની અંગે સર્વત્ર પ્રસાર માટે વેબસાઈટ માધ્યમ

વિશ્વના દરેક ભાગમાં સરળતાથી માહિતી નિઃશુલ્ક માટે તે માટે કિડની અંગે જાણકારીનો ખજાનો વેબસાઈટ રૂપે

 એક જ કલીકમાં સર્વ માહિતી

૩૭ ભાષામાં ઉપલબ્ધ ૨૦૦ પાનાના તમારી કિડની બચાવો પુસ્તક દ્વારા કિડનીના જુદા જુદા રોગો અંગેના બધા જ પ્રશ્નોના જવાબો આ એક જ વેબસાઈટમાં મળી શકશે.

 સૌથી વધુ ભાષામાં જાણકારી

આ વેબસાઈટમાં કિડની અંગેનું ૨૦૦ પાનાનું પુસ્તક વિશ્વની વિવિધ ૩૭ ભાષાઓમાં ઉપલબ્ધ છે કે જેમાં ૨૫ આંતરરાષ્ટ્રીય અને ૧૨ ભારતીય ભાષાનો સમાવેશ થાય છે.

 વર્લ્ડ રેકોર્ડ એવોર્ડ સન્માનિત વેબસાઈટ

એક જ વેબસાઈટમાં વિશ્વમાં સૌથી વધુ ૩૭ ભાષામાં પુસ્તકના અમૂલ્ય યોગદાન માટે કિડની એજ્યુકેશન વેબસાઈટને વર્લ્ડ રેકોર્ડ એવોર્ડ એનાયત.

 ૫ કરોડ હિટ્સ

૧૦૦ મહિનાઓમાં ૫ કરોડ હિટ્સ સાથે કિડની અંગે માહિતી આપવામાં વિશ્વભરમાં અગ્રેસર.

 વિશ્વનીય માહિતી માટે આંતરરાષ્ટ્રીય કિડની નિષ્ણાંતોની ટીમ

૧૦૦થી વધુ વિશ્વના સેવાભાવી કિડની નિષ્ણાંતો દ્વારા ૩૭ ભાષામાં કિડની ગાઈડ તૈયાર કરવામાં આવી.

 વિશ્વના વરિષ્ઠ નેફ્રોલોજીસ્ટ દ્વારા યોગદાન

''ઈન્ટરનેશનલ સોસાયટી ઓફ નેફ્રોલોજી''ના પ્રમુખ તરીકેની સેવા દરમિયાન ડો.રેમુઝીએ ડો.પંડ્યા દ્વારા લેખિત કિડની બચાવો પુસ્તક ઈટાલીયન ભાષામાં તૈયાર કરેલ અને ''ઈન્ટરનેશનલ ફેડરેશન ઓફ કિડની ફાઉન્ડેશન''ના પ્રમુખ તરીકેની સેવા દરમિયાન ડો.ગારસીયાએ સ્પેનીશ ભાષામાં કિડનીની વેબસાઈટ તૈયાર કરેલ જે કિડની અંગે જનજાગૃતિની ઝુંબેશમાં આંતરરાષ્ટ્રીય સ્તરે વિશ્વાસ અને પ્રચંડ સમર્થન સુચવે છે.

 જાણકારી માટે વિવિધ વિકલ્પો

અનુકુળતા મુજબ વાંચન કરવા માટે ઓનલાઈન રીડીંગ પીડીએફ અને ઈપીયુબી ડાઉનલોડ તથા વ્હોટ્સએપ દ્વારા પુસ્તક મેળવવાના મનપસંદ વિકલ્પો.

 વિશ્વમાં પ્રથમ વખત વ્હોટ્સએપ દ્વારા પુસ્તક

મોબાઈલમાં એક કલીક કરો અને મનપસંદ ભાષામાં કિડની પુસ્તક નિઃશુલ્ક મેળવો.

વ્હોટ્સએપ કરો : ૯૪૨૬૯ ૩૩૨૩૮

 તટસ્થ સચોટ માહિતી

સ્પોન્સરશીપ, એડવર્ટાઈઝમેન્ટ કે ડોનેશન વગરની આ વેબસાઈટ કિડની વિશે તટસ્થ માહિતી આપશે.

 જનજાગૃતિ અભિયાન

રાજકોટના સીનીયર નેફ્રોલોજીસ્ટ (કિડની નિષ્ણાંત) ડો.સંજય પંડ્યા દ્વારા ગુજરાતી ભાષામાં ''તમારી કિડની બચાવો'' પુસ્તકના વર્ષ ૨૦૦૬માં પ્રકાશન સાથે જનજાગૃતિના અભિયાનની શરૂઆત કરવામાં આવી. આ પ્રયાસને અપ્રતિમ પ્રતિભાવો સાંપડતા આ પુસ્તકનું રૂપાંતર ૩૭ ભાષામાં ભારતના અને વિશ્વભરના કિડની નિષ્ણાંતોની મદદથી કરવામાં આવ્યુ અને વિશ્વભરના લોકો આ માહિતીનો લાભ લઈ શકે તે માટે વેબસાઈટ બનાવવામાં આવી.

 વિકીપીડીયામાં માહિતી

કિડની એજ્યુકેશન વેબસાઈટ અંગે વિકીપીડીયામાં આપવામાં આવેલ વિસ્તૃત માહિતી આ વેબસાઈટની મહત્તતા સુચવે છે.

ડો. સંજય પંડ્યા

એમ. ડી., ડી. એન. બી., કિડની રોગ નિષ્ણાંત, કિડની એજ્યુકેશન ફાઉન્ડેશન, ભૂતખાના ચોક, એસ. ટી. બસ સ્ટેન્ડ પાસે, રાજકોટ

ફોન : ૦૨૮૧-૨૨૨૨૦૭૭, ૨૨૩૫૩૮૭, ૨૨૩૯૦૮૫

E-mail : saveoyourkidney@yahoo.co.in

(3:43 pm IST)