Gujarati News

Gujarati News

News of Wednesday, 13th February 2019

આંતરરાષ્ટ્રીય વેપાર મેળામાં આફ્રિકામાં ખેતીની તકો માટે સમજુતી કરાર થશે

રાજકોટ, તા.ે, ૧૩ : સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ આયોજીત આંતર રાષ્ટ્રીય વેપાર મેળામાં આફ્રિકન દેશો અને કંપનીઓ સાથે ગુજરાત સરકારનું સાહસ ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીયલ કોર્પોરેશન લીમીટેડ ખેતીના વિકાસ માટે વ્યુહાત્મક ભાગીદારી માટે સમજુતીનો કરાર કરશે. ઝામ્બીયા, સુદાન   અને કોંગો રીપ્લીક સાથે લગભગ  ૪૦ હજાર હેકટર જમીન માટેના સમજુતી કરાર થશે જેના દ્વારા આફ્રિકામાં ખેતી માટેની તકો વધુ ઉજવળ બનશે. સુદાન અને નાઇજીરીયા સાથે પણ આ અંગે વાતચીત ચાલી રહેલ છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે વિશ્વની લગભગ ૬૦ ટકા ખેતી લાયક જમીન આફ્રિકામાં છે પરંતુ ખેતીના અનુભવ અને ટેકનોલોજીના અભાવને કારણે જમીન ઉપયોગ કાર્ય વગર  પડી રહેલ છે. મોટા પાયે ખેતી કરવા માટેની આ ઉતમ તક છે અને તેમાં નાનામાં નાનો વ્યકિત કે જે ખાતેદાર ના હોય તો પણ કે ખેડુત આફ્રિકામાં ખેતીની જમીન લઇ શકે છે અને ખેતી કરી શકે છે.

આ કરાર તા.૧૪ ના ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીયલ કોર્પોરેશન લીમીટેડના ઉચ્ચ અધિકારી દ્વારા ઝામ્બીયા તથા સુદાનની કંપની અને કોંગોના એમ્બેસેડર સાથે એમ.ઓ.યુ. કરવામાં આવશે. વ્યુહાત્મક ભાગીદારી માટે સમજુતીનો કરાર ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લીમીટેડ (ગુજરાત સરકારનું એક સરકાર) અને ફીડાના લીમીટેડ ઝામ્બીયા વચ્ચે થવાની શકયતા છે. જે મુજબ નીચે દર્શાવેલ પ્રાથમીક સમજુતી થશે.

ફીડાના લીમીટેડ ઝામ્બીયાએ જીએઆઇસી (ગુજરાત એગ્રો)ની દેખરેખ હેઠળ વિવિધ એજન્સીઓના જુથની રચના કરીને કૃષિ અને ફ્રુડ પ્રોસેસીંગના ક્ષેત્રમાં વ્યુહાત્મક ભાગીદારી ઉભો કરવા માંગે છે. તે ક્ષમતા નિર્માણ માટે તાલીમ આપશે અને ફીડાના લીમીટેડ ઝામ્બીયામાં ટેકનોલોજી ટ્રાન્સફરને સરળ બનાવશે. તે કૃષિ અને ફુડ પ્રોસેસીંગના વિકાસ માટે ખેડુતોને ફોક સોલ્યુશન પુરૂ પાડશે. જેમાં કૃષિ-ઇનપુટ, ઉત્પાદન, પ્રક્રિયા સપ્લાય ચેઇન અને કૃષિ પેદાશોના માર્કેટીંગનો સમાવેશ થાય છે. એગ્રો કલસ્ટર અને અન્ય સુવિધાઓના વિકાસ માટે ૧૦૦૦૦ હેકટરની આવશ્યક ભુમી ફીડાના લીમીટેડ ઝામ્બીયા દ્વારા વિના મુલ્યે પ્રદાન કરવામાં આવશે.

ભારતની એક ટીમ બે મહીનાની અંદર ફીડાના લીમીટેડ ઝામ્બીયાની મુલાકાત લેશે અને ફીડાના લીમીટેડ ઝામ્બીયાની ટીમ આગામી બે મહિનામાં ભારતની મુલાકાત લેશે અને ત્યાર બાદ જમીનની ઓળખ થશે અને આગામી ૬ થી ૮ મહિનામાં પ્રોજેકટના અમલીકરણ માટે પધ્ધતીઓ તૈયાર કરવામાં આવશે જેથી કામ કરી શકાય. પ્રોજેકટ એક વર્ષમાં શરૂ કરવાનું ધ્યેય રાખવામાં આવેલ છે તેમ સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ યાદીમાં જણાવાયું છે. (૪.૧૦)

(3:58 pm IST)