Gujarati News

Gujarati News

News of Wednesday, 13th February 2019

પોલીસ પાર્ટી ઉપર હુમલો કરી લૂંટ કરવાના ગુનામાં પકડાયેલ આરોપીઓનો છૂટકારો ફરમાવતી કોર્ટ

રાજકોટ, તા. ૧૩ : નાઇટ પેટ્રોલીંગમાં નોકરી દરમ્યાન પોલીસ પાર્ટી ઉપર હુમલો કરી મોબાઇલ લૂંટી લેવાના ગુનામાં પકડાયેલ આરોપી ગૌતમ નિર્મળભાઇ કાનગડ તથા ભરતભાઇ નિર્મળભાઇ કાનગડ સામેનો કેસ ચાલી જતા રાજકોટના જયુડી. મેજી.શ્રી અમલાણીએ નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો હુકમ ફરમાવેલ છે.

કુવાડવા પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ ડાયાભાઇ સુરાભાઇ બાવળીયાએ તારીખ ર/૯/૧રના રોજ કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ આપેલ અને ફરીયાદની વિગતમાં જણાવેલ છે કે, આ બંને આરોપીએ ફરીયાદી તેમજ પોલીસ સ્ટાફ સાહેદો પોતાની કાયદેસરની ફરજ .પર વાહન ચેકીંગ કરતા હતા ત્યારે આરોપીઓ પોતાની શીફટ કાર નં. જીજે૦૩-ડી.એન. ૭૭પ૦ની લઇ નીકળતા જેઓને ફરીયાદી તથા સાહેદોને રોકતા આરોપીઓ ઉશ્કેરાઇ જઇ ગાળો આપી અમારી કાર તમારાથી કેમ રોકાઇ તેમ કહી ફરીયાદીને ધક્કો મારી ખુલ્લી ગુપ્તી કાઢી કારમાંથી ઉતરી ઝઘડો કરી ફરજમાં અવરોધ કરી સરકારી નોકરો ઉપર હુમલો કરી ફરીયાદીનો મોબાઇલ ફોન લૂંટી લેવા અંગેની ફરીયાદ કરેલી.

સમગ્ર પુરાવો લેવાઇ ગયા બાદ બચાવપક્ષે એવી રજુઆત કરેલ કે, આ કામમાં સાહેદો ફરજ ઉપર હતાં તેવો કોઇ પુરાવો નથી. આ કામમાં સાહેદ સીવીલ ડ્રેસમાં હતા તેમજ પોલીસ તરીકે ઓળખાઇ તેવા કોઇ ચીન્હો રેકર્ડ ઉપર આવતા નથી, આ કામમાં સાહેદોને ગંભીર પ્રકારની ઇજા થઇ હોય તેવો કોઇ પુરાવો રજૂ થયેલ નથી.

ઉપરોકત દલીલો તેમજ પડેલ પુરાવાને ધ્યાનમાં લઇ ફરીયાદ પક્ષે પોતાનો કેસ નિશંકપણે સાબીત કરવામાં નિષ્ફળ ગયેલ હોય બંને આરોપીઓને રાજકોટના જયુડી મેજી.શ્રી અમલાણીએ નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો હુકમ ફરમાવેલ છે.

આ કામમાં ગૌતમ નિર્મળભાઇ કાનગડ તથા ભરતભાઇ નિર્મળભાઇ કાનગડ વતી રાજકોટના એડવોકેટ પીયુષભાઇ એમ. શાહ, અશ્વિનભાઇ ગોસાઇ, નિવીદભાઇ પારેખ, નિતેષભાઇ કથીરીયા, હર્ષીલભાઇ શાહ, વિજયભાઇ પટગીર, જીતેન્દ્રભાઇ ધુળકોટીયા, વિજયભાઇ વ્યાસ રોકાયેલા હતા.

(4:00 pm IST)