Gujarati News

Gujarati News

News of Wednesday, 13th March 2019

રાજકોટમાં બોર્ડના ધો-૧૦ના ગણિતના પેપરમાં વિદ્યાર્થી મોબાઇલ સાથે ઝડપાયો

ટાગોર રોડની શ્રી મહારાણી લક્ષ્મીબાઇ કન્યા વિદ્યાલયમાં બનાવઃ આચાર્યએ કાર્યવાહી કરી પોલીસ ફરિયાદ નોંધાવીઃ આનંદનગરના છાત્ર ધવલ ગોસ્વામી સામે ગુનો દાખલ

રાજકોટ તા. ૧૩: ટાગોર રોડ પર ભકિતનગર રેલ્વે સ્ટેશન પાસે આવેલી શ્રી મહારાણી લક્ષ્મીબાઇ કન્યા વિદ્યાલયમાં ગઇકાલે ધોરણ-૧૦ના ગણિત વિષયના પેપરમાં એક છાત્ર મોબાઇલ ફોન સાથે ઝડપાતાં સ્કૂલના આચાર્યએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

એ-ડિવીઝન પોલીસે દોઢસો ફુટ રીંગ રોડ પર ચંદ્ર પાર્ક-૯માં રહેતાં અને શ્રી મહારાણી લક્ષ્મીબાઇ કન્યા વિદ્યાલયમાં આચાર્ય તરીકે ફરજ બજાવતાં વાલજીભાઇ પ્રેમજીભાઇ ગાજીપરા (પટેલ) (ઉ.૫૩)ની ફરિયાદ પરથી આનંદનગર કોલોની નિલકંઠ ટોકિઝ સામે કવાર્ટર નં. ૬માં રહેતાં ધવલ અશોકગીરી ગોસ્વામી સામે જીપીએકટ ૧૯૫૧ની કલમ ૩૩ (૧), ૧૩૧ મુજબ બોર્ડની પરિક્ષામાં મોબાઇલ ફોન સાથે રાખવા પર પ્રતિબંધ હોવા છતાં પરિક્ષા ખંડમાં મોબાઇલ ફોન સાથે આવવા સબબ ગુનો નોંધાયો હતો.

આચાર્ય વાલજીભાઇ પટેલે ફરિયાદમાં જણાવ્યું છે કે પોતાની સ્કૂલમાં ધોરણ-૧૦ બોર્ડનું પરિક્ષા કેન્દ્ર હોઇ ૧૨મીએ સવારે ૧૦ થી ૧૩:૨૦ સુધી ગણિતના પેપરની પરિક્ષા હતી. આથી પોતે ઓફિસમાં બેઠી સ્કૂલના દરેક વર્ગના સીસીટીવી કેમેરા ચેક કરી રહ્યા હતાં. એ વખતે આશરે ૧૨:૨૦ કલાકે બ્લોક નં. ૭૪માં એક છાત્ર ખિસ્સામાંથી મોબાઇલ ફોન કાઢતો કેમેરામાંં દેખાતા જ પોતે ત્યાં ગયા હતાં અને સુપરવાયઝરને જાણ કરી હતી. આ છાત્રની રિસિપ્ટ તપાસતાં તેનું નામ ધવલ અશોકગીરી ગોસ્વામી હોાવનું જણાયું હતું. તેની પાસનો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન હોઇ પરિક્ષાના નિયમો મુજબ તે કબ્જે કરી રાજકમા કર્યુ હતું અને તેનું પ્રશ્નપત્ર તથા ઉત્તરવહી શીલ કરી ગાંધીનગર શિક્ષણ બોર્ડને મોકલી આપવા કાર્યવાહી કરી હતી. એ પછી ઝોનલ ઓફિસર સંજયભાઇ ડોડીયાની સુચના પરથી ફરિયાદ નોંધાવવા કાર્યવહી કરી હતી.

એ-ડિવીઝનના પી.આઇ. એન. કે. જાડેજાની રાહબરીમાં પીએસઆઇ પી. પી. ચાવડાએ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.

(12:04 pm IST)