Gujarati News

Gujarati News

News of Wednesday, 13th February 2019

રાજમોતી મીલના મેનેજરની હત્યાના કેસમાં વધુ ચાર ઈસમોને આરોપી તરીકે જોડવા કોર્ટમાં રિપોર્ટ

પોેલીસે જેઓને સાહેદ બનાવેલા તેવા ચાર શખ્સોને આરોપી તરીકે જોડવા પોલીસનો રિપોર્ટ

રાજકોટ, તા. ૧૩ :. રાજમોતી મીલના મેનેજર ઉપર પોલીસ ચોકીમાં મારકુટ કરવાના પ્રકરણમાં ચાર્જશીટ થયા બાદ સ્પે.પી.પી. શ્રી ચેતનભાઈ શાહ દ્વારા આ કામમાં ફેરતપાસ દરમ્યાન વધુ આરોપીઓને જોડાવવા માટેની અરજીની તપાસ મદદનિશ પોલીસ કમિશ્નર (ઉત્તર વિભાગ)ના શ્રી ટંડન દ્વારા એક લેખિત રિપોર્ટ કોર્ટમાં રજૂ કરેલ હતો.

આ રિપોર્ટમાં ધર્મેન્દ્ર રમણલાલ પટેલ, ત્રિકેશ કાંતિલાલ ગુર્જર, વિજયકુમાર દેવશી સિંધવ અને કૈલાષ પુષાજી મારવાડી જે ચારેય સાહેદોને ઓળખ પરેડ દરમ્યાન ઓળખી બતાવવામાં આવેલ હોય અને તપાસ દરમ્યાન પુરતા પુરાવા આવેલ હોય ઉપરોકત ચારેય શકદારોને આરોપીઓ તરીકે જોડવાનો લેખિત રિપોર્ટ કરેલ છે.

આ રિપોર્ટના આધારે કોર્ટે ફેરતપાસનો હુકમ કરેલ જેના અનુસંધાને તપાસ બાદ ઉપરોકત શકદારો વિરૂદ્ધ પુરાવો હોય આરોપી તરીકે જોડવા કોર્ટને જણાવેલ છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, રાજમોતી મીલના મેનેજરની હત્યાના ચકચારી ગુના અંગે પોલીસે આરોપીઓ સમીર ઈશ્વરલાલ ગાંધી, સમીર મધુકાંત શાહ, ક્રિપાલસિંહ રઘુવીરસિંહ ચુડાસમા તથા યોગેશ રમણલાલ ભટ્ટની ધરપકડ કરવામાં આવી હતી.

આ બનાવે ખૂબ જ ચકચાર મચાવી હતી. રાજમોતી મીલના મેનેજર દિનેશ દક્ષિણિની હત્યા અંગે પોલીસમાં ગુનો નોંધાયો હતો. જે અંગે પ્રથમ ઉપરોકત ઈસમોની ધરપકડ કરવામાં આવી હતી.

ત્યાર બાદ મરનારના અપહરણ અંગે અન્ય ચાર ઈસમો પણ જવાબદાર હોય સ્પે. પી.પી. દ્વારા જે લોકોને સાહેદો બનાવેલા છે, તેવા ૪ ઈસમો બનાવમાં સંડોવાયાનું જણાવી તે બાબતે ફેરતપાસની અરજી કરી હતી.

આ કામમાં સરકાર પક્ષે અમદાવાદના સ્પે. પી.પી. ચેતનભાઈ શાહ રોકાયા છે. જ્યારે મુળ ફરીયાદી વતી એડવોકેટ લલિતસિંહ શાહી, ચંદ્રકાંત દક્ષિણિ, ભુવનેશ શાહી, કૃણાલ શાહી, સુરેશ ફળદુ, યોગેશ બારોટ, હિતેષ ગોહેલ વિગેરે રોકાયા હતાં.(૨.૨૨)

(3:57 pm IST)