Gujarati News

Gujarati News

News of Wednesday, 13th February 2019

શિક્ષક ઘડવૈયો પણ છે અને લડવૈયો પણ છે

સિસ્ટર નિવેદીતા શ્રેષ્ઠ એવોર્ડ પ્રદાન કાર્યક્રમ સંપન્ન : સૈનિક અને શિક્ષક માટે કયારેય આઠ કલાકની ફરજ હોઈ શકે નહિં : પૂ.રમેશભાઈ ઓઝા

રાજકોટ : સમગ્ર ગુજરાતમાંથી પૂર્વ પ્રાથમિક, પ્રાથમિક તેમજ માધ્યમિક શિક્ષણક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર ત્રણ શિક્ષકોને પસંદ કરી તેમને વર્ષ ૨૦૧૭-૧૮નો શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ પ્રદાન કરવાનો કાર્યક્રમ વિખ્યાત ભાગવતાચાર્ય અને સાંદિપની વિદ્યાનિકેતન, પોરબંદરના પૂ.ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની અધ્યક્ષતામાં યોજવામાં આવેલ. તેઓએ તેમના વકતવ્યમાં જણાવેલ કે શિક્ષક ઘડવૈયો પણ છે અને લડવૈયો પણ છે. સૈનિક અને શિક્ષક માટે કયારેય આઠ કલાકની ફરજ હોઈ શકે નહિં. વ્યવસ્થા ખાતર ફરજના કલાક નક્કી કરવા પડે છે. તેઓની ફરજ ૨૪ કલાકની છે. શિક્ષક અને નિવૃતિને સંબંધ ન હોય. શિક્ષક નિવૃત ન થાય આજીવન છેલ્લા શ્વાસ સુધી તે કાર્ય વગર રહી શકે નહિં. વેદ પરંપરા અનુસાર નિયત કામ કરતા કરતા સો વર્ષ જીવવું. જીવન પ્રત્યે પ્રેમ હોવો જોઈએ. જીવનને પ્રેમ કરવાથી જ જગજીવનને પ્રેમ કરી શકાય છે. જીવનને પ્રેમ કરવાથી જ કૃષ્ણને પ્રેમ કરી શકાય છે અને જીવનને પ્રેમ કરવાનું શિક્ષકો જ શીખવી શકે છે. જીવનને પ્રેમ કરવાથી વ્યકિત દુર્ગુણોથી, વ્યસનોથી અને હાનિકારક વસ્તુઓથી દૂર રહેશે.

સૂર્યોપાસનાના મંત્રમાં પણ કહેવામાં આવ્યુ છે કે અમારી વાણી સ્વસ્થ રહો. વાણીનું સ્વાસ્થ્ય એટલે તે સત્ય હોય, તે સુષ્ઠુ હોય અને તે સભ્ય હોય, વિદ્યાર્થીઓ ભણતા હોય તે ઓછામાં ઓછા શબ્દોમાં, ઓછામાં ઓછા સમયમાં અને સમજાય તેવો સંદેશ પહોંચાડવો જોઈએ.

પૂ.ભાઈજીએ જણાવેલ કે સરકારી નિયંત્રણો અને રાજય શાસન થનગનતા યુવાનોને પકડી રાખે છે. પ્રાચીન ગુરૂકુળોમાં અભ્યાસક્રમ ગુરૂજનો નક્કી કરતા ગુરૂકુળમાં રાજાનું શાસન ન ચાલે. રાજા જયારે ગુરૂકુળ પાસેથી પસાર થતો, ત્યારે રથ, શસ્ત્ર અને પગરખા બહાર મૂકીને પ્રવેશતો. રાજા વિષ્ણુરૂપ છે.

શિક્ષકોનું દાયિત્વ સમાજનું છે. સાંપ્રત સમસ્યાનું ચિંતન કરી સમાજ કેમ ચલાવવો તે નક્કી કરવુ તે ઘડતર. શિક્ષકે વિદ્યાર્થીના પાણીને પ્રગટ કરવાનું છે. જેમ કૂવામાં પાણી ઉપર રહેલુ માટીનું આવરણ હટાવવાથી પાણી પ્રગટ થાય છે. તેમ વિદ્યાર્થીઓમાં રહેલા અજ્ઞાનના આવરણને હટાવવાથી જ્ઞાન પ્રગટ થાય છે. જ્ઞાનનું પ્રાગટ્ય ન થાય ત્યાં સુધી ગુરૂએ અજ્ઞાન દૂર કરતા રહેવુ જોઈએ. શિક્ષક ખેડૂત છે, કિસાન છે. બધા ગ્રેજ્યુએટ થાય તે જરૂરી નથી. દરેકની તાસીર જુદી હોય છે. ખેડૂત માટીની તાસીર જાણીને ફસલનો પ્રકાર નક્કી કરે. કોઈ બાળક નકામુ નથી, પરંતુ તે જુદુ છે.

સિસ્ટર નિવેદીતા ફાઉન્ડેશનના શ્રીમતી ઉષાબેન જાની અને શ્રી ગુલાબભાઈ જાનીએ પ્રાસંગિક ઉદ્દબોધન કરેલ. માધ્યમિક વિભાગમાં શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ પ્રાપ્ત કરનાર સેન્ટ મેરી સ્કુલ, રાજકોટના શિક્ષક ઉમેશભાઈ વાળાએ પોતાનો પ્રતિભાવ આપતા જણાવ્યું કે મારી થોડીક ખૂબીઓને આ સંસ્થાએ નિહાળી અને એવોર્ડ માટે મારી પસંદગી કરી તે બદલ સંસ્થાનો આભાર વ્યકત કરૂ છું. શિક્ષકે વ્રતનિષ્ઠ વિદ્યાર્થીઓ તૈયાર કરવાના છે. મને પ્રાપ્ત થયેલી રૂ.૨૦,૦૦૦ની એવોર્ડની રકમ ઝુંપડપટ્ટીના ગરીબ વિદ્યાર્થીઓ માટે વાપરીશ.

સિસ્ટર નિવેદીતા શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિતરણ સમારંભમાં શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી પામેલ શિક્ષકો દિપાબેન પટેલ, મધુબેન દારૂવાલા અને ઉમેશભાઈ વાળા, દરેકને પૂ.ભાઈશ્રી રમેશભાઈ ઓઝા, વિજયભાઈ દલાલ, ઉષાબેન જાની, ડો.નિરંજનભાઈ પંડ્યા તેમજ બળવંતભાઈ દેસાઈના હસ્તે સૂતમાલા, શિલ્ડ, રૂપિયા ૨૦ હજારનો ચેક, પ્રશસ્તિ પત્ર અને પુસ્તક સંપુટ અર્પણ કરી સન્માનિત કરવામાં આવેલ.

(3:46 pm IST)