Gujarati News

Gujarati News

News of Wednesday, 13th March 2019

રાજકોટ બેઠક પરથી ચૂંટણી લડી શકે છે વડાપ્રધાન

ભાજપમાંથી નરેન્દ્રભાઇ મોદી જ બે બેઠક પરથી લડશે : વારાણસીની જાહેરાત થઈ ગઈ છે ત્યારે બીજી બેઠક હોઈ શકે છે રાજકોટ : આ રહ્યા કારણો : એરપોર્ટ, એઈમ્સ, આજી - ન્યારીમાં નર્મદા નીર, ન્યુ રેસકોર્ષ, ગાંધી મ્યુઝીયમ, જીઆઈડીસી, મવડી - રૈયા ઓવરબ્રીજ, તાકીદે ૪૧૫ કરોડની આવાસ યોજના હજુ નવા ૮ બ્રીજ અને આજી રિવરફ્રન્ટ પણ તુર્તમાં : રાજકોટ બેઠકમાં ૭ વિધાનસભા બેઠકમાંથી ૬ ભાજપ પાસે : સૌથી સલામત બેઠક રાજકોટની કોંગ્રેસીઓ છે વેરવિખેર : ઉમેદવારના નથી ઠેકાણા : સૌરાષ્ટ્રમાં કડવા પાટીદારને આપી શકાય તેવી માત્ર રાજકોટ બેઠક છે ત્યારે છ માસ બેઠક ખાલી પડતા કુંડારીયાને લડાવાશે? : પોરબંદર - અમરેલી લેઉવા પાટીદાર, સુ.નગર, ભાવનગર, જૂનાગઢ બેઠક ઓબીસીને, કચ્છ બેઠક છે અનામત

રાજકોટ, તા. ૧૩ : વર્ષો પહેલા ભાજપનું ચૂંટણી સૂત્ર હતું ''એક તક ભાજપને'' આ તક ગુજરાતના મતદારોએ આપી, બસ પછી તો ''જેઠો બેઠો ઈ બેઠો'' આજે વર્ષોથી ભાજપે સિંહાસન પર કબ્જો જમાવ્યો છે. રાજકોટવાસીઓને પણ ''એક તક વડાપ્રધાન ને મત'' આવી તક મળવાના ''ચાન્સીસ'' ઘણા ઉજળા છે. કારણોસભર અમારૂ અનુમાન છે કે રાજકોટ બેઠક પરથી ચૂંટણી લડી શકે છે ગુજરાતના પનોતા પુત્ર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી. આ અંગેનો સ્પષ્ટ નિર્દેશ ''અકિલા'' અગાઉ પણ આપી ચૂકયુ છે.

મુખ્યમંત્રીપદે રાજકોટના પનોતા પુત્ર વિજયભાઈ બિરાજમાન થયા બાદ રાજકોટ શહેર તથા જીલ્લાને વિકાસકાર્યોથી રીતસરના ધરવી દીધા છે તેમ કહી શકાય. એમાંય રાજકોટવાસીઓને તો હિરાસર એરપોર્ટ, એઈમ્સ, આજી - ન્યારીમાં નર્મદા નીર ઠાલવી કાયમી કકળાટને તિલાંજલી, ન્યુ રેસકોર્ષ, ગાંધી મ્યુઝીયમ, જીઆઈડીસી, મવડી - રૈયાના બ્રીજ, હજુ નવા ૮ બ્રીજનો ધમધમાટ તુર્તમાં શરૂ થઈ જશે. આજી રિવરફ્રન્ટના કામને પણ મુખ્યમંત્રી વિજયભાઈએ અગ્રતા આપીને હાલ હાથ પર લીધુ છે.

આ ઉપરાંત છેલ્લે છેલ્લે ફટાફટ ૪૧૫ કરોડની આવાસ યોજના પણ મંજૂર કરી દેવાઈ છે.

આ ઉપરાંત નાની - મોટી ઉપલબ્ધીઓ તો ઘણી બધી લખી શકાય તેમ છે ત્યારે રાજકોટને સ્વચ્છતામાં ૯માં ક્રમે મૂકાવી દઈને સ્માર્ટ સીટી પર દોટ મૂકાવી છે ત્યારે રાજકોટવાસીઓ જ નહિં પરંતુ સૌરાષ્ટ્રવાસીઓ અને ગુજરાતવાસીઓ પણ સ્પષ્ટ માની રહ્યા છે કે રાજકોટ લોકસભા બેઠક સંપૂર્ણ રીતે ભાજપ માટે સલામત બની ગઈ છે ત્યારે વારાણસી ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અન્ય બેઠક રાજકોટ હોઈ શકે છે.

ભાજપમાંથી માત્રને માત્ર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ બે બેઠકો પરથી ચૂંટણી લડવાના છે તે નક્કી છે ત્યારે નરેન્દ્રભાઈ માટેની બીજી બેઠક રાજકોટ જ હોઈ શકે તેવુ દૃઢ મનોબળ સાથે સૌ કોઈ અનુમાન લગાવી શકે તે સ્વાભાવિક છે.

