Gujarati News

Gujarati News

News of Wednesday, 13th February 2019

કાલે સાહિત્ય સેતુ સંસ્થા દ્વારા વેલન્ટાઇન-ડેની અનોખી ઉજવણી

ગ્રંથ પૂજન, પુસ્તક પ્રદર્શન, વાંચન શિબીર, કવિયત્રીનું કરાશે સન્માન

રાજકોટ તા.૧૩ : સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી રૂક્ષ્મણીબેન દિપચંદભાઇ ગારડી વૃદ્ધાશ્રમ દીકરાનું ઘર ઢોલરા પ્રેરિત સાહિત્યીક પ્રવૃતિ કરતી સંસ્થા સાહિત્ય સેતુ દ્વારા વેલેન્ટાઇન ડે નિમિતે સમાજમાં વાંચનનું પ્રમાણ ઘટતું જાય છે. ત્યારે સમાજમાં વાંચનનો વ્યાપ વધે, લોકો વાંચતા થાય, પુસ્તકાલયો ફરી સજીવન થાય તેવા સુભ આશયથી શહેરના નાનામવા રોડ પર મોકાજી સર્કલ પાસે શ્રી વિનોબા ભાવે પ્રાથમીક શાળા નં.૯૩માં તા.૧૪ને ગુરૂવારે સવારે ૮-૩૦ વાગે વેલેન્ટાઇન ડેની નોખી-અનોખી ઉજવણી કરવાના ભાગ રૂપે ગ્રંથ પૂજન, પુસ્તક પ્રદર્શન, વાંચન શિબિર, કાવ્ય પઠન, કવિયત્રી સન્માન સહિતના કાર્યક્રમોનું આયોજન કરાયું છે.

સાહિત્ય સેતુ સંસ્થાના પ્રમુખ અરવિંદભાઇ દોમડીયા અને સંયોજક મુકેશભાઇ દોશીએ જણાવ્યું છે કે પુસ્તકોનું પણ ધાર્મિક ગ્રંથ જેટલું જ મહત્વ છે તે માટે થઇને સત્યના પ્રયોગો, રામાયણ, ગીતા, સૌરાષ્ટ્રની રસધાર સહિતના ગ્રંથોનું ગ્રંથ પૂજન મહેમાનોના હસ્તે કરવામાં આવશે. અંદાજીત એક હજારથી વધુ પુસ્તકોનું પુસ્તક પ્રદર્શન પણ યોજવામાં આવનાર છે શહેરની યુવા કવિયત્રીઓ લક્ષ્મીબેન ડોબરીયા, વનિતાબેન રાઠોડ, હંસાબેન ભટ્ટનું સન્માન કરાશે. દેશના આવતીકાલના નાગરીકો એવા છાત્રોમાં વાંચનની ટેવ કેળવાય  તે માટે શાળાના છાત્રો શાળાના પરિસરમાં વૃક્ષ નીચે બેસીને શિયાળાના મીઠા, તડકામાં પોતાને મનગમતા પુસ્તકોનુ વાંચન  શિબિરમાં કરશે શાળાના છાત્રો આપણા સૌરાષ્ટ્રના જાણીતા લેખક સર્જક ધુમકેતુ, ઝવેરચંદ મેઘાણીની જીવન ઝરમર રજુ કરશે તેમજ કાવ્ય પઠન પણ કરશે અને પુસ્તકો આપણા મિત્રો, પુસ્તકોનું મહત્વ વિષય પર વકતવ્ય આપશે.

આ કાર્યક્રમમાં સમાજ જીવનના વિવિધ ક્ષેત્રના મહાનુભાવો જાણીતા લેખક વકતા ડો. ભદ્રાયુભાઇ વચ્છરાજની શિક્ષણ સમિતિના ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર, સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ દર્શિતભાઇ જાની, નિવૃત જીલ્લા શિક્ષણાધિકારી ડો. મુનાફભાઇ નાગાણી, મોઢવણિક સમાજના અગ્રણી યુવા બીલ્ડર હરેશનભાઇ મહેતા, યુવા ઉદ્યૌગપતિ રાજેશભાઇ ભાલાળા, શિક્ષણ સમિતીના પૂર્વ ચેરમેન કિરીટભાઇ પાઠક, જૈન યુવા સાહિત્યકાર મનોજભાઇ ડેલીવાળા ઉપસ્થિત રહેશે.

સફળ બનાવવા સાહિત્ય સેતુ પરિવારના અરવિંદભાઇ દોમડીયા, મુકેશભાઇ દોશી, અનુપમ દોશી, વનિતાબેન રાઠોડ, સુનિલ વોરા, દિનેશભાઇ ગોવાણી, નલિન તન્ના, પ્રકાશ હાથી, જનાર્દનભાઇ આચાર્ય, ડો. ભાવનાબેન મહેતા વગેરે કાર્યરત છે.

(3:42 pm IST)