નરેન્દ્રભાઈ મોદી રાજકોટથી લડી શકે અને પાંચેક લાખ મતોથી જીતી શકે તે માટેના વિકાસ કાર્યો ઉપરાંત રાજકીય કારણો જોઈએ તો રાજકોટમાં ૭ વિધાનસભા બેઠક આવે છે. રાજકોટ એક, બે, ત્રણ અને ગ્રામ્ય ઉપરાંત ગોંડલ, જસદણ, પડધરી, ટંકારા આ સાતમાંથી હાલ ૬ ધારાસભા બેઠક ભાજપ પાસે છે. એક માત્ર પડધરી ટંકારા બેઠક કોંગ્રેસના લલીત કગથરા પાસે છે. આ ઉપરાંત રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ તથા રાજકોટ જિલ્લા કોંગ્રેસ સમિતિ

સાવ વેરવિખેર છે. આંતરીક જૂથબંધી, કચવાટ, બળવો સહિતની પરિસ્થિતિ વચ્ચે રાજકોટ લોકસભા બેઠક કોણ લડી શકે તે માટે ઉમેદવારના કોઈ ઠેકાણા નથી. લડવાની ઈચ્છા ધરાવનારા કોઈ કાળે જીતી શકે તેમ નથી.

સૌરાષ્ટ્રની લોકસભા બેઠકોની વાત કરીએ તો પોરબંદર - અમરેલી બેઠકો, સુરેન્દ્રનગર, ભાવનગર અને જૂનાગઢ બેઠક ઓબીસી ઉમેદવારને વધુ અનુ કૂળ આવે તેવી બેઠકો છે. કચ્છ લોકસભા બેઠક અનામત બેઠક છે ત્યારે કડવા પાટીદાર માટેની બેઠક ગણીએ તો રાજકોટની બેઠક ગણી શકાય અને તેમાં કોઈ ''અગમ્ય'' કારણોસર વિરોધનો સુર ઉઠાવાઈ ગયો છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમના ગજા પ્રમાણેની પ્રચંડ સરસાઈથી જીતી શકે તેવી બેઠક એકમાત્ર રાજકોટ માની શકાય.

મોદીજી બંને બેઠકો પરથી સ્પષ્ટ પણ જીતી જશે ત્યારે બાદમાં મોહનભાઈ કુંડારીયા કે કડવા પાટીદાર ઉમેદવારને છ માસ બાદ ફરી મેદાને ઉતારીને જીતાડી શકાય તેવી બેઠક પણ રાજકોટની જ છે તે નિર્વિવાદ વાત છે.

રાજકોટ માટે ''મોસાળે'' જમણ અને મા ''પીરસનાર''ની કહેવત બદલાઈ ગઈ છે અને ઘરમાં જ જમણ અને પનોતો પુત્ર પીરસનાર જેવો ધાર ઘડાયો છે. વિજયભાઈ રૂપાણી રાજયના મુખ્યમંત્રી બન્યા બાદ રાજકોટને વિકાસ કામો બાબતે ઓડકાર આવી જાય તેવી રીતે ધરબી દીધા છે અને હજુ કેટલીયે યોજનાઓ તેમણે યુદ્ધના ધોરણે હાથ પર લીધી છે ત્યારે રાજકોટનું ઋણ ચૂકવવાના ઈરાદા સાથે તેમના આદરણીય નેતાનું ઋણ અદા કરવાનો પણ દૃઢ ઈરાદો હોય શકે તેવુ રાજકીય તજજ્ઞો માને તો તેમાં ખોટુ પણ શું છે?

આ ઉપરાંત રાજકોટ વાસીઓએ નરેન્દ્રભાઈને મુખ્યમંત્રી બન્યા ત્યારે પણ અપાર પ્રેમ આપ્યો છે તેઓ અવાર નવાર રાજકોટના ઋણી હોવાનું કહે છે તો વધુ એક વાર રાજકોટવાસીઓને ખોબલે ખોબલે  સહાનુભૂતિ વ્યકત કરવાની તક આપે તે પણ સ્વાભાવિક વાત છે.

આજી અને ન્યારી બંનેમાં આવેલા નર્મદાના નીરને નરેન્દ્રભાઈ મોદી જ વધામણા કરે તે જોગાનુજોગ પણ હોઈ શકે. આ ઉપરાંત રાજકોટ બેઠકની પસંદગી માટે એક અન્ય રાજકીય કારણ એવું પણ કહી શકાય કે રાજકોટ બેઠક પર લઘુમતી મતદારોની સંખ્યા પણ ઓછી છે જો કે ગુજરાતના લઘુમતી મતદારોએ હંમેશા નરેન્દ્રભાઈ મોદીને લાગણીપૂર્વક વધાવ્યા છે. ઉપરોકત મુદ્દાઓ, ધરણાઓ, અનુમાનો, રાજકીય સમીકરણોને ધ્યાને લઈએ તો રાજકોટ લોકસભા બેઠકના મતદારોને ભારતના રાજકીય ઈતિહાસમાં સૌપ્રથમવાર વર્તમાન વડાપ્રધાન અને સંભવિત વડાપ્રધાનને મત આપવાનુ ઐતિહાસિક સૌભાગ્ય મળવાની તકો ઘણી ઉજળી છે.

(3:34 pm IST